રાજસ્થાનના ઝાલોર જીલ્લાથી ૭૦ કીલોમીટર દુર કોમતા નામનું ગામ છે. ત્યાં ઈ.સ. ૧૮૨૫ આસપાસ રજપૂત રાજાઓએ તેમના રિયાસત કાળમાં એક કુવાનું નિર્માણ કર્યું હતું. આ કુવો ગામની મધ્યમાં આવેલો હતો.
કેટલાક દાયકાઓ પહેલાં ગામને અડીને વહેતી નદીમાં પૂર આવ્યું હતું. નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખા ગામના તમામ ઘરો નાશ પામ્યા હતાં. તબાહી એવી ભયંકર હતી કે ગામના તમામ ઘરોની સાથે ત્રીસ ફુટ સુધી નીચેથી માટી પણ ઘસડાઈ ગઈ હતી. ગામનું નામોનિશાન રહ્યું ન હતું. પરંતુ પ્રલય સામે રાજપૂત રિયાસતની શાખ પુરતો આ કુવો અડીખમ ઊભો હતો.
ત્યાર પછીથી આજદિન સુધીમાં તે નદીમાં આઠ થી દસ વખત પુર આવ્યું છે. પરંતુ તે કુવો આજે પણ છાતી પહોળી કરીને ગર્વથી ઉભો છે. પાંચ-છ વર્ષ પહેલાં આ કુવાથી સો મીટર દૂર લાખો રૂપિયાનાં ખર્ચે એક પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ વર્ષ પહેલાં નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પુલ સંપૂર્ણ નાશ પામ્યો હતો. પરંતુ આ કુવો આજે પણ રિયાસતકાલીન મજબૂત લોકોની મજબૂતી નું પ્રમાણ આપે છે.
આજના ટેકનોલોજીના યુગમાં નવાં નવાં આવિષ્કારો સાથે મજબૂત સિમેન્ટ અને સળીયાની જાહેરખબરો આપણે જોઈએ છીએ. છતાં પણ ૨૫-૩૦ વર્ષ પછી ઈમારત અડીખમ નથી રહી શકતી. કોમતા ગામની નદીમાં ઈંટ અને ચુના થી બનેલો આ કુવા એ બતાવે છે કે ત્યારના એ અભણ કારીગરો સામે આજની મશીનરી અને એન્જિનિયરો પણ ફેલ છે.
