જિંદગીમાં ચેકમેટ જેવી સ્થિતિ આવે ત્યારે પણ માણસ કંઈક નવું કરી શકે છે
કોઈ વ્યક્તિ તમારા અત્યંત વિકટ સંજોગોમાં તમને હૂંફભર્યા શબ્દો કહે, સકારાત્મક વાત કરે, તમને એન્કરેજ કરે તો એકદમ જ ખરાબ સ્થિતિમાં પણ કંઈક સારું લાગે
વાપીનાં નર્સરી ટીચર હર્ષા ઘોઘારી Harsha Ghoghariની જિંદગીમાં ઝંઝાવાત આવી ગયો એ પછી…
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
આજે વાત કરવી છે, વાપીનાં હર્ષા ઘોઘારીની. તેઓ કોઈ સેલિબ્રિટી નથી કે કોઈ બિઝ્નેસ ટાઈકૂન નથી કે કોઈ સફળ રાજકારણી નથી, પણ છતાં તેમના જીવનની વાત જાણવા જેવી છે.
હર્ષા ઘોઘારી આમ તો સુરતના વતની, પણ બે દાયકા અગાઉ તેમના લગ્ન થયા પછી એ વાપી સાસરે ગયાં અને ત્યાં નર્સરી ટીચર તરીકે નોકરી કરવા લાગ્યાં. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો થયા. એક સંતાનની ઉંમર 17 વર્ષ છે, બીજાની ઉંમર 14 વર્ષ છે.
અહીં સુધી તો હર્ષાબેનની જિંદગી અન્ય કરોડો ભારતીય સ્ત્રીઓની જેમ જ પસાર થઈ રહી હતી, પણ થોડા વર્ષો અગાઉ તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્યો. હર્ષાબેનને શારીરિક રીતે ખૂબ તકલીફ થવા લાગી. શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા માંડ્યો. પાંચ ડગલા ચાલે તો હાંફી જાય. તેમની તબિયત ખરાબ થતી ગઈ. 2017માં તો તેમને નવસારીની એક હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા એવી નોબત આવી ગઈ. તેઓ થોડું પણ ચાલી ન શકે, સહેજ ચાલે ત્યાં એકદમ હાંફી જાય.
નવસારીની હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થઈ પણ તેમની તબિયતમાં કશો ફરક ન પડ્યો. ડૉક્ટરે તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ થવા માટે ભલામણ કરી. યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેમની તકલીફ જાણવા માટે અનેક જાતના નિદાન થયા ત્યારે ખબર પડી કે તેમનાં ફેફસાં નબળા પડી ગયા છે અને હૃદયમાં કાણું છે.
એ પછી તેમને રેગ્યુલર દવા શરૂ થઈ. તેમને સંપૂર્ણ આરામ કરવાની અને કોઈ પણ ભારે કામ ન કરવાની સલાહ અપાઈ. આ દરમિયાન ધીમેધીમે તેમનું વજન ઓછું થવા માંડ્યું, શરીર કૃશ થવા માંડ્યું. તેમને હતાશાએ ઘેરી લીધા અને તેઓ માનસિક રીતે પડી ભાંગ્યાં. એ પછી તો તેમની તબિયત વધુ બગડી. શ્વાસ લેવામાં અસહ્ય તકલીફને કારણે તેમને છ મહિના પછી ફરી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. ત્યાં તેમને આઈસીયુમાં ઓક્સિજન પર રખાયા. 70 ટકાથી પણ ઓછું ઓક્સિજન લેવલ રહેવા લાગ્યું હતું.
