વાતનાં યુ-ટર્ન દ્વારા કૃત્રિમ સરસાઈ ભોગવતાં લોકો
એકવાર કરિયાણાની દુકાને હું કેટલીક વસ્તુઓ ખરીદવા ગયેલો. ત્યાં એક બહેન ખાંડ લેવા આવેલાં. એ બહેન મારી સાથે વાતોએ વળગ્યાં. તેણે વસવસો વ્યક્ત કરતાં મને કહ્યું કે, “ભાઈ! અમારા છોકરાવ મહિને દશ કિલો ખાંડ (ચા વગેરેમાં) પી જાય છે!”
મને એનાં પ્રત્યે સહાનુભૂતિ થઈ. મેં જવાબ આપ્યો, “એટલી બધી ખાંડ ન પીવાયને!”
મારો જવાબ સાંભળી એ બહેને તુરત જ યુ-ટર્ન લીધો અને તેઓ બોલ્યાં, “એને કામવું છે અને એને ખાવું છે ને!” આ બહેન છોકરાવની ફરિયાદનાં બહાને પોરહ(પોરસ) કરતા હતાં.
આવી જ રીતે જેનાં ચારેય દીકરાઓ પરણી ગયેલાં અને એ ચારેય પોતાના જ ભેગાં રહેતાં હતાં એવા એ ચારેય દીકરાઓની માતાએ મને તેનાં ઘરની વાત કરતાં કહ્યું કે, “મારી મોટી વહુને પરમ દિવસે સાંજે મેં કહ્યું કે, ‘અત્યારે હું રસોઈ બનાવવા રસોડામાં જાઉં છું. રોટલી, રીંગણાંનું શાક, ખીચડી અને ટીંડોરાનો સંભારો.”
એ સાંભળીને મારી વહુ બોલી, “હા, બનાવો મમ્મી! પણ ટીંડોરાનો સંભારો તો આજે બપોરે જ ખાધો છે. અત્યારે કોબીનો સંભારો કરજો.” મેં કહ્યું, “હા, બેટા! ભલે, કોબીનો સંભારો કરીશ.” પછી બે કલાકમાં જ મેં ફટાફટ એક ચૂલે ખીચડી અને બીજા ચૂલે રોટલી, શાક, સંભારો, એમ રોટલી, રીંગણાંનું શાક, ખીચડી અને કોબીનો સંભારો બનાવી નાખ્યાં.”
હું એ બહેનની વાત અને એ વાતનો અંત કેવો હશે એ જાણવા ‘હં… હં…’ એમ જવાબ દેતો રસપૂર્વક સાંભળી રહ્યો હતો.
પછી એ બહેને આગળ ચલાવ્યું, “રસોઈ બની ગયાં પછી મારી મોટી વહુએ મારા મોટા દીકરાને ફોન કર્યો કે, ‘તમે દુકાનેથી હમણાં ઘરે આવવાના છો ને તો ઘરે ત્રણ કિલો સમોસા ગરમાગરમ લેતાં આવજો.’ આ સાંભળીને મેં કહ્યું, ‘સમોસા? સમોસા કોનાં માટે? બાજુવાળા બહેને કે કોઈએ મંગાવ્યાં છે કે તારી બહેનપણીઓ અત્યારે બેસવા આવવાની છે?’
મારી વહુએ કહ્યું, ‘ના, મમ્મી! કોઈએ મગાવ્યાં નથી કે કોઈ બેસવા આવવાનું નથી. મને ખાવાનું મન થયું છે. પણ હું એકલી થોડીક ખાઉં? ઘરમાં બધાય ખાશે. એટલે ત્રણ કિલો જ મંગાવી લીધાં.’
મેં ઘરનાં તમામ સોળ જણાંની રસોઈ બનાવી નાખી હતી. તેથી મેં કહ્યું, ‘આ રસોઈ બનાવી નાખી છે એનું શું? તેં સમોસા ખાવાનું રસોઈ બન્યાં પહેલાં કહ્યું હોત, તો આટલી સોળ જણાંની રસોઈ બગડેત નહીં.’
