Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*પપ્પાનું ખિસ્સું*

સાંજે ઘરમાં પગ મુકતાં જ નયનની નજર રૂમની સામેની દિવાલે ટીંગાયેલા ઝભ્ભા પર પડી. પોતે છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં હતો… છેવટે પત્નીના કહેવાથી બાપુજીના કાને વાત નાખી જ દીધી હતી.

બાપુજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું ‘તું કાલે સાંજે ઝભ્ભાના ખિસ્સામાં જોઇ લેજે…!!’

નયન તેના પપ્પાને બાપુજી કહેતો. વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી. તે સમયથી જ બાપુજી શબ્દ નયનની જીભમાં અને મનમાં ગોઠવાઇ ગયો હતો.

ઘણાં વર્ષો પછી બાપુજીના ઝભ્ભાનું એ લદાયેલું ખિસ્સું જોઇ ખુશી થઇ….! તેમાં દેખાતી નોટોની ગડીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો.

જો કે નયને આજે તે આખા ઝભ્ભાને ઝીણવટથી જોયો. કેટલી જુની પુરાણી સ્ટાઇલ…!! ગામડે રહેતા ત્યારે તો તે ઠેકઠેકાણેથી ફાટેલો રહેતો… ઘસાઇને સાવ તરડાઇ ગયેલા કોલર રહેતા…! કેટકેટલીયે જગ્યાએ ચા કે માટીના ક્યારેય ન નીકળી શકે તેવા ડાઘા…! બાંય તો એવી કે જાણે એક દોરો તોડો તો બીજા કેટલાય દોરા ડોકાચીયાં મારી બહાર આવતા… અને મારી બા આ ડોકાચીયાં કાઢતા દોરાને ગળેથી બાંધી બેસાડી દેવામાં પાવરધા હતા…

નાનપણથી જ મને આ ઝભ્ભાનું ખિસ્સું વ્હાલું હતુ… તેઓ ખેતરેથી આવતાં તો તે ખિસ્સામાં કંઇકને કંઇક ભરીને લાવતા.
બાપુજીના ખિસ્સામાં વીણેલા બોર કે પેલા ખાટાં ખાટાં કાતરા, ખેતરનો પોંખ, ઝીતેલા કે ગુંદા જેવી કેટકેટલીયે વસ્તુઓ આવતી અને ઘરમાં ઢગલો કરી કહેતા, ‘નયન ખઇ લે….!’ ને હું ઝાપટી જતો…. હું નહોતો પુછતો કે બાપુજી તમારે ખાવું છે…? મને એમ જ હતું કે તેમને તો ખેતરમાં જ ખાઇ લીધું હશેને…પછી જ મારા માટે લાવ્યા હશે…!

નયનની નજર ઝભ્ભાના વજનથી લબડી રહેલા ખિસ્સા તરફ સ્થિર થઇ.. નાનો હતો ત્યારે આ રીતે વસ્તુથી લદાયેલું ખિસ્સું જોતો તો તેમની પાછળ પાછળ દોડતો… તે ખિસ્સા સુધી પહોંચવાનું મન થઇ જતું.. બાપુજી તેમાંથી ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ કાઢતા તો લાગતું કે આ ખિસ્સું અલ્લાઉદ્દીન કા ચિરાગ જેવું જ છે… કેમ કે તેમાંથી મારી મનપસંદ વસ્તુઓ જ નીકળતી… મારે જે ખાવું હોય તેની જીદ કરું કે ક્યારેક ખૂણામાં બેસીને ખોટું ખોટું રડી લઉં તો સાંજે તે જાદુઇ ચિરાગમાંથી મારી મનગમતી વસ્તુ મળી જ જતી અને હું એકલો બેસીને ખાઇ જતો… ક્યારેય બા-બાપુજી તમને આ વસ્તુ ભાવે છે તે પુછવાની આદત જ નહોતી..

નાનો અને અણસમજું હતો ત્યારે તે ઝભ્ભાના ખિસ્સા સુધી કુદકો મારીને મને પહોંચવાનું મન થતું.. ઘણીવાર રાતે સપનું પણ આવતું કે હું તે ઝભ્ભાના ખિસ્સામાં પહોંચી ગયો અને મને મનભાવતી જલેબી.. પેલા બુધ્ધીના બાલ બધુ અંદર જ દેખાતું…!

