Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભગવાનસાથેભોજન

🌱🌱🌱🌱🌱🌱🌱
એક નાનકડા બાળકે એક વખત પોતાની નાનકડી બૅગ તૈયાર કરવા માંડી. એમાં એણે ચૉકલેટ્સ ભરી. બેચાર પૅકેટ્સ બિસ્કિટ્સ નાખ્યાં. એકાદ વેફર્સનું પૅકેટ પણ લીધું. એની મા પાસે માંગીને નાનકડા લંચબોક્સમાં બેત્રણ થેપલાં , તેમજ અથાણું ભર્યાં. પાણી માટે વૉટરબૅગ ભરી.

માતાને નવાઈ લાગી. બાળક તો ચૂપચાપ બધું પૅકિંગ કર્યે જતો હતો. માતાથી હવે ન રહેવાયું. એણે પૂછ્યું : ‘’ શું કરે છે બેટા ? ક્યાં જવાની તૈયારી કરે છે ? ”

” ભગવાનને મળવા જઉં છું ! ” ગંભીર મુખમુદ્રા સાથે બાળકે જવાબ આપ્યો.

માને હસવું આવ્યું. એને થયું કે ક્યાંક બાગ – બગીચામાં રમવા જતો હશે. અથવા તો એની જેવડાં બાળકો સાથે પિકનિકનો પ્રૉગ્રામ બનાવ્યો હશે. એણે ફરી વાર પૂછ્યું પણ બાળકે તો એ જ જવાબ આપ્યો. માએ ગંભીરતાથી ન લીધું. બાળકે વૉટરબૅગ ખભે લટકાવી , પોતાની બૅગ પીઠ પર બરાબર બાંધી અને એ તો ઘરેથી ઊપડ્યો !

એના ઘરથી થોડેક દૂર એક જાહેર બાગ હતો. ત્યાં પહોંચતાંમાં તો બાળક થાકી ગયો. થોડીક વાર આરામ કરવાનો વિચાર કરીને એ એક બાંકડા પર બેઠો. હવે એ સમયે એ જ બાંકડાના બીજે છેડે એક ઘરડો ભિખારી બીજી તરફ જોઈને બેઠો હતો. ત્યાં ઊડતાં પંખીઓને એ જોઈ રહ્યો હતો.

બાળકને ભૂખ પણ લાગી હતી ! એણે પોતાની બૅગ ખોલી. થેપલું કાઢીને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં જ પેલા ઘરડા માણસે એની સામે જોયું ! એના મોઢા પરથી એ ઘણા દિવસનો ભૂખ્યો હોય તેવું લાગતું હતું. બાળકે થેપલાવાળો હાથ પેલા ભિખારીની સામે લાંબો કર્યો.

ઘરડા ભિખારીએ થેપલું લઈ લીધું. પછી એ બાળકની સામે જોઈને આભારવશ હસ્યો. ઘણા દિવસે ખાવાનું મળ્યું તે માટેના આનંદ અને બાળક તરફની કૃતજ્ઞતાથી ભરેલું એ હાસ્ય બાળકને પણ ખૂબ જ ગમ્યું. એને કંઈક ન સમજાય તેવી ખુશી થઈ. ભિખારીએ થેપલું પૂરું કરીને બાળક સામે જોયું. એ ફરીથી હસ્યો. બાળકને એના હાસ્યમાં મજા આવી ગઈ. એણે ફરીથી થેપલું આપ્યું. ભિખારીએ ફરીથી થેપલું લઈ લીધું.
પછી તો આ ઘટનાક્રમ એમ જ ચાલ્યો. બાળક ભિખારીને પોતાની બૅગમાંથી કંઈક ખાવાનું આપે અને એ ખાઈ ભિખારી સરસ મજાનું હસે.