તો મારી વહુએ કહ્યું કે, ‘એમાં શું મમ્મી? રસોઈ ગાયને નાખી દઈશું.’ મેં કહ્યું, ‘ગાયને નાખી દેવાય? આપણે સવારે ખાઈ જઈશું. ફ્રીઝમાં રસોઈ બગડે નહીં.’ મારી વહુ કહે, ‘અમે કોઈ ટાઢું નહીં ખાઈએ.'”
હું એ બહેનની વાત ‘હં… હં…’ એમ જવાબ દેતો રસપૂર્વક સાંભળી રહ્યો હતો.
એ બહેને આગળ કહ્યું, “પછી મારો મોટો દીકરો દુકાનેથી આવ્યો અને રસ્તામાં સમોસાવાળાને ત્યાંથી ત્રણ કિલો ગરમ સમોસા લઈ આવ્યો અને સૌએ ખાધાં. જેઓ હાજર ન્હોતાં અને પાછળથી જમ્યાં એનાં માટે ઘરે તેલ મૂકીને ગરમ કર્યાં. પછી વધેલી રસોઈ રોટલી, રીંગણાંનું શાક, ખીચડી અને કોબીનો સંભારો- એ સોળ જણાંની બધીયેય રસોઈ બીજા દિવસે સવારે ગાયને નાખી દીધી. અમારા ઘરમાં કોઈ ટાઢું ખાય નહીં. શું કરવું ભાઈ?!”
એ બહેને વહુનાં કારણે પોતાના ઘરમાં થયેલાં આવા નોંધપાત્ર બગાડ વિશે મારી પાસે તેનું હૈયું ઠાલવ્યું અને છેલ્લે બોલ્યાં, “શું કરવું ભાઈ!?”
મેં કહ્યું, “તમારા દીકરાઓ આવો બગાડ થાય ત્યારે તમારી વહુને કાંઈ ક્યે નહીં?” એ બહેને મને વળતો પ્રશ્ન કર્યો, “શું ક્યે??” મેં કહ્યું, “તમારી વહુને સમોસા ખાવા હતાં તો રસોઈ બનાવ્યા અગાઉ કહેવાયને, એટલે રસોઈ બગડે નહીં. સોળ જણાંની રસોઈ બગડી એ બરાબર ન કહેવાય. સોળ જણાં હોટલમાં જમવા જાય તો કેટલો ખર્ચો થાય. તમારે વહુને કહેવું જોઈતું આજે રસોઈ બની ગઈ છે એટલે સમોસા હવે કાલે મંગાવીશું. આમ કરીએ તો તો ઘર જાય અને ઓસરી રહે.”
એ બહેનની ચારેય વહુઓ કટલેરી, ડ્રેસ, સાડી અને બ્યુટીપાર્લર પર આંધળો ખર્ચ કરતી હોવાં છતાં ચીપી ચીપીને અને લાંબા લહેકાં કરીને બોલતી હોવાથી તેનાં સાસુ એવા આ બહેન તેનાથી અંજાઈને પ્રભાવિત થઈ ગયાં હતાં તેથી મારો જવાબ સાંભળી તેણે પેલા ખાંડવાળા બહેનની જેમ તુરત જ યુ-ટર્ન લીધો: “એને કામવું છે અને એને ખાવું છે ને!” શું કહેવું એ બહેનને? એનાં ઘરે બગાડમાં મારી કોઈ ભૂમિકા હતી ખરી? એ બહેન બીજાને શું સમજતાં હશે? આવા લોકો પોતે બીજા કરતાં ખૂબ સુખી છે એ વાતનો ઢોલ પીટતાં રહેતાં હોય છે.
સ્ત્રીઓનાં યુ-ટર્ન લેવાનાં પ્રસંગો કહ્યાં એવી જ રીતે યુ-ટર્ન લેવા વાળા પુરુષોનાં પ્રસંગોમાંથી એક પ્રસંગ કહું:
હું તલાટી-કમ-મંત્રી હોવાથી અમારે ગામે જમીન મહેસુલની વસુલાત કરવાની હોય છે. રકમ ઝાઝી હોય તો બીજા જ દિવસે અને થોડી રકમ હોય તો મહિનાનાં અંત સુધીમાં આ સરકારી રકમ ફરજીયાત બેંકમાં જમા કરાવી દેવી પડે.