મારી નાની નાની આંગળીઓ ત્યાં સુધી પહોંચાતી થયેલી ત્યારે કેટલીયે વાર લટકી પડતો…. અરે એકવાર તો તે ખિસ્સુ ફાડી પણ નાખેલું….!! ત્યારે મારી સમજણ પણ કેટલી..? મને તો એમ જ કે એ ખિસ્સુ એટલે હું માંગુ તે લાવી આપે તેવી જગ્યા…

સહેજ મોટો થયો એટલે મારા બાપુજીના ખિસ્સાનું માપ તો એ જ હતું પણ મારી માંગ વધવા લાગેલી.. હવે તેમના હાથે વીણેલા બોર કે કાતરા મને લલચાવતા નહોતા… મને તેમાંથી ખનખનતા પૈસાનો અવાજ ગમતો… એ પાવલી,આઠ આના કે રુપિયો સેરવીને વાપરી નાખતો. એક્વાર તો મેં તેમના ખિસ્સામાંથી દસ રુપિયાની નોટ કાઢી લીધેલી અને મેળામાં ફરી આવ્યો હતો.

બાપુજીના ખિસ્સાની અને મારી સફર એકધારી ચાલતી જ રહી… હું દુ:ખી થવું તો તેમાંથી ખુશીઓ મળતી અને હું જીદ કરું તો પણ તેમાંથી મનગમતી વસ્તુ મળતી…!

મારા દિકરા કાર્તિકને આવી ખીસ્સાની મજા માણવા જ ક્યાં મળી હતી ? સ્કિન ટાઇટ પેન્ટ અને વોલેટ આવવાથી તેની જરુરિયાત સામે તે મારી મરજીને તાકી રહેતો.. મારી મરજી મુજબ હું આપુ તેમાં તેની ખુશીઓ ન પણ સચવાય…! પણ બાપુજીના આ ઝભ્ભાના ખિસ્સાએ મને ક્યારેય નિરાશ નહોતો કર્યો.

કાર્તિક કોલેજમાં આવ્યો ત્યારે મારુ પાકીટ બહાર મુકુ તો તે ઘણીવાર કહ્યા વગર નોટો સરકાવી લેતો તે પણ હકીકત હતી. હું કારણ પુછું તો પાછળથી કહેતો કે આજે ફ્રેન્ડ સાથે પાર્ટી હતી… પેલું પિક્ચર જોવા ગયો હતો કે કોઇ સ્ટાઇલીસ્ટ કપડાં લેવા હતા વગેરે વગેરે…

‘પણ મારે તે પૈસાની જરુર હતી…!’ હું ક્યારેક તેને લડતો તો તે સૂનમૂન બનીને ચાલ્યો જતો. કોઇવાર ગુસ્સે થઇને લડું તો બાપુજી તેનો પક્ષ લઇને કહેતા કે તું નાનો હતો ત્યારે મારી પાસેથી પૈસા લઇ લેતો ત્યારે તું ક્યાં પુછતો હતો કે તમારે પૈસાની જરુર છે?

નયનને સમજાઇ ગયુ હતુ કે તે જમાનામાં ભલે રુપિયો નાનો હતો પણ જરુરિયાત તો સરખી જ હતી અને પિતાજી તરીકે પોતાનું ખિસ્સું ભરેલું રાખવું ખૂબ જરુરી છે.

અને આખરે નયને બાપુજીના એ ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખી અંદર રહેલી પાંચસો પાંચસોની નોટોના બંડલ બહાર કાઢ્યાં.

અને ત્યાં જ તેની પત્ની આવી અને નયનના હાથમાં રુપિયાના બંડલ જોઇને બોલી, ‘હું નહોતી કહેતી કે એકવાર બાપુજીને કહો તો ખરા કે આપણે પોતાનું ઘર લેવું છે થોડો ટેકો કરો… અને મારુ સાચું પડ્યુંને બાપુજી પાસે પૈસા છે જ..!’

