Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નીતાબહેન સવારથી મૂંઝાઇ રહ્યા હતા.એક તરફ દીકરો વહુ આવી રહ્યાના સમાચારથી ખુશ હતા.તો સાથે સાથે એક મૂંઝવણ પણ અનુભવી રહ્યા હતા.પરદેશી વહુને પોતે કેમ સાચવશે?શું બોલશે તેની સાથે?પતિનો ગુસ્સો પણ હજુ ઉતર્યો નહોતો.પંદર દિવસ પહેલાં જ જીતનો અમેરિકાથી ફોન આવ્યો હતો.જેમાં તેણે તે જ દિવસે લગ્ન કર્યાના સમાચાર આપ્યા હતા.અને આશીર્વાદ માગ્યા હતા. બાકી વાતો પોતે થોડા દિવસમાં દેશમાં આવે છે ત્યારે નિરાંતે વાત કરીશું.એમ પણ કહ્યું હતું. અને હવે આવતીકાલે જીત જેનાને લઇ ને આવતો હતો. આનંદની સાથે સાથે નીતાબહેન એક ડર પણ અનુભવતા હતા. બાજુવાળા કાંતાબેનને ત્યાં એનો દીકરો પરદેશથી થોડા દિવસો માટે આવ્યો હતો..ત્યારે તેનું વર્તન પોતે નજરે જોયું હતું. તેની વહુ તો અહીંની જ હતી..તો યે જે રૂઆબ અને રોફ બંને જણાએ મા- બાપ સાથે કર્યા હતા…તેનાથી પોતે અજાણ નહોતા. આ તો અધૂરામા પૂરુ..વહુ પરદેશી હતી.

નિખિલભાઇનો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાની જૂનવાણી રહેણી કરણી…..કેમ થશે? શું થશે? તે ડરથી નીતાબેન મનમાં મનમાં