Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગામડાની_સરળતા બોલે અને

બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય!

પદ્મશ્રી ભીખુદાન ગઢવી3 મહિનો પહેલા
ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય!

લોકોનું હિત જેમાં સમાયેલું હોય એવું સાહિત્ય એટલે લોકસાહિત્ય. જે દુહામાં, જે લોકગીતમાં, જે વાર્તામાં લોકોનું હિત સમાયેલુ હોય એને લોકસાહિત્ય કહેવાય. લોકોમાંથી આવેલું સાહિત્ય એટલે લોકસાહિત્ય. મેઘાણીભાઈને કોઈએ પ્રશ્ન કરેલો કે લોકસાહિત્ય એટલે શું? મેઘાણીભાઈએ જવાબ આપેલો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય. ગામડું બોલે અને નગર સાંભળે, એનું નામ લોકસાહિત્ય. ગામડાંની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય. ગામડાંના એક માણસે સરસ વાત કરેલી કે શિવાજી દેશને ખાતર ખપી ગયા અને આપણે શિવાજી બીડી પી પીને ખપી ગયાં. અભણ માણસે કહેલી આ ખૂબ મોટી વાત છે. જે સમજવા જેવી છે. લોકમુખે કહેવાયેલી આવી સરળ છતાં સમજણ ભરેલી વાતો એટલે લોકસાહિત્ય.

કવિવર દુલા કાગ અને ઝવેરચંદ મેઘાણીએ ગામડાંઓ ખુંદી, નેસડાઓમાં ફરી ફરીને ભણેલા અને અભણ માણસો પાસેથી આવી અનેક વાતો મેળવેલી છે. આવા ધૂળધોયા સર્જકોએ ખરા અર્થમાં આપણી સંસ્કૃતિનું જતન કર્યું છે. લોકસાહિત્યની ઘણી વાતો લોક ઉપયોગી અને સમાજ ઉપયોગી છે. જે આપણને જીવન જીવતા શીખવે છે.

દાખલા તરીકે વાત કરું તો આપણે ત્યાં એક કહેવત છે કે એક રુપિયાનો ફેર ભાંગનારા માણસ છે. એ કહેવત પાછળ એક બનેલી ઘટના છે. રાજાશાહીમાં એક કવિ પોતાની ઘોડી વેચવા નીકળેલા. ઘોડી વેચવા જ્યાં જાય ત્યાં કિંમતમાં કંઈકને કંઈક વાંધો પડે. કારણ એ કે કવિએ નક્કી કરેલું કે કોઈ એક હજાર રૂપિયા આપે તો જ આ ઘોડી આપવી. નવસો નવ્વાણુ પણ નહીં. જ્યાં જાય ત્યાં એ ઘોડી ખરીદદાર માણસને ગમે તો એના મિત્રને ન ગમે, મિત્રને ગમે તો જેને લેવી હોય એને ન ગમે, બન્નેને ગમે તો એના કુટુંબને ન ગમે. ઘોડીનો ભાવ ક્યાંક પાંચસોથી અટકે, ક્યાંક સાતસોએ અટકે, કોઈ હજાર રૂપિયા દેવા તૈયાર થાય નહીં. કવિ ઘોડી લઈને ખુબ ફર્યાં. અંતે કોઈ ડાહ્યા માણસે એને સલાહ આપી કે તમે આમ ફરવાનું બંધ કરો અને કોઈ રાજમાં જાવ. કોઈ રાજા જ આની કિંમત આપી શકશે. સામાન્ય માણસ નહીં આપી શકે. કવિ રાજમાં ગયા. રાજમાં પણ એ જ સ્થિતિ થઈ. ઘોડી કોઈ રાજાને ગમે તો દિવાનને ન ગમે, દિવાનને ગમે તો સલાહકાકરને ન ગમે. એક રાજમાં રાજના માણસો ડાયરો ભરીને ઘોડીની કિંમત નક્કી કરવા બેઠાં. સવારથી સાંજ સુધી કિંમતની ચર્ચા ચાલી અને નવસો નવ્વાણુંએ વાત અટકી. રાજાએ બીજા દિવસે ચર્ચા કરવાનું કહી દરબાર બરખાસ્ત કર્યો. રાજાએ કહ્યું કે એક

રૂપિયા માટે કંઈ કવિ ઘોડી લઈને ચાલ્યા નહીં જાય. રાજા રાજમહેલમાં ગયાં. અમીર-ઉમરાવો પોતપોતાના ઘરે અને કવિ પોતાના ઉતારે ગયા. બન્યું એવું કે રાત્રે ઘોડી જ્યાં બાંધી હતી ત્યાં એને કોઈ ઝેરી જનાવર કરડ્યું અને ઘોડી મરી ગઈ. રાજાને પારાવાર અફસોસ થયો. કવિને સમાચાર પહોંચાડવામાં આવ્યા. કવિ રડવા લાગ્યાં. વીસ વર્ષનો દીકરો મર્યો હોય અને બાપ રડે એમ કવિ રડતાં હતા. રડતાં રડતાં જ તેઓ રાજા પાસે પહોંચ્યાં. રાજા અને સલાહકારોએ એમને સાંત્વના આપીને છાના રાખવાનો પ્રયાસ કર્યો. દરબારીઓએ કહ્યું કે રાજા તમને નવી ઘોડી આપશે, તમે છાના રહો, પણ કવિ શાંત થવાનું નામ નહોતા લેતાં. અંતે રાજાએ ઊભા થઈને જાહેરાત કરી કે કવિ તમને જેવી જોઈએ એવી બે ઘોડી આપીશ, પણ તમે શાંત થઈ જાવ. તમને તકલીફ શું છે? તમારે જોઈએ છીએ શું? ત્યારે કવિ જવાબ આપે છે કે ઘોડી મરી ગઈ એનો અફસોસ નથી. એનું હું રોતો પણ નથી. મને રડવું એ વાતનું આવે છે કે તારા રાજમાં એક રૂપિયાનો ફેર ભાંગે એવો એકેય માણસ તે રાખ્યો નથી. મને તારા રાજનું રડવું આવે છે. સમાજમાં આવા ડાહ્યાં માણસો હતા. જેના શાણપણની વાતો આપણને લોકસાહિત્ય શીખવે છે. આવા તો અસંખ્ય પ્રસંગો લોકસાહિત્યમાં છે.

