અષાઢી પૂનમ જેને સંસ્કૃતિમાં વ્યાસ પૂર્ણિમા કે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.
હરિવંશપુરાણમાં મહાભારતની કથાઓ જાણવા મળે છે.
મહાભારત એ મહાકાવ્ય તરીકે પ્રતિષ્ઠિત છે,
આ ગ્રંથમાં ભારતવર્ષનો ક્રમીક રાજકીય ઇતિહાસ રોચક પદ્યમાં તથા કથાઓ સ્વરૂપે વર્ણવેલ છે.
મહાભારતની એક કથા પ્રમાણે ૠષિ પરાસર અને યમુનાનદીના કિનારે રહેતી એક માછીમાર કન્યા સત્યાવતીના પુત્ર મહર્ષિ વ્યાસ હતા.
વ્યાસનો જન્મ યમુનાનદીના દ્વિપમાં થયેલ એટલે દ્વૈપ્યાયન તથા વર્ણ એમનો શ્યામ હતો એટલે કૃષ્ણદ્વૈપ્યાયન નામે ૠષિ મંડળમાં પ્રસિદ્ધ થયાં.
આયુર્વેદની ચરક સંહિતાની સંભાષાઓમાં ૠષિ કૃષ્ણદ્વૈપ્યાયનનું નામોલ્લેખ જોવાં મળે છે.
વ્યક્તિ માટેના વૈદિક કે પૌરાણિક નામ, એ એનાં વ્યક્તિત્વની પ્રજા માં જે છાપ હોય
એ પ્રમાણે ઇતિહાસમાં લખાયા હોય છે.
વ્યાસજી, સુપ્રજનનશાસ્ત્ર (જેનેટીક એન્જીનિયરીંગ) ના પરમ જ્ઞાતા હતાં, માતા સત્યાવતીના આગ્રહથી, એમના પ્રયાસ થકી પાંડુ, દ્યુતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયેલ,
રાણી ગંધારીના 100 પુત્રો (કૌરવ) અને એક પુત્રીના જન્મ પાછળ એમની જ ચિકિત્સાનું યોગદાન હતું.
મહર્ષિ વ્યાસ કુશાગ્ર બુદ્ધિના હતાં એમણે
વેદનું જ્ઞાન જનસામાન્યમાં સુલભ અને સરળ બને એ માટે વેદનું ચાર ભાગમાં વિભાજન કર્યુ હતું
એમ શ્રુતિ-સ્મૃતિઓ પુરાણો ઉલ્લેખ કરે છે.
વેદ વ્યવસ્થાનો વિસ્તાર કર્યો તેથી તે વેદવ્યાસજી કહેવાય છે.
સનાતન ભારતીય સંસ્કૃતીના જ્ઞાનગ્રંથોમાં મહાભારત સાથે અઢારપુરાણ તથા ઉપનિષદ આધારીત બ્રહ્મસૂત્રની રચના વેદવ્યાસજીએ કરેલ છે એવું ઉલ્લેખાયેલ છે. બદરીનારાયણ ધામ થી ત્રણ કિ.મી. ના અંતરે સરસ્વતી અને અલકનંદા નદીના સંગમતીર્થ કેશવપ્રયાગ પાસે, સરસ્વતીના પશ્ચિમ કિનારે એક વિશિષ્ટ ભોગોલીક રચના ધરાવતી ગુફા આવેલ છે જેને વ્યાસગુફા કહે છે લોકવાયકા છે કે વ્યાસજી એ અહિં સાહિત્યનું સર્જન કરેલ હતું…
આધ્યાત્મિક જ્ઞાનની વહેંચણી જયાંથી થતી હોય એને વ્યાસપીઠ કહેવાય છે.
જ્ઞાનપ્રકાશનો દિવસ એટલે વ્યાસપૂર્ણિમા…
ગુરુ વિના જ્ઞાન નહી… એટલે વ્યાસપૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા પણ કહે છે.