એ સ્થિતિ જ્યારે કાબૂમાં આવી ત્યારે ડૉક્ટરે તેમને હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. એ માટે મુંબઈની એક મોટી હોસ્પિટલમાં જવા માટે સલાહ આપી. એ માટે 40 લાખ રુપિયાનો ખર્ચ થશે એવું કહ્યું. આર્થિક રીતે સામાન્ય પરિવાર માટે આટલી રકમ ઊભી કરવાનું મુશ્કેલ હતું. હર્ષાબેનનો નાનો ભાઈ તેજસ શેરબજારની એક કંપનીમાં જોબ કરે છે અને બીજો ભાઈ દિલીપ એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. જો એક આવી સ્થિતિમાં પણ હર્ષાબેનનું પિયર મદદે આવ્યું. સરકારી સહાય અને સેવાભાવી સંસ્થાઓની મદદથી આ પડકારને પહોંચી વળીશું, એવી હિંમત તેમના માતાપિતા અને ભાઈઓએ આપી. તેમના ભાઈ દિલીપે તેઓ જ્યાં નોકરી કરે છે એ કંપનીના સંચાલકો જીજ્ઞેશ દેસાઈ અને નીરજ ચોકસીને વાત કરી. તેમણે સુરતનાં ડૉક્ટર વિકાસ દેસાઈ પાસે જઈ સલાહ લેવાનું કહ્યું. ડૉક્ટર વિકાસ દેસાઈ 75 વર્ષના લેડી ડોક્ટર છે. તેઓ અત્યારે નિવૃત છે, પણ બહોળો અનુભવ ધરાવે છે.
તેઓ સૌ ડૉક્ટર વિકાસ દેસાઈ પાસે ગયાં. ડૉક્ટર દેસાઈએ કહ્યું કે તમે ચેન્નઈ જાવ અને ત્યાં ડૉક્ટર કે.એમ. ચેરિયન પાસે જઈને નિદાન કરાવો (ડૉક્ટર ચેરિયન પદ્મશ્રી છે અને તેમણે 29 હજારથી વધુ ઓપરેશન્સ કર્યા છે. તેમણે ‘હેન્ડસ ઓફ ગોડ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. તેઓ ઓસ્ટ્રેલિયા રહેતા હતા પછી ત્યાંનો મોહ છોડીને પાછા ભારત આવી ગયા અને ચેન્નઈમાં તેમણે હોસ્પિટલ શરૂ કરી).
હર્ષા ઘોઘારી ફેમિલી સાથે ચેન્નઈ ગયા. એ અગાઉ તેમને વાપીના ડૉક્ટરે સલાહ આપી હતી કે તમે મુંબઈની ચોક્કસ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે જાઓ. તેઓ ચેન્નઈ જઈને ડૉક્ટર ચેરીયનને મળ્યા. ત્યાં ડૉક્ટર ચેરિયન સાથે કામ કરતા ડૉક્ટર રાઘવ સુબ્રહ્મણ્યમે બધા રિપોર્ટ્સ કાઢ્યા. ડૉક્ટર ચેરિયન અને સુબ્રમણ્યમે એમને કહ્યું કે ‘અત્યારે તમારા ફેફસાના ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર નથી. ભવિષ્યમાં તમારા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, પણ તમે પોઝિટિવ રહીને વિચારો. તમે માનસિક રીતે પડી ભાંગશો તો તમને આ સ્થિતિ વધારે તકલીફ આપશે.. એટલે તમે અત્યારે શક્ય એટલા પોઝિટિવ થિંકિંગ સાથે જીવવાની કોશિશ કરો.’
ચેન્નાઈ ગયા પહેલાં તેમને સતત અજંપો થતો હતો, વિચારો આવતા હતા કે શું કરવું અને શું નહીં. આ વિચારોથી ઘણા લાંબા સમય સુધી તે મૂંઝાયા. તેઓ 2017માં હોસ્પિટલાઈઝ્ડ થયા, 2018માં હોસ્પિટલાઈઝ્ડ થયા ને 2019માં ચેન્નઈ ગયા. સ્વાભાવિક રીતે તેમ્ને હતાશાજનક વિચારો ઘેરી વળ્યા હતા તેમને તેમની મુશ્કેલીનો કોઈ અંત દેખાતો નહોતો અને નકારાત્મક્તાએ તેમના મન પર કબજો જમાવી લીધો હતો. પણ ડૉક્ટર ચેરિયન અને ડૉક્ટર સુબ્રમણ્યમને મળ્યા પછી તેમના મનમાં નવા ઉત્સાહનો સંચાર શરૂ થયો. જાણે નવજીવન મળ્યું હોય એવા ઉમંગ સાથે તેઓ ચેન્નઈથી પાછા આવ્યા.
