૭ વરસ બસમાં અપડાઉન જ કર્યું છે. આજે જે સત્ય ઘટના જાણવા મળી જે કવિ અને શાયર એવા Vicky Trivedi ભાઈએ મૂકી છે .જે નીચે મૂકું છું. તેમના જ શબ્દોમાં મારી સાથે એકવાર વાસણાની બદલે પાલડી થી ચડતા કંડકટરે બબાલ કરી હતી. મને કે છોકરીઓ ફેરવવા જ આવો છો અને રખડવા ત્યારે મારા નસીબ સારા કે અમુક મિત્રો સાથે અને વડીલો પણ રોજના જ હતા. તેમણે કંડકટરને વિકીભાઈએ આમાં કાકાએ કીધું તેમ જ લઈ લીધા હતા. ઓવર ટુ યુ વિકી ભાઈ
નજરોનજર દેખેલી એક ઘટના…..
ઇન્કમટેક્સથી હું ને ભાઈ પાલનપુરની બસની રાહ જોતા હતા. બધી બસ કડી સુધીની આવતી હતી – ઇવન મહેસાણાની બસ પણ દોઢ કલાક ન આવી. દોઢ કલાક પછી એક પાલનપુરની બસ આવી. અમે બધા બેઠા. જગ્યા નહોતી એટલે ઊભા રહ્યા. અમારી સાથે એક કોલેજીયન છોકરો પણ બસમાં ચડ્યો હતો. એની પાસે બેગ હતી. ફોર્મલ કપડાં હતા.
એ છોકરા પાસે પાસ હતો પણ કન્ડક્ટરે કહ્યું કે સાંજે 6 વાગ્યા પછી પાસ ન ચાલે. છોકરે કહ્યું કે 6:30 વાગે તો હું કોલેજથી જ છૂટ્યો છું 6 વાગે કેવી રીતે બસમાં બેસું? કન્ડક્ટરે દલીલ કરી કે એ મારો વિષય નથી. અત્યારે રાતના 9:30 થયા છે (સમય મને ફિક્સ યાદ નથી). કોલેજથી છૂટીને ફિલ્મ જોવા ગયો હશે. આ બધું ન ચાલે. છોકરો પણ લડી લેવાના મૂડમાં હતો. એણે કહ્યું કે 6:30થી અહીં ઊભો છું. મહેસાણાની એક પણ બસ નથી આવી. તો હું શું કરું? મેં પાસના પૈસા આપ્યા છે તો ટીકીટ શું કામ લઉં?
કન્ડકટર એમની રીતે સાચા હશે અને છોકરો પણ એની રીતે સાચો હશે. (છોકરો ખરેખર ત્યાં ઊભો હશે, ખરેખર કોલેજ ગયો હશે, ખરેખર એકેય બસ નહીં આવી હોય એ તો મને ખબર નથી. પણ મારે જે કહેવું છે એ વાત બીજા મુસાફરો બાબતે છે. અલબત્ત હું દોઢ કલાક તો ત્યાં ઊભો રહ્યો હતો કોઈ બસ ન્હોતી આવી એટલે લગભગ તો છોકરો સાચો જ હશે. એણે એમ પણ કહ્યું કે ઇન્કવાયરી કરો જો એકેય બસ અહીંથી નીકળી હોય તો હું ટીકીટ લેવા તૈયાર છું.)
હવે આ માથાકૂટમાં બીજા મુસાફરોએ રસ લીધો એ સમજવા જેવું છે. અમુક બોલ્યા, “સાલાને ઉતારીને મારો…..” અમુક બોલ્યા, “પોલીસને હવાલે કરી દો સાલાને…..” એક વળી જીમની બોડી બનાવેલો યુવાન તો બોલ્યો, “તારા લીધે બધા હેરાન થાય ઉતરી જા નહિતર મારીશ…..”
