Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સત્ય ઘટના…નામ બદલ્યા છે.

“હાય ! મેડમ તમે ખુબજ પ્રભાવશાળી અને સુંદર દેખાઓ છો ! “તમારા જેવી વ્યક્તિ મારા ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમા હોય તો તાજ પર કોહિનૂર હોય એવી સમ્માનની લાગણી થાય”

ભલે એના પ્રેમ લગ્ન હતા પણ યાંત્રિક લગ્નજીવનના 20 વર્ષમાં આટલા વખાણ કોઈએ નહોતા કર્યા. લંડન બ્રિટિશ એરલાઈન્સમાં પાયલોટ તરીકે જોબ કરતા અને હેન્ડસમ દેખાતા વ્યક્તિએ મેસેન્જરમાં આવીને તેના હૃદયના તાર ઝણઝણાવી કાઢ્યા હતા. એના કહેવા મુજબ તેને ગુજરાતી, હિન્દી આવડતું જ નહતું. ફક્ત બ્રિટિશ ઈંગ્લીશ જ ફાવતું હતું. કોમલનું ઈંગ્લીશ કમજોર હતું તે વાંચી સમજી તો લેતી પણ જવાબ ટૂંકાણમાં આપતી.

ચાર દિવસમાં તો મિત્રતા વ્હોટ્સએપ સુધી પહોંચી ગઈ. કઈ પણ પૂછ્યા વગર તેને પોતાના વિશે બધુ કહી દીધું જેમકે તેની પત્ની બ્રેસ્ટ કેન્સરમાં મૃત્યુ પામી છે. એક દીકરી છે જે મારા માતાપિતા સાથે રહે છે વગેરે વગેરે… કોમલે પણ પોતે મેરીડ છે અને તેને એક દીકરો છે જે કોલેજમાં અભ્યાસ કરે છે. તે માહિતી આપી હતી.

લંડનમાં સવાર પડે એ સમયે તે ગુડ મોર્નિંગ કરતો. તો ક્યારેક કોકપીટ માંથી, દુબઇ એરપોર્ટ પરથી તો ક્યારેક ઓસ્ટ્રેલિયાથી સેલ્ફી મોકલતો અને સમય કાઢી ચેટ કરતો. કોમલને આટલું સ્પેશ્યિલ આજ દિન સુધી ફિલ કોઈએ નહતું કરાવ્યું. તેને રાત દિવસ એની જ ઇન્તેજારી રહેતી….આય હાય કેટલો પ્રેમ ! તે અરીસા સામે જોઈ રહૈતી… કોઈના માટે હું કેટલી મહત્વની છું. એ લાગણી તેને ખૂબ ગમવા લાગી હતી. આખા જીવનમાં સ્ત્રી તરીકે આટલું મહત્વ કોઈએ નહોતું આપ્યું, લગ્નજીવન સાવ નીરસ થઈ ગયું હતું.

અદ્દલ રામ મોરીના “એકવીસમુ ટિફિન” વાર્તાની નાયિકાની જેમ જ.

તેને ખુદને પણ સભાનપણે ખબર જ નહતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. ત્રણ દિવસ બાદ તેને બીજા શહેરમાં રહેતી તેની ખાસ સખી નિશા જે સમાજ સેવામાં ખૂબ આગળ પડતી હતી તેને આ વાત કરી. નિશા વાત સાંભળતા ચિંતિત થઈ ગઈ. તેને કહ્યું “તું આનામાં ના પડતી. તેને મને પણ અપ્રોચ કર્યો હતો. આવા ઘણા અનુભવો મેં સાંભળેલા છે. કેમકે વર્ચ્યુઅલ દુનિયામાં ફેસ કોઇનો હોય અને પાછળ બીજું કોઈ હોય એવું ખૂબ બનતું હોય છે.” પણ કોમલ ત્યાં સુધીમાં ઓલા ના મોહપાશમાં આવી ચૂકી હતી જેનાથી નિશા અજાણ હતી.

ચોથે જ દિવસે કોમલને વોટ્સેપ કોલ આવે છે. કેપ્ટનભાઈ કહે છે ” હું મારી દીકરીના birthday માટે શોપિંગમાં આવ્યો છું. તારા માટે એક એકદમ expensive brand ના શૂઝ ગમ્યા છે. તે લઉં છું.” શરૂઆતમાં કોમલ આનાકાની કરે છે. પણ છેવટે માની જાય છે. કોમલ પોતે એક well off ફેમીલીથી બિલોંગ કરતી હતી. તેના માટે શૂઝની નવાઈ નહતી પણ નવા નવા પ્રિય બનેલો વ્યક્તિ એના માટે આટલી મોંઘી ગીફ્ટ લઈ રહ્યો છે તેના હસીન ખયાલમાં રાચવા લાગી. અને વિચાર્યા વગર પોતાનું એડ્રેસ પણ આસાનીથી આપી દીધું.