ચેન્નાઈથી આવ્યા પછી તેમણે વાસ્તવિકતા સ્વીકારીને જીવન આગળ ધપાવવાનું નક્કી કર્યું.
ઘણી વખત તમારી આજુબાજુ કોઈ મિત્રો, આશાવાદી કે સકારાત્મક વિચારોવાળા માણસો હોય તો ફરક પડે. અને એવું જ હર્ષા ઘોઘારીના કિસ્સામાં પણ બન્યું. તેમને ડૉક્ટર ચેરીયન અને ડૉક્ટર સુબ્રમણ્યમને મળીને એટલું સારું લાગ્યું કે તેઓ અલગ રીતે વિચારવા લાગ્યા કે મારે હિંમત હારીને બેસી રહેવાને બદલે કંઈક કરવું જોઈએ. તેઓ અત્યારે નર્સરી ટીચર તરીકે તો જોબ કરી શકતા નથી કેમ કે તેઓ વાપી રહી શકે એમ નથી. પણ તેમણે પોતાના વિચાર, પોતાની મૂંઝવણને ડાયરીમાં લખવાનું શરૂ કર્યું. એ રીતે તેમણે લેખન તરફ પોતાની જાતને વાળી તો તેમને વધુ સારું લાગવા માંડ્યું. તેમણે નક્કી કર્યું કે હવે હું રાઈટર બનીશ.
વાપીના પોલ્યુટેડ વાતાવરણમાં એમની તબિયત વધારે ખરાબ થતી હતી એટલે અત્યારે હર્ષાબેન સુરત રહે છે. હર્ષા ઘોઘારી સાથે હમણાં થોડા દિવસ પહેલાં મારે વાત થઈ. તેમના અવાજમાં ઉત્સાહ હતો. તેમની તબિયતમાં સુધારો થયો છે, પણ હજી ફેફસાના ટ્રાન્સપ્લાન્ટેશનની નોબત આવી શકે છે એ તેમને ખબર છે. પરંતુ હવે તેઓ માનસિક રીતે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
હર્ષા ઘોઘારીના કિસ્સા પરથી બે સાર નીકળે છે: કોઈ વ્યક્તિ તમારા અત્યંત વિકટ સંજોગોમાં તમને હૂંફભર્યા શબ્દો કહે, સકારાત્મક વાત કરે, તમને એન્કરેજ કરે તો એકદમ જ ખરાબ સ્થિતિમાં પણ કંઈક સારું લાગે. અને બીજું એ કે માણસે કોઈ પણ વિકટ સ્થિતિ આવી પડે ત્યારે વાસ્તવિકતા સ્વીકારી વિચારવું જોઈએ કે એમાંથી હું શું રસ્તો કાઢી શકું. હર્ષા ઘોઘારીએ લેખન તરફ પોતાનું મન વાળ્યું. તેમને વાંચનનો પણ શોખ છે એ તેમના માટે મદદરૂપ બન્યો.
જીવનમાં ક્યારેય કોઈ હતાશાભરી કે નિરાશાભરી પળો આવે ત્યારે હર્ષા ઘોઘારી જેવા કિસ્સાઓ યાદ કરવા જોઈએ. વ્યક્તિની જિંદગીમાં ચેકમેટ જેવી સ્થિતિ આવે ત્યારે પણ એ કંઈક નવું કરી શકે છે!
My article in today’s Mumbai Samachar.
આસું પટેલ