બાળક કે ભિખારી બોમાંથી કોઈ એક શબ્દ પણ નહોતું બોલ્યું. હાસ્ય જ બંને વચ્ચેની પરિભાષા હતી. બૅગમાં ભરેલાં થેપલાં , બિસ્કિટ્સ , પાણી વગેરે બધું જ ખલાસ થઈ ગયું. થોડુંક અંધારું થઈ ગયું. બાળક હવે પોતે ઘરે જવું જોઈએ એવા વિચાર સાથે ઊભો થઈ ગયો. પોતાની વસ્તુઓ ખભે નાખીને એ ઘર તરફ ચાલ્યો. થોડેક દૂર ગયો હશે ત્યાં જ કંઈક યાદ આવ્યું હોય તેમ ઊભો રહી ગયો. વૉટરબૅગ અને થેલો નીચે નાખીને દોડતો પાછો આવ્યો. બાંકડા પાસે જઈને પેલા ભિખારીને એ વળગી પડ્યો. એના ગંદા ગાલ પર એક પપ્પી કરી. પછી દોડતો દોડતો પોતાની વસ્તુઓ લઈને ઘર તરફ ઊપડ્યો.

પોતાને આવડે તેવાં ગીતો લલકારતો અને આનંદથી ઠેકડા મારતો એ ઘરમાં દાખલ થયો. એની માતાને એનો અદ્ભુત આનંદ જોઈને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું , ” એલા મુન્ના ! આ બે – ત્રણ કલાક તું ક્યાં ગયો હતો ? અને હા ! હું તો પૂછતાં જ ભૂલી જાઉં છું , તને ભગવાન મળ્યા કે નહીં ?”

“હા મા !! ભગવાન મને બગીચામાં જ મળી ગયા !”

માતાના આશ્ચર્યમાં વધારો થયો. એણે ફરીથી પૂછ્યું , ” શું કહ્યું ? તને બગીચામાં ભગવાન મળ્યા ? ”

” હા મા ! સાચું કહું છું. ભગવાન મને બગીચામાં મળી ગયા. મેં અને ભગવાને સાથે બેસીને નાસ્તો કર્યો.
મા ! એક વાત કહું ? ભગવાન જેવું સરસ હસતો મેં આજ સુધી કોઈને પણ જોયા નથી. એ એટલું સરસ હસતા હતા. મા ! કે મને તો મજા આવી ગઈ. અમે નાસ્તો કર્યો અને એકબીજા સામે ખૂબ હસ્યા. મા ! ભગવાન કેટલું સરસ હસે ને ? ! અને મા ભગવાન ખૂબ જ મોટા અને ઘરડા હશે એ પણ મને આજે જ ખબર પડી ! …”

મા તો બિચારી શું બોલે ? ” હા બેટા ! ” એટલું કહીને એ આશ્ચર્યથી જોઈ જ રહી.

આ બાજુ પેલો ભિખારી પણ પોતાની ફૂટપાથ પર ઊપડ્યો. એ પણ ખૂબ જ ખુશ હતો. એ લહેરથી ગીત ગણગણતો હતો. એને આટલો બધો ખુશીમાં જોઈને બાજુવાળા ભિખારીથી પૂછ્યા વિના રહેવાયું નહીં. એણે કહ્યું , ‘ કેમ અલ્યા , આજે કાંઈ મોટો દલ્લો ભીખમાં મળી ગયો છે કે શું ? આટલી બધી ખુશી કઈ વાતની છે ? ભીખમાં ખૂબ પૈસા – બૈસા આવી ગયા છે કે ? “

“આજે તો મેં ભીખ જ નથી માંગી !” ભિખારી બોલ્યો.

” તો પછી ?? આટલી બધી ખુશી શેની છે ? ” બીજા ભિખારીનું આશ્ચર્ય હવે વધ્યું.

“આજે મને બગીચામાં ભગવાન મળી ગયા હતા ! ” પેલો ભિખારી બોલ્યો , પણ એ આટલા નાનકડા હશે એ મને પહેલી વખત ખબર પડી ! ” પછી ખુશીથી એણે આકાશને ભરી દેતું ખડખડાટ હાસ્ય કર્યું !

આખા દિવસમાં આપણને ભગવાન કેટકેટલી વખત મળતો હશે નહી ? અને આપણે એને ઓળખી પણ નહીં શકતા હોઈએ. એકાદ નાનકડું લાગણીભર્યું કૃત્ય પણ ભગવાનનું જ કૃત્ય છે. એક એક કાળજીભર્યા હાથના કોમળ સ્પર્શ પાછળ રહેલા ઈશ્વરને ઓળખીએ ….
✍ ડૉ. આઇ.કે. વિજળીવાલા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s