આ બાજુ પોતાના સખત બીઝી શેડ્યુલ્માં પણ નિશાએ એજ દિવસે રાત્રે એ પાયલોટ વિશે સર્ચ કરીને તેની બે ત્રણ આઇડી શોધીને કોમલને મોકલી આપી અને સાથે ચેતવી કે જે માણસ પાયલોટ હોય તેની આસપાસ કેટલી યુવતીઓ ફરતી હોય. આપણા જેવી સ્ત્રીઓમાં તેને ક્યાંથી રસ પડે ! કંઇક લોચા છે. છતાંય તેનાથી શક્ય હોય એટલું સાવધાન રહેજે. સાથે તેણે તેના ખાસ મિત્ર અજયને પણ આ વાત જણાવી. અજય પણ તરત કામે લાગી ગયો. તેને તો તેના ઢગલાબંધ આઇડી શોધી કાઢ્યા અને નિશાને જણાવ્યું કે “તું તાત્કાલિક ધોરણે આને બ્લોક કરાવ. તે એના પતિથી આટલી ડરે છે તો નાની અમથી વાતમાં પણ તે બ્લેકમેઇલ થઈ શકે છે. અને કોઈ સીરીયસ કન્ડીશન માં ફસાઈ શકે છે.” નિશાએ બીજે જ દિવસે સવારે કોમલને આ બધી માહિતીથી અવગત કરાવીને સખીને ચેતવી અને તેને ફસાતી બચાવ્યા બદલ નિરાંત અનુભવી. પણ તેને ક્યાં ખબર હતી કે આ નિરાંત હંગામી હતી. કેમકે જે ઘટવાનું હતું એ ઘટિત થઈ ચૂક્યું હતું.

નિશાના ફોન બાદ કલાકમાં જ કોમલનો ફોન રણક્યો , ટ્રુ કોલરમાં ‘custom india’ પોપઅપ થાયુ. સામે છેડેથી એક સ્ત્રીનો મૃદુભાષી પણ કડક અવાજ સંભળાયો : “મેડમ, તમારૂ કોઈ ગિફ્ટ પાર્સલ આવ્યું છે, ખૂબ બધી કિંમતી વસ્તુઓ છે, આઇફોન, પાઉન્ડ, જ્વેલરી… આવી કિંમતી વસ્તુઓ પાર્સલ માં મંગાવવા માટે તમારી ઉપર પોલીસ કેસ થઈ શકે છે. તેના માટે તમારે સાડા ત્રણ લાખ ભરીને છોડાવવું પડશે.”
તેને તો આ સાંભળીને ગભરામણ વછૂટી ગઈ. શું કરવું સમજણ નહતી પડતી.

તેને તરત જ પ્રિય કેપટનને કોલ કર્યો કેપ્ટન ભાઈએ જણાવ્યું કે” હું ઓસ્ટ્રેલિયા એવિએશન મીટીંગમાં છું છતાં 1 મિનિટ તારા માટે સમય કાઢ્યો. બોલ શું હતું ? ” કોમલે આખો ઘટનાક્રમ જણાવ્યો. કેપ્ટન : ” really sorry પણ પ્લીઝ મારું પ્રેમથી મોકલેલું પાર્સલ લુઝ ના કરીશ. મારી પ્યારી જાનું માટે આ નાચીઝે ઘણી કિંમતી ગિફ્ટ મોકલી છે. પ્લીઝ તું એ ગિફ્ટ હેન્ડલ કરી લે ડીયર, થોડી ઘણી કસ્ટમ ફી હશે. હું અહીંયાથી કશું કરી શકું એમ નથી. નહીંતો અહીંયાથી જ પાછું મંગાવી લેત અથવા ડ્યુટી ભરી દેત.” એમ કહીને ઓફ લાઈન થઈ જાય છે. આ બધું એ પાછો પ્યોર બ્રિટિશ ઈંગ્લીશ એકસેન્ટ સાથે બોલી જાય છે.

તેને આંખે અંધારા આવવા લાગે છે. પોતે શું કરે એ વિચારવા મગજને સજજ કરી દોડાવવા લાગે છે પણ તેમ છતાંય તેને તેની મિત્ર નિશા જે આ બધું સારી રીતે સમજી શકે છે તેને કહેવાનો કે તેની મદદ માંગવાનો વિચાર જ નથી આવતો. એટલી હદે આ આખી ટોળકી તેને વ્યસ્ત રાખે છે. તરત જ ફરીથી કસ્ટમ માંથી કોલ આવે છે.