આ રીતે એકવાર મેં ગામે જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકરની કરેલ વસુલાતની રકમનાં ચલન મહિનાની આખર તારીખે બેયનાં ચાર ચાર નકલમાં ચલન તૈયાર કરી, તાલુકા પંચાયતે નોંધી તેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબની સહી કરાવી એસ.બી.આઈ. ખાતે ભરવા ગયો. આખર તારીખ હોવાથી તાલુકાનાં ઘણાં ગામોનાં તલાટી-કમ-મંત્રીઓ ત્યાં ચલન ભરવા આવેલાં. લાઈન મોટી હતી તેથી એકાદ કલાકે વારો આવ્યો ત્યારે મેં ચલન ભરી દીધાં. બારીએથી ચલન કાઉન્ટર પર જાય. એ કાઉન્ટરનાં કર્મચારી ત્યાંથી આપણને ચલનની ઓરીજનલ અને ત્રિપ્લીકેટ નકલ આપે. એ કાઉન્ટર પર હું ચલનની નકલો લેવા ગયો. એ કાઉન્ટરનાં કર્મચારીએ મને પૂછ્યું, “આજે આટલા બધાં તલાટી-કમ-મંત્રીઓ અહીં કેમ છે?”
મેં કહ્યું, “આજે આખર તારીખ છે ને!” તેણે કહ્યું, “એટલે?” મેં કહ્યું, “આખા મહિનામાં કરેલી મહેસુલની વસુલાત આખર તારીખ સુધીમાં બેંકમાં જમા કરાવી દેવી જ પડે.”
“આ રકમ આપણે આજે જમા ન કરાવીએ અને કાલે અથવા ચાર પાંચ દિવસ પછી બેંકમાં જમા કરાવીએ તો શું થાય?” તેણે મને પ્રશ્ન પૂછ્યો.
મેં કહ્યું, “તો નિયમ મુજબ એ કામચલાઉ ઉચાપત કહેવાય. તેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ નોટિસ આપે, ખુલાસો પૂછે અને પગલાં પણ લઈ શકે.”
પેલા બહેનોની જેમ તુરત જ આ કર્મચારીએ પણ યુ-ટર્ન લીધો અને સ્હેજ ઊંચા અવાજે બોલીને મને કહ્યું, “નોકરો તો હુંય કરું છું. હું તો આ બધાય નિયમ જાણતો જ હોઉંને! સરકારી વસુલાતની રકમ આખર તારીખ સુધીમાં બેંકમાં જમા કરાવી દેવી જ પડે, નહીંતર નોકરી પણ જાય. હું ય ‘નોકરો’ કરું છું.”
આવા લોકો બીજાને કેમ ઉતારી પાડવા એમાં માહિર હોય છે અને જિંદગીનો ૯૦% સમય એમાં જ વેડફી નાખે છે. તેઓ નિયમો જાણતાં હતાં તો પછી મને પૂછવાની શું જરૂર હતી?
આ કર્મચારીનાં શબ્દો સાંભળીને અમુક તલાટી-કમ-મંત્રીઓ પૂરી વાત સમજ્યા વિના હું ગુનેગાર હોઉં એમ હસતાં હસતાં મારી સામે જોવા લાગ્યાં. એ બેંકના એ ભાઈએ મને પ્રશ્નો પૂછ્યાં હતાં અને મેં તેનાં જવાબો આપ્યાં હતાં એમાં મેં શું ખોટું કર્યું હતું? પેલા કર્મચારીએ પોતે કંઈ જાણતો ન હોય એમ મને પૂછ્યું હતું. તેણે ‘નોકરો’ તો હુંય કરું છું એમ કહી પોતાનો ‘હું’ પણાનો અહમ પોસ્યો હતો. સામેની વ્યક્તિને વાતોએ ચઢાવી તેનાં પર કૃત્રિમ સરસાઈ સ્થાપનારા લોકો પણ સમાજમાં મળી આવે છે.
-ગુણવંતરાય જોબનપુત્રા.