રણમાં ખીલ્યું ગુલાબ:
હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ..!
આંખ મીચું, ને બસ પાંપણ સુધી તો આવ..!!
ડોક્ટર શરદ ઠાકર
સજન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલા જ દડે ક્લીન બોલ્ડ થઈ જાય એવું જ એની સાથે બન્યું. એણે પ્રથમ કન્યારત્ન જોયું એ જ એની આંખમાં વસી ગયું. સજનની ફોઈએ તો એને કહ્યું પણ ખરું..
‘ભ’ઈ, આવું તે કંઈ હોતું હશે..? આપણું ઘર ઊંચું છે. બિઝનેસ મોટો છે. તારા પપ્પાની આબરૂ સારી છે. તારામાં પણ કોઈ કહેવા જેવું નથી. હું તો માનું છું કે તારે ૧૦૧ છોકરીઓ જોઈ લેવી જોઈએ, પછી જ નિર્ણય લેવાય..’
વિધવા ફોઈ સજનના પરિવારમાં જ રહેતા હતા. પપ્પા-મમ્મી, ફોઈ, અને સજન.. આટલો જ પરિવાર હતો. ફોઈની વાત સાવ સાચી હતી. સજનના પપ્પા મુકુંદભાઈએ જાત મહેનતથી બિઝનેસ જમાવ્યો હતો. એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને વીસ વર્ષમાં મુકુન્દરાય વાર્ષિક
૧,૨૦૦ કરોડ રૂપિયાના ટર્ન ઓવર સુધી પહોંચી ગયા હતા. સજન એની જ્ઞાતિનો ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ હતો. એનો દેખાવ, એની સ્માર્ટનેસ, એની ડિગ્રી, એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ.. આ બધુ સર્વશ્રેષ્ઠ હતું. એ જ્ઞાતિની કે સમાજની કોઇપણ રૂપસુંદરી તરફ પાંપણનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે. આવા યુવાને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે ‘હા’ પાડી દીધી. સ્વયં ગતિને પણ સજનના આવા ત્વરીત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું. એણે તો હસીને પૂછી પણ લીધું હતું..
‘ખરા છો તમે..! હજુ તો આપણે માંડ બે-પાંચ વાક્યોની જ આપ-લે કરી છે. નથી તમે મને એક પણ સવાલ પૂછ્યો. મારી આવડત, મારા શોખ, મારું ભણતર, મને રાંધતા આવડે છે કે નહીં, મારો સ્વભાવ.. આ બધું તો તમે પૂછ્યું જ નહીં. બસ, આપણે હસ્યા-મળ્યા, ચાર પાંચ વાકયોની આપ-લે કરી, એટલામા તમે મને પસંદ કરી લીધી..?
‘હા, તમને પસંદ કરવા માટે આટલું જ જરૂરી હતું..’
‘તો પછી બીજા યુવાનો અને યુવતીઓ મેરેજ નક્કી કરતા પહેલા ડેટિંગ કરે છે, એકબીજાને સમજવા માટે ૧૦૦ થી ૨૦૦ સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે.. એ બધું તમને વ્યર્થ લાગે છે..?’
સજન હસી પડ્યો…
‘વ્યર્થ નહીં વાહિયાત લાગે છે..’
‘વાહિયાત..?!?’
‘હા, વાહિયાત.. લગ્ન પહેલાની મુલાકાતો, ઇન્ટરવ્યુ, એકમેકને જાણવાનો પ્રયાસ.. આ બધું જ વાહિયાત હોય છે. એ સામેના પાત્રને છેતરવાનો અભિનય માત્ર હોય છે. આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાના શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાનો જ પ્રયાસ કરતા હોય છે. ક્યારેય કોઈ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી આટલી ખામીઓ રહેલી છે. સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, મેકઅપ, સારી-સારી વાતો, મિલનસાર સ્વભાવ વગેરે.. એક વાર લગ્ન થઈ જાય એ પછી ઘરમાં ભંડારાયેલા અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે અને પછી લગ્નજીવનમાં ગરબડો થવા માંડે છે..’
‘તો પછી તમે મારામાં શું જોયું..?’
‘તારો દેખાવ, તારું રૂપ, તારી સ્માર્ટનેસ, અને તારું સ્મિત.. સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એક માત્ર એવી ‘વસ્તુ’ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઈ શકાય છે. હા, થોડો ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમક-દમક ઉમેરી શકો છો, પણ નાક-નકશો મહદંશે બદલાતો નથી. માટે મેં તો તારું રૂપ જોયું છે. માંહ્યલા ગુણો તો મહાદેવ જાણે..!’
પોતાના રૂપની પ્રશંસા કઈ સ્ત્રીને સાંભળવી ન ગમે..? ગતિ પણ ખુશ થઈ ગઈ. એણે તો સજન સાથેની મુલાકાત પહેલા જ જાણી લીધું હતું કે એ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો દંપતીનો મેનેજિંગ ડિરેક્ટર છે. એની સાથેના ચારફેરા એટલે જિંદગીનું આમુલ પરિવર્તન..! સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી ઉચકાઇને રાતોરાત સમૃદ્ધિથી ઉભરતા પતિના ઘરમાં પહોંચી જવાની ચમત્કારિક ઘટના. જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજને જ લેવાનો હતો. ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી.. ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ..! બંનેના લગ્ન ઊજવાઈ ગયા. સજનના પપ્પા મુકુંદભાઈ લગ્નના ચાર દિવસ પહેલા છાના-છપના ગતિના ઘરે જઈને ભાવિ વેવાઈના હાથમાં ૫૧ લાખ રૂપિયા મૂકી દીધા..
‘વેવાઈ, મન મૂકીને ખર્ચ કરજો. અમારું ખરાબ દેખાવું ન જોઈએ..’
રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઈ ગયો. સજનનો શયનખંડ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો, હવે એ સૌંદર્યથી પણ ઝગમગી ઉઠ્યો. એક મહિનાનું હનીમૂન સ્વિટ્ઝર્લેન્ડમાં માણીને સજન-ગતિ ઘરે પાછા ફર્યા. જિંદગી ધીમે-ધીમે રોજિંદા ઢાંચામાં ગોઠવાતી ગઈ. સજને પોતાનો બીઝનેસ સંભાળી લીધો. એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજનની આગળ વાત મૂકી..
‘સજન, આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જાઉં છું. મારા માટે કોઈ કામ છે જ નહીં. ઘરકામ માટે 10થી 12 ફુલટાઈમ માણસો રાખેલા છે. આમને આમ તો હું છ મહિનામાં જાડી-પાડી થઈ જઈશ. મારું ફિગર બગડી જશે..!’
‘ના, હો..! એવું ન બને. એવું તો મને જરા પણ નહીં ગમે. બોલ, તારે શું કરવું છે..? જીમ જોઇન કરવું છે..?’
‘હા, એ તો હું કરીશ જ, પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો થાય છે. તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થઈ જશે..’
‘ઈટઝ એ ગુડ આઈડિયા.. સારા કામમાં મોડું શા માટે..? હું આવતીકાલે જ મેનેજરને કહીને તારે માટે અલગ ઓફિસ તૈયાર કરવાની વ્યવસ્થા કરાવું છું. પહેલી તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે..’
સજને પત્નીની ઇચ્છાને વધાવી લીધી. એ પછીના મહિનાની પહેલી તારીખથી ગતિએ બિઝનેસમાં પતિની જવાબદારી સંભાળી લેવાનું શરૂ કર્યું. અઢીસો કર્મચારીઓનો સમૂહ ઉત્સાહમાં આવી ગયો. સિનેમાની હિરોઇન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઈ. એના દેખાવ ઉપરાંત બધાની સાથેનું એનું વર્તન પણ ખૂબ સારું હતું. સજન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો. એક દિવસ એણે જ સામે ચાલીને કહ્યું..
‘હું જાણું છું કે તારું કામ દિન-પ્રતિદિન વધતું જાય છે..’
‘હા, મને પણ લાગે છે કે હું એકલી આટલા બધા કામને પહોંચી શકતી નથી..’
‘આઈ સજેસ્ટ યુ વન થીંગ..?’
‘શું.. ?’
‘તું એક પર્સનલ આસિસ્ટન્ટ રાખીલે. શી વિલ લુક આફ્ટર ઓલ યોર વર્ક. ભલે એને સેલેરી આપવી પડે, પણ તારા કામનો બોજ અડધો થઈ જશે..’
‘ગતિએ એક અઠવાડિયામાં પતિની સૂચનાને અમલમાં મૂકી દીધું. જો કે આ કામ માટે આવેલી 10 છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં. નાછૂટકે એક યુવાન પર એણે મહોર મારવી પડી. મોનાર્ક તરવરિયો યુવાન હતો. ભલે એ આર્ટસ ગ્રેજ્યુએટ હતો, પણ એનામાં ધંધાકીય સૂઝ-સમજ સારી એવી હતી. એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું, બેંકનું કામકાજ, ખરીદીનું કામ, પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિના અંગત પરચૂરણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી.
‘મોનાર્ક, અમારી માટે કોલકાતાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લાવીશ..? મોનાર્ક, આજે અમારે માટે હોટલ મેરેડિયન inમાં ૨ ટેબલ રિઝર્વ કરાવી આપીશ..? આજે મારા ભાઈનો બર્થડે છે. હું ગિફ્ટ લેવા જઈ શકું તેમ નથી, તો પ્લીઝ…?’
ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત ઉપર આધાર રાખતી થઈ ગઈ. ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું. ગિફ્ટની પસંદગી કાંઈ મોનાર્ક એકલો થોડો કરી શકે..? ધીમે-ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો. સજનના કાન ઉપર પણ વાત આવી..
‘મેડમ અને મોનાર્ક દરરોજ પાંચથી છ કલાક ક્યાંક ગાયબ થઈ જાય છે. સાહેબ, જરાક નજર રાખો..’
સજને નજર રાખી તો ચોંકી જવાય તેવું સત્ય બહાર આવ્યું. ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુંવાળું સાનિધ્ય માણવા ઉપડી જતા હતા. ગતિના મોબાઇલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજ વાંચીને સજનને ખાતરી થઇ ગઈ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક તો ગતિનો ‘જાનુ..’ ‘બાબુ..’ અને ‘મોનુ..’ બની ગયો હતો. ખરા આઘાતની વાત તો હવે આવે છે. એક રાતે સજને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી. ગતિએ કહી દીધું..
‘મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતા, છીએ અને રહીશું. એ કોલેજમાં પણ મારી સાથે જ હતો..’
સજને ભયંકર ઝઘડો કર્યો. પરિણામ શું આવ્યું..? ગતિ એના ઘરમાંથી નીકળી ગઈ. ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી. પ્રતિષ્ઠા જવાના ડરથી સજને સમાધાન કરી લીધું. 50 કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી. આજે ગતિ અને મોનાર્ક પતિ-પત્ની છે. નાનાપાયે ધંધાની શરૂઆત કરી રહ્યા છે. સજન હજુ બેવફાઈના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
Copy paste
Like this:
Like Loading...