“કસ્ટમ ડ્યુટી કેવી રીતે ભરશો?
“પણ મેં કોઈ વસ્તુ મંગાવી જ નથી. તેને સામેથી મોકલી છે.” તે એવી વ્યર્થ બાલિશ દલીલ કરે છે.
“તમે ભલે ના મંગાવી હોય. પણ એડ્રેસ તમારું છે. એટલે પોલીસ તપાસ તમારી જ થશે. તમારા નંબર ઉપર બેંક ડિતૈલ ટેક્ષ્ટ મેસેજ કર્યો છે. તેમાં પૈસા જમાં કરાવો.” કહીને કસ્ટમ અધિકારી ફોન કટ કરી નાંખે છે.

તે કશું બોલી ના શકી. તેની જીભ સાથે મગજ પણ સિવાઈ ગયું. તેને તેના એક જ્યોતિષને કોલ કર્યો. જ્યોતિષને આમાં ધંધો દેખાયો. તેને એવું કહીને ઓર બિવડાઈ કે તારી ગ્રહ દશા ખૂબ એટલે ખૂબ ખરાબ ચાલી રહી છે. જેલ જવાના પણ યોગ છે. હું આમાંથી છૂટવા માટે તને વીધી કરી આપીશ.

બીકમાં ને બીકમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા આપેલ એકાઉન્ટ કે જે કોઈ લીલાધર બરેલી નામનું હતું તેમાં તેને ફટાફટ એક લાખ વીસ હજાર ટ્રાન્સફર કર્યા. તેને એક સેકંડ માટે પણ એવો ખ્યાલ ના આવ્યો કે આવા પ્રાઈવેટ એકાઉન્ટથી કસ્ટમ ઓફિસમાં પેમેન્ટ કેવી રીતે થાય. આવી રીતે આખા દિવસમાં ત્રણ તબક્કે તેને સાડા ત્રણ લાખ ચૂકવ્યા. છેલ્લો instalment કેશ ભરે છે. અને તે પણ સોનું નામના કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં ત્યારે પણ તેની આંખો નથી ખુલતી. એટલે સામેથી ટેક્સ્ટ મેસેજ આવે છે “પેમેન્ટ મળી ગયું છે”.
આટલી મોટી રકમ ભેગી કરવા તેને ઉધારી સહિત પોતાનું સોનું પણ વેચવું પડ્યું હોય છે.
છેલ્લે પોલીસની તો બલા ટલી એમ જાતને આશ્વાસન આપી થોડીક નિરાંતનો શ્વાસ લે છે.
પણ એ બોક્સમાં કેવુ કેવુ શુ હશે એ વિચાર તેને કોરી ખાય છે. ત્યાં જ રિંગ વાગે છે અને ટ્રુ કોલરમાં INCOMETAX એવું પોપઅપ થાય છે.

સામે છેડેથી – “મેડમ તમારું પાર્સલ એરપોર્ટ કસ્ટમમાંથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે, જેની અંદરની વસ્તુની કિંમત આશરે 50 લાખ આસપાસ છે. સત્વરે ઇન્કમટેક્સ 6 લાખ ભરો અને છોડાવો.”

હવે તો એના પગ તળેથી જમીન ખસી ગઈ હોય અને પોતે કોઈ ઊંડી ખીણમાં ગરકાવ થઈ રહી હોય એવી લાગણી તેને થાય છે. તે પરસેવે રેબઝેબ થઈ ગઈ તેના ધબકારા રોકાવાનું નામ નહોતા લેતા. આગળ હવે શું કરવું તેની તેને ખબર નહોતી પડતી.

ફરીથી તેને કેપ્ટનને ફોન કરવા પ્રયત્ન કર્યા પણ રીંગ જ વાગતી હતી. કદાચ મિટિંગ પૂરી નહીં થઈ હોય એમ વિચારે છે.
થોડીવાર પછી સામેથી કેપ્ટનની રિંગ આવે છે ” ડીયર ! સોરી, મિટિંગ હમણાં પતી , શુ થયું ? ગિફ્ટનું થઈ ગયું?”

“અરે..ક્યાં મળી છે હજી, એ ઇન્કમટેક્સમા ગઈ છે 6 લાખ કહે છે ભરવા. શુ કરું?”
જાનું! બસ 6 લાખ! હું તને દુબઇ પહોંચી મોકલું છું, અત્યારે ફ્લાઇટ ટેક ઓફ કરું છું, તું હાલ ભરી દે, એ ગિફ્ટ અમૂલ્ય છે..પ્લીઝ ! ” કહીને ફોન કટ કરી દીધો.