નયનને ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાંથી ખુશીઓ મળી હતી. બંડલો જોઇ લીધા તો તે પૂરા દોઢ લાખ હતા.. બન્નેના ચહેરા પર ખુશીની લહેર હતી. નયનને આજે ફરી તે ખિસ્સુ પોતાના સપનાને સાકાર કરતું જાદુઇ ચિરાગ જેવું જ લાગ્યું.

‘મારી પાસે પડેલા રોકડા દસ હજાર… બેંકના પડેલા વીસ હજાર અને આ દોઢ લાખ એટલે ઘરનું બુકિંગ પાકુ… અને પછી બીજી લોન લઇશું…’ નયન અને તેની પત્ની ખુશ હતા.

અને ત્યાંજ નયનના મોબાઇલમાં મેસેજ ટોન આવ્યો એટલે તેને મેસેજ ચેક કર્યો. તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને ફાટી આંખે જોઇ રહ્યો. નયને ઝડપથી પોતાનું પાકીટ ચેક કર્યુ અને જોયું તો તેનું એટીએમ કાર્ડ ગાયબ હતું એટલે તે ચિલ્લાયો, ‘મારા ખાતામાંથી કોઇકે વીસ હજાર ઉપાડી લીધા છે…!!’

અને ત્યાં જ તેની પત્ની ગભરાઇને બોલી, ‘ સવારે કાર્તિક તમારું પર્સ ફેંદતો હતો… તે કાલે રાતે મને કહેતો હતો કે વીસ હજાર આપો મારે ફ્રેન્ડ સાથે ગોવાની ટુર બુક કરવી છે…..!! મેં તો ના પાડી હતી….! તેને પહેલા ફોન કરો… તેને તમારા એટીએમના પાસવર્ડ પણ ખબર છે..!’

નયને ફોન કર્યો તો કાર્તિકે બેધડક કહ્યું, ‘હા, મારે જવુ હતુ એટલે મેં જ તમારા એટીએમથી પૈસા વિડ્રો કર્યા છે..’

નયન અને તેની પત્ની સાવ સૂનમૂન બનીને બેસી ગયા.અને ત્યાં જ બાપુજી રૂમમાં આવ્યા.

તેમના હાથમાં પૈસા હોવા છતાં સાવ નિરાશ ચહેરા જોઇને બોલ્યા, ‘ કેમ ઓછા પડ્યાં ?’

નયન થોડીવાર ચૂપ થઇને બેસી ગયો તે સમજી ગયો હતો કે પોતાના ખિસ્સામાંથી આમ અચાનક પૈસા ઓછા થાય તો કેટલા સપના ચકનાચૂર થાય છે. કાર્તિકે પોતાની ખુશી માટે આજે પપ્પાની બેંકનું ખિસ્સું ખાલી જ કર્યુ હતુ ને…!

નયને થોડીવાર વિચાર કર્યો અને બાપુજીને સામે બેસાડી કહ્યું, ‘બાપુજી મારે તમને કંઇક પુછવું છે….!’

‘હા… બોલને..!’ બાપુજીએ સહજતાથી કહ્યું.

‘બાપુજી જ્યારે હું નાનો હતો ત્યારે તમે જે ખિસ્સામાં ભરીને લાવતા તે તમે પહેલા ખાઇને લાવતાં ?’ નયને બહુ જુની વાત યાદ કરીને કહ્યું.

‘એવું ક્યારેય હોતું હશે..? અમને તો એમ થતું કે તું તારી નાની નાની આંગળીઓથી અમને ખવડાવીશ… પણ તું એકલો ખાઇ જતો…!’ બાપુજીએ આજે વર્ષો પછી સ્પષ્ટતા કરી.

‘બાપુજી.. હું ક્યારેક તમારા ઝભ્ભાના ખિસ્સામાંથી તમને પુછ્યા વિના પૈસા લઇ લેતો તેનું તમને દુ:ખ થતું…?’ નયને ફરી બીજો પ્રશ્ન કર્યો.

બાપુજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું. ‘હા.. થતું… પણ બાપ બનવું એટલે ખિસ્સું ભારે અને મન હળવું રાખવું તે અમે જાણતા હતા. ક્યારેક અમારી જરુરિયાતની જમાપૂંજીને પણ તારા આનંદ માટે તને આપી દેતા… તને યાદ છે તેં એક્વાર દસ રુપિયા લઇ લીધેલા અને મેળામાં ખર્ચી નાખેલા… તે પૈસા તારી બાની દવા માટે ભેગા કરેલા હતા.. પણ તારી બાએ તારી ખુશીઓ માટે તે દવા વગર કેટલાય દિવસ દર્દ વેઢ્યું હતું.’

આ સાંભળી નયનની બન્ને આંખ વહેવા લાગી.. ડૂમો ભરાઇ ગયો હતો છતાં તે બોલ્યો, ‘ બાપુજી આ પૈસા તમે ક્યાંથી લાવ્યા..?’

જો કે બાપુજીએ હળવાશથી કહ્યું, ‘એ તો ગામનું આપણું ખેતર હવે ક્યાં કામનું છે. તેનો સોદો પાક્કો કરી દીધો છે..’

નયન સજળ નયને ઉભો થયો અને તે બંડલો ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાં મુક્યા અને બોલ્યો, ‘બાપુજી, હવે સમજાયું કે પપ્પા બની ઝભ્ભાનું ખિસ્સું હર્યુભર્યુ રાખવા કેટકેટલી મહેનત અને પોતાની જરુરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે. નાનો હતો ત્યારે એમ જ સમજતો કે આ જ અલાઉદ્દીનનો ચિરાગ છે તેમાં જે માંગુ તે મળે. પણ કાર્તિકે મને પૂછ્યા વગર પૈસા ઉપાડ્યા તો ખ્યાલ આવ્યો કે બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકે કેટલું બલિદાન આપવું પડે છે. બાળકો તો એટીએમને પોતાની મરજીનું કાર્ડ સમજી ભલે ઘસતાં રહે પણ તેની સામે પપ્પાની જિંદગી ઘસાઇ જતી હોય છે. જુનુ પુરાણું ઝભ્ભાનું ખિસ્સું હોય કે હાલનું એટીએમ કાર્ડ…. દિકરાની ખુશીઓ માટે તેને ભરેલું જ રાખવું પડે છે. પહેલા તો ઝભ્ભાના ખિસ્સાને કોઇ પાસવર્ડ પણ નહોતો એટલે હું માનતો કે આ તો મારી મરજી મુજબ ખુલી જાય… પણ હવે પાસવર્ડ રાખીએ તોયે તેને ખુલ્લું જ રાખવું પડે છે… બાપુજી મેં તમારા ખિસ્સાને બહુ ભાર આપ્યો છે… તમારી જમીનનો સોદો કેન્સલ કરાવી દેજો અને મારે હવે તમારા ખિસ્સાને વધુ ભાર નથી આપવો.’

નયનની વાત ચાલુ હતી ત્યારે કાર્તિક ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તેને પપ્પાની વાત સાંભળી અને તેને પોતે ઉપાડેલા રુપિયા પપ્પાના હાથમાં મુકતા કહ્યું, ‘ પપ્પા તમે જ્યારે દાદાને પૈસાની જરુર છે તે વાત કરી ત્યારથી તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેઓને હું જ ગામડે લઇને ગયો હતો. તેઓ તેમની જમીન વેચતા રડી પડ્યાં હતા. મારે તમને કહેવું હતું કે તમે દાદાજીના ખિસ્સાને બહુ ભાર ન આપો… એટલે જ મેં તમારા પૈસા તમારી મરજી વિરુધ્ધ ઉપાડ્યાં… અને સાચું કહું તો તે દિવસે મને પણ સમજાઇ ગયું હતું કે પપ્પાના ખિસ્સામાં માત્ર દિકરાઓની જરુરિયાતો જ નહી, તેમના ખુદના સપનાઓ પણ હોય છે.’

કાર્તિકની આવી ડાહી ડાહી વાત સાંભળી દાદાએ તેને ચૂમી લીધો.
*પપ્પાના ખિસ્સાની આત્મકથા એટલી જ હોય…!*
*બધુ જ જતુ કરીને એ તો છેલ્લે ખાલી જ હોય…!
Copy paste

રાહુલ પરમાર

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s