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અષાઢથી થઈ જાય છે,
શ્રાવણ – ભાદરવો બરાબર વરસે અને આસો ઉતારતાં નદી, નાળાંઓના સર્વત્ર જળ,
સર્વદિશાઓના વાયુ, અને સર્વત્ર ભૂમિ શીતળ – સૌમ્ય અને જીવંત થઈ જાય છે.
પ્રાચિન સમયમાં પર્યાવરણનું સંતુલન વિચક્ષણ પ્રજાપાલકો તથા આજ્ઞાકારી પ્રજાના કારણે સારીરીતે જળવાઈ રહેતું એટલે ચોમાસું પણ બરાબર જામતું હશે. ચોમાસા દરમિયાન પ્રજાનો દરેક વ્યવસાયીકવર્ગ નું કામકાજ વરસતાં વરસાદના કારણે રોકાઇ રહેતુ હશે.
એવાંમાં નવરાં બેઠાં શું કરવું ?
કામધંધા વિના ભુખ પણ વધુ લાગે છે અને વરસાળામાં બદલાયેલ વાતાવરણથી શરીરનો અગ્નિ પણ મંદ થયેલ હોય, ઉપરાંત નવાં પાણી અને ભેજવાળાં વાતાવરણને લઈને ધાન્ય તથા શાકભાજી પણ ખાદ્ય પચવામાં ગુરુ થાય છે, મંદાગ્નિ વધુ ને વારેવારે પચવામાં ભારે, એવું ભોજન લેવાતાં સ્વાસ્થ્યને હાનિ થઇ શકે છે.
આ સમસ્યાનો ઉકેલ તથા સર્વ પ્રજા સહર્ષ સ્વીકારી લે એવો ઉપાય ભૂતદયાપ્રિતીવાળા મહર્ષિઓએ શોધી કાઢયો, ” ચર્તુમાસ “…
અષાઢી પૂર્ણિમા દિવસે જીજ્ઞાસુ પ્રજા, પ્રજ્ઞાવાન બનવા માટે મહર્ષિઓ પાસે ગઇ હશે ત્યાં એમનું પૂજન કરી અને એમણે વિસ્તાર કરેલ જ્ઞાનનું આચમન કરવવાં પ્રાર્થના કરી હશે….
આવી જ્ઞાનવાણીનો આસ્વાદ માણવામાં ભોજન પણ ભૂલી જવાય અથવા શ્રવણના કાર્ય માટે લઘુભોજન પણ પર્યાપ્ત રહે છે.
ચર્તુમાસ દરમિયાન ઉપવાસ થઇ જવાથી શરીરનું સ્વાસ્થ્ય જાળવાઇ રહે છે અને કથાશ્રવણથી જ્ઞાન અને ચિંતન દ્વારા મન પણ વિકાર રહિત સ્વસ્થ બને છે.
કથાવાર્તાનું શ્રવણ કરવાનો મહિનો એટલે શ્રાવણમાસ અને એ સાંભળીને જે પોતાનુ જ કલ્યાણ થાય જ છે માટે એ પછી આવતો મહિનો ભાદ્રપ્રદ…
(ભદ્ર = કલ્યાણ ; પ્રદ = આપનાર) = ભાદરવો મહિનો.
અષાઢી પૂર્ણિમાએ ગુરુ પૂજન દ્વારા આ પૂર્વે રચાયેલ સનાતન ભારતીય પરંપરા આંશીક જળવાયેલ છે.
ગુરુનું પૂજન…
ગુરુ એ જે શ્રી-કાર્ય કરેલ એનાં અભિવાદન માટે હતું સાથે સાથે આવાં પૂજનનો ઉદેશ્ય જ્ઞાન મેળવવાની યાચના સ્વરૂપ પણ રહેતો હતો ..
ગુરુ એ જે પુરુષાર્થ કરીને અનુભવ્યું… મેળવ્યું એ હવે એમનાં માર્ગદર્શન હેઠળ પૂજન કરનાર વ્યક્તિએ આગળ વધી વ્યક્તિગત અનુભવ કરીને મેળવવાનો રહેતો… આ જ્ઞાનગંગા સદાય વહેતી રહે, એવી ગુરુ શિષ્ય પરંપરા કહેવાતી..