આવો જ એક બીજો પ્રસંગ છે. એક રાજાને એક દિવસ વિચાર આવે છે કે મારા રાજમાં મને સાચુ કહેવાવાળા કેટલાં? કોઈ છે એવું કે જે મને મોઢામોઢ સાચુ કહી શકે કે બાપુ, તમારાથી આ ભૂલ થઈ ગઈ છે. તમારાથી નિર્દોષ માણસ દુભાઈ ગયો છે. આવો વિચાર આવતા રાજાએ પોતાના પંદરેક સલાહકારોને બોલાવ્યા અને એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બપોરનો સમય હતો. સૂર્યનારાયણ માથે આવ્યા હતા. બધાંને ભેગા કરીને રાજાએ કહ્યું કે હું સૂર્યનારાયણ તરફ જોઉં છું તો મને એમાં કોઈ ઘોડેસવાર આવતો હોય એવું લાગે છે. પછી વારાફરતી બધાંને પૂછવામાં આવ્યું કે એમને સૂર્યનારાયણમાં શું દેખાય છે? બધાં દરબારી-સલાહકાર એક પછી એક ઊભાં થઈને કહેવા લાગ્યાં કે હા, બાપુ ઘોડેસવાર જ છે. કોઈ કહે કે એનો ભાલો આવો દેખાય છે તો કોઈ કહે કે એણે સાફો બાંધ્યો છે. પહેલો… બીજો… ત્રીજો વારાફરતી બધાં ઘોડેસવારનું જાત જાતનું વર્ણન કરે છે. છેલ્લો વારો જેનો આવ્યો એ અંગરક્ષક હતો. એને પિતાનો પટ્ટો મળેલો એટલે કે નોકરી વારસામાં મળેલી. એણે કહ્યું કે મને સૂર્યનારાયણમાં કંઈ જ દેખાતું નથી. માત્ર સૂર્યનારાયણ જ દેખાય છે. બીજા બધાં કહે છે કે અમને દેખાય છે, બાપુને દેખાય છે, પણ તને નથી દેખાતું? પેલાએ ફરી મક્કમતાથી જવાબ આપ્યો કે મને નથી દેખાતું. દરબારીઓમાંથી કોઈએ કહ્યું કે બાપુ, આ સ્વભાવે જ ઊંધો છે, એ આપણું નહીં માને. બધાંને દેખાય છે અને આને નથી દેખાતું. એક જણાએ કહ્યું કે બાપુ આના પિતાનો સ્વભાવ પણ આવો જ હતો. એ પણ ઊંધું જ બોલતાં. પોતાનું ધાર્યું જ કરતાં. રાજાએ અંગરક્ષકને કહ્યું કે બરાબર જુઓ તમે. મને તો ઘોડેસવાર આવતો દેખાય છે. અંગરક્ષકે કહ્યું કે આ બધાંની ઉંમર થઈ ગઈ છે. મારી આંખો યુવાન છે. મને ચોખ્ખુ દેખાય છે. મને ત્યાં સૂર્યનારાયણ સિવાય કંઈ જ દેખાતું નથી. એટલે ફરી ડાયરામાંથી કોઈએ કહ્યું કે બાપુ અમે કહ્યું જ ને કે આના પિતાનો સ્વભાવ પણ ઊંધો હતો અને આ પણ ઊંધું જ બોલે છે. અંગરક્ષક બોલ્યો કે બાપુ તમારા અનાજ પર જીવું છું. તમે મને નિભાવો છો. હું તમને અસત્ય નહીં કહું. સાચુ જ કહીશ. મને માત્ર સૂર્યનારાયણ જ દેખાય છે. એમાં કશું દેખાતું નથી. ફરીવાર દરબારીઓએ કહ્યું કે આનો સ્વભાવ એના પિતા જેવો જ છે. આ નહીં માને. એટલે અંગરક્ષક બોલી ઉઠ્યો કે બાપુ, આ રહ્યો તમારો પટ્ટો, તમારી નોકરી સંભાળી લ્યો અને મને રજા આપો. પછી રાજા બોલ્યા કે તમે આ પટ્ટો બાંધી લ્યો અને આ તમામના પટ્ટા અત્યારે જ ખેંચી લ્યો. સાચું કહેવાવાળો તું એક જ મળ્યો. આ કોઈ મને સાચું કહેતા નથી. માત્ર હાએ હા જ કરે રાખે છે. લોકજીભે કહેવાયેલી અને કંઠોપકંઠ-કર્ણોપકર્ણ પરંપરાથી સચવાયેલી આવી અનેક વાતો આપણા લોકસાહિત્યમાં સમાયેલી છે. જે આપણને સૌને વફાદારી અને સાચું બોલવાની પ્રેરણા આપે છે.

રસરંગ,Rasrang – Divya Bhaskar

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s