પણ ક્યાંથી ભરું ? હવે તો મારું અંગત એવું કશું જ નથી જેને વેચીને હું પેમેન્ટ કરું. બધી દિશાઓ એને ભીંસમાં લઈ રહી હતી ત્યારે એને નિશા યાદ આવી.
તેને તાત્કાલિક નિશાને ફોન કર્યો, અને આખો ઘટના ક્રમ જણાવ્યો …

“ઓહ શીટ! તને કહ્યું તો હતું કે તું એને બ્લોક કરી દે. તે કેપ્ટન નથી એ ફ્રોડ છે ! તને આટલી ચેતવી છતાં તે કેમ ભૂલ કરી!? ખેર હવે તેના બધા નમ્બર બ્લોક કરી દે, 3.5 લાખ તો ગયા, બીજા પણ જશે, તું આ લુપમાંથી ક્યારેય બહાર નહિ નીકળી શકે. બ્લેકમેઇલ થતી જ રહીશ અને પતિને તો તું નહીં જ કહી શકે..”

તેનું લાગણી શીલ હદય ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. નિશાના કહ્યા પછી તેને ભાન થયું કે પોતે કેવી લાગણીઓમાં તણાઈને મૂર્ખ બની ગઈ હતી.

આટલો મોટો ફ્રોડથી તે ક્યારે ઉભરી રહેશે ! લાગણીઓનો અને રૂપિયાનો આટલો મોટો ખાડો ક્યારે પુરાશે !?? વિચારીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
બધા જ નંબર બ્લોક કર્યા બાદ પણ એ સતત બીક રહેતી કે કોઈ ઘેર તો નહીં આવે ને?

ભારત અને ભારત બહાર, આ ટાઈપના ફ્રોડ સતત ચાલુને ચાલુ જ હોય છે, અને આધેડ વયના અને નીરસ લગ્નજીવન હોય એવી સ્ત્રીઓ કે પુરુષોને ટાર્ગેટ કરાય છે.

આવા ફ્રોડમાં બરેલી ગેંગ ખૂબ સક્રિય છે. તાજા તાજા બનેલા આ કિસ્સાને અહીં એટલે શેર કરું છું કે ફરીથી આવા લોકોનો કોઈ ભોગ બનતું અટકે. અને સાથે કેટલાક મુદ્દા જેના માટે ચર્ચાનો અવકાશ છે.

🔴 લાંબા લગ્નજીવનમાં પોતાના પાર્ટનર પ્રત્યે કેટલી હદે દુર્લક્ષતા સેવાય છે તેનો આ દાખલો છે.

🔴 આવા ફ્રેાડ માટે સૌથી વધારે વલનરેબલ મીડ એજ ક્રાઈસીસ ફેસ કરી રહેલા સ્ત્રી પુરુષો છે.

🔴 ભોગ બન્યા બાદ સમાજ કે કુટુંબીઓ તેને સાથ આપવાનો બદલે દોશી કરાર દઈ દે છે જેના કારણે કેટલાક આત્મહત્યાના શરણે જાય છે.
તો શું કરવું.

🟢 યુ ટ્યુબ ઉપર ઢગલા બંધ વિડિયો છે જેમાં આ લોકોના અલગ અલગ રીતે પૈસા પડાવવના કીમિયા ક્રમ બધ્ધ રીતે જણાવેલા છે. જેથી તમે આવી પરિસ્થિતિ ફેસ કરો તો ફસાઈ ના જાઓ.

🟢 ગમે તેટલો ભય હોય તમારા નજીકના વિશ્વાસુ અને હિંમત વાન મિત્રને આ બાબતે અવશ્ય જાણ કરવી. કેમકે તમે પ્રેમ અને ભયમાં આંખો મીંચી દીધી હોવાથી જે નથીં જોઈ શકતા તે શક્ય છે કે તમારા મિત્ર જોઈ શકે. ભીરુ મિત્ર હોય તે તમને બીવડાવીઓર ફસાવી શકે છે.

🟢 સોશિયલ મીડિયામાં જાણતા હોય તેને જ અંગત મિત્રો બનાવો. જેને જાણતા ના હોય તેની તસવીર માત્ર ઇમ્પ્રેસ ના થઈ જાઓ. તેઓને જો મિત્ર બનાઓ તો ભરોસો ન કેળવાય ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ એવી અંગત માહિતી શેર ના કરો જે આગળ જતાં તમાને નુકશાનકારક સાબિત થાય. સતત સાવધાન રહો. સોશિયલ મીડિયા એક જવાબદારી સાથે વાપરવું જોઈએ. જેટલું સારું છે તેટલા જ તેના ગેર ફાયદાઓ પણ છે.
ફોટોસમાં આઇડી આપી છે એ વ્યક્તિ ઘણી બધી સ્ત્રીઓને શિકાર બનાવી ચુક્યો છે. Beware of him…

✍🏻 Jagu Patel

##################