ગુરુ એ જે તથ્યોમાં સત્ય જાણ્યું અનુભવ્યું એને પોતાના શિષ્યને મેળવવાં માત્ર માર્ગદર્શન કરે છે, શિષ્ય ને લક્ષ્યાંક સિદ્ધિ પ્રાપ્ત થાય એ માટે શુભાશિષ આપે છે પણ જ્ઞાન તો શિષ્યે પોતાના પ્રયત્નથી જાતે જ મેળવવું પડે છે કોઇ ચમત્કાર કે સીધું ટ્રાન્સફર થઈ શકે એવો ઉપાય નથી જ…
કાળક્રમે આ જ્ઞાનગંગાને સદાય વહેતી રાખવાના ઉદેશ્ય વાળી ગુરુ-શિષ્યપરંપરામાં કેટલાકને પોતાની પ્રતિષ્ઠાનો લોભ અને ધનલાલસા વધતાં સંપ્રદાય થયાં
શિષ્યોની જગ્યાએ અનુયાયી (ઘેટાંવૃતિથી પ્રેરીત) થયા.
અનુભવ મેળવવાં માર્ગદર્શન તો દૂર રહ્યું એને બદલે કંઠી બાંધી દાન નામે ઉઘરાણાં ફરજીયાત કરાયા.
જે શ્રી-ફળ હતું એ ગડગડીયું થઇને ગંધાઇ ઉઠ્યું.
આપણી સંસ્કૃતિના ઉચ્ચ મુલ્યો તો જુઓ…!!!
શિષ્ય, ગુરુ માટે અહોભાવ થી કહે છે,
गुरुः ब्रह्माः गुरुः विष्णुः गुरुदेवोः महेश्वराः ।
गुरुः साक्षात् परमब्रह्माः तस्मै श्री गुरवे नमः ।।
ત્યારે ગુરુ, શિષ્યને કહે છે,
सहनाववतु सहनौभुनक्तु सहवीर्यम् करवावहै,
तेजस्विन् अवधीतम् अस्तु , मां विद्विषावहै ।।
ગુરુ જાણે છે કે,
ગ+ઉ ; ર+ઉ
ग એટલે ગતિ, र એટલે આકાશમાં ગુંજતો શબ્દ નો ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ, આ બંને વર્ણાક્ષર માં હ્રસ્વ – નાનો ઉ જોડાય તો गुरु શબ્દ બને છે, માટે મોટાઇની અપેક્ષા કે દેખાડો ગુરુ નથી કરતો…
સદ્ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્તિ હેતુથી, આવનાર શિષ્ય માટે એ ગુરુનો સમગ્ર પ્રયાસ હતો, तत् त्वम् असि ।
મે માણ્યું છે અને મેળવ્યું છે,
તું પણ અનુભવ કર, તને પણ જરૂરથી મળશે
કારણ કે હું અને તું તે જ છીએ तत्वमसि ।।
આવા ઉદેશ્ય અને ફળ સાથેની પરંપરા,
ગુરુ-શિષ્ય પરંપરા કહેવાય..
શરીર મૃત્યુધર્મા એટલે નાશવંત છે.
પણ એ જ શરીરને મળેલ કે અપાયેલ નામ આ સંસારમાં
અમર થઇ જાય છે.
સદીઓ વીતી પણ “મહર્ષિ વેદવ્યાસ ” નામ અમર છે,
વ્યાસપીઠ અને ગુરુપુર્ણિમા થકી શાશ્વત બની રહેશે..
ગુરૂ પુર્ણિમાનો એક જ સંકલ્પ કે,
જીજ્ઞાસાથી જાણીશું પછી એનો
કર્માભ્યાસ કરીને જે નિષ્કર્ષ મેળવીશું ,
એ અન્ય માટે કલ્યાણકારી થાય એ માટે
નિસ્વાર્થ જણાવીશું અને જરૂર પડે
માર્ગદર્શન કરવા અપેક્ષા રહિત સહાયક બનશું…