ટૂંકમાં બધાને ખબર હતી કે છોકરો નાનો છે – એકલો છે અને અમે બધા એક છીએ. છેવટે બસ કોઈ સ્ટેન્ડ ઉપર લઈ જવાઈ. બસમાંથી કન્ડકટર પેલો છોકરો અને થોડાક મહાન માણસો નીચે ઉતર્યા. બધા છોકરા ઉપર ચડી બેઠા. હજુ તો હું વિચારતો હતો કે એની ટીકીટના પૈસા હું આપીને આ માથાકૂટ બંધ કરાવી દઉં ત્યાં જ બસમાંથી એક કાકા નીચે ઉતર્યા. એમણે છોકરાના પક્ષે લડાઈ શરૂ કરી. બધી જ લોજીક દલીલો કરી. કન્ડકટરને કાકાએ કહ્યું કે છોકરો ફિલ્મ જોવા ગયો હશે એવી કલ્પના કરવાનું કામ તમારું નથી. બહુ માથાકૂટ પછી કાકા સામે કન્ડકટર અને બીજા મુસાફરોએ હથિયાર મૂકી દીધા. આખરે વાત પૂરી થઈ.
છોકરો 99% તો બિલકુલ સાચો જ હતો પણ કદાચ ન હોય તો પણ બીજા મુસાફરોએ આમ કરવાની શું જરૂર? બસ સરકારની છે તો સરકારી કાર્યવાહી થવી જોઈએ ને? બહુ બહુ તો કન્ડકટર એના ઉપર લીગલ એક્શન લઈ શકે…… પણ આ નીચે ઉતારીને મારવાની વાત? આ કેટલી હલકાઈ છે? આ 21મી સદીમાં આપણે કેટલા પછાત છીએ એની નિશાની નથી? મારવા માટે બધા તલપાપડ હતા તો એ મર્દ માણસો માત્ર 24 / 25 રૂપિયાની ટીકીટ એ છોકરા માટે ન લઈ શકે? પાંચ જણ પાંચ પાંચ રૂપિયા આપે તો પણ 25 રૂપિયાની ટીકીટ આવી જાય. પાંચ રૂપિયામાં કોઈ ભિખારી થઈ જાય? ના પણ આવો એકલો છોકરો ક્યાં મળે? કોઈને મારવાનો ડરાવવાનો આવો સરસ મોકો ક્યાં મળે? શહેરમાં જીવતા જીવતા આપણી જંગલી આદતોને પોષવાનો મોકો ક્યાં મળે?
ખેર! આ ભયંકર ટોળામાં એ નોખા કાકાને સલામ.
પણ યાદ રાખજો, તમારો છોકરો પણ ક્યારેક આમ ફસાઈ જશે, ક્યારેક તો આપણા પરિવારના કોઈ સભ્યનો પણ આવો જ અનુભવ થશે…… તમે ત્યાં હાજર નહીં હોવ અને સરસ કપડા પહેરેલા જંગલી ઢોર તમારા ભાઈ, છોકરા કે મિત્રને પણ નીચે ઉતારીને મારવા માટે તલપાપડ હશે.
આખેઆખી બસ એક નાના છોકરાને મારવા સિવાય કોઈ વાતે વિચારવા નહોતી માંગતી. અમુક તો માથામાં સફેફ વાળવાળા ઘટિયા વડીલો પણ જોરથી કહેતા હતા બે લાફા મારીને ઊતારો સાલાને…..
એ છોકરાને મારવાનું કહેતા હતા પણ ખરેખર તો માણસાઈના ગાલ ઉપર લાફા પડતા હતા…… આવનારા સ્વસ્થ ભવિષ્યના ગળા ઉપર જંગલી હાથ ભીંસાતા હતા…… એ છોકરાનો કોલર પકડીને જેણે નીચે ઉતાર્યો એ કોલર નહોતો એ છોકરાના અંદરની માણસાઈનું ગળું હતું જે દબાઈ ગયું. એને આખી જિંદગી આ ઘટના યાદ રહેશે જે એને આજીવન કોઈ સારું કામ કરતી વખતે રોકશે…..
બસ એમ જ 💐
નોંધઃ આવા કંડકટર ને ખબર નથી ઘણા છોકરા – છોકરીઓ પાર્ટ ટાઇમ જોબ કરીને માંડ ભણતા હોય છે. આવા આપણા સમાજના બીજા ઠેકેદારોને મજા લેતા જ આવે છે.
વિક્કી મહેતા