Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ચરૈવેતિ… ચરૈવેતિ… ∆ રમણીક અગ્રાવત

ઊંઘની મુસાફરી પૂરી કરીને જાગી જઈએ કે પહેલી ઈચ્છા તો ચાલવાની જ થાય. પથારી છોડીએ કે તરત પ્રાત:વિધિઓ પતાવવા ય થોડાં ડગલાં ભરવા જ પડે. આમ ડગલાં પછી ડગલું મૂકતાં ક્યારે ચાલવાના લયમાં મૂકાઈ જઈએ છીએ તેનો ખ્યાલ રહેતો નથી. ઘરની હૂંફાળી હથેળીમાં તો રોજ રહેવાનું જ છે પણ એ બંધાયેલા ખૂંટા સહિત તેનાથી દૂર દૂર ચાલી જવાનો લોભ ખાળ્યો ખળાતો નથી. ફરી ભલે પાછાં એનાં એ જ ઘર પાસે અનાયાસ આવી ઊભા રહી જઈએ, પરંતુ ચાલતાં રહેવાની રઢ ઊંડે ઊંડે ધરબાયેલી રહે જ છે જાણે એના દોરાયા જ ચાલી નીકળીએ છીએ સવાર-સાંજ.

સવારનાં ઝરમરતાં ધુમ્મસમાંથી કોઈ લાંબો હાથ કરીને આપણને બોલાવી લે છે. પુલકિત મૌનમાં એક પછી એક ઊઘડતાં હોય છે પુષ્પો. પોતાની સુવાસિત ઝાંઝરી ખનકાવતાં તેઓ રસ્તા પર આપણી પણ પહેલાં ચાલતાં થઈ જાય છે. તેની પાછળ પાછળ રોજ નવું નવું ચાલવાનું શીખતાં હોઈએ એમ મંત્રમુગ્ધ થઈને બસ ચાલતાં થઈ જઈએ છીએ…

સ્થિર અને સ્થગિત લાગતાં પણ સતત ચાલતાં જ રહેતા રસ્તાઓ આપણને ક્યાંય ને ક્યાંય લઈ જવા હંમેશા તત્પર જ હોય છે. ચાલતાં રહેનાર સાથે સતત સંવાદરત રહે છે રસ્તાઓ. ધીમે ધીમે રક્તમાં વધી રહેલી ઉષ્ણતા એ રસ્તાઓએ આપણને બક્ષેલી સોગાત છે. ધીરે ધીરે શરીરની રક્તવાહિનીઓમાં હૂંફાળો સંચાર રણઝણવા લાગે છે. મૌન રહીને પગલાં પછી પગલું મૂકતો ગતિમાન થઈ ગયેલો આત્મા સાચે જ કશું બોલી પડવા વિવશ થઈ જાય છે. રસ્તાની બન્ને તરફ કતારબદ્ધ ખડાં વૃક્ષો અને આસપાસનો સઘળો વનસ્પતિવિન્યાસ જાણે આપણી સાથે કદમતાલ મિલાવતો ચાલી પડે છે. ચાલતાં રહેનારને નિહાળીને વૃક્ષો પણ આંતરિક પ્રસન્નતાથી ફરફરવાં માંડે છે…

સંબંધો જાગી જાય તે પહેલાં જવાય તેટલે છેટે રસ્તા પર જવું જ રહ્યું. ચારે તરફથી જાણે નાદ ઊઠે છે : ચરૈવેતિ… ચરૈવેતિ… કશું જ સ્થિર નથી. જે ચાલે છે તે જ ટકે છે. જે જે અટક્યું, જે જે સ્થિર થયું, તે તે હોમાઈ જાય છે જડતામાં! ઝાડ પરથી ઊતરીને માણસ ચાલવા માંડ્યો ત્યારથી જ આરંભાયો છે આ ચલયજ્ઞ. ચાલવું, સતત ચાલવું એ જીવમાત્રનો સ્વભાવ છે.

ચહલકદમી*

ચૂપચાપ ખીલતી સવારનાં ધુમ્મસમાં
ઝાંખાં ફૂલો વચ્ચે ઊઘડતા ઉજાસમાં
આત્માને શીખવવાની પાપાપગલી

બોલું બોલું થતાં અટકી રહે રસ્તાઓ
સાવ અચાનક ખભે હાથ મૂકી ચમકાવી દે
અજાણી સુગંધો
નિભાવે સાત ડગલાંનું સખ્ય વૃક્ષો
પાછળ પાછળ પગલાં સૂંઘતી ફરે સ્મૃતિઓ

સંબંધો જાગી જાય
તે પહેલાં
મૌનની કેડી પર
વેરી મુકેલાં મોતી વીણતાં વીણતાં
નીકળી પડવાનું ચૂપચાપ…


‘અંતરીક્ષમાં લટકતી સીડીઓ’ (૨૦૨૧)માંથી.

ચિત્ર: ક્યારેક વનની એકલતામાં જાનકી અને લક્ષ્મણ સંગ ચાલ્યા શ્રી રામ : સૌજન્ય: નૈનેશ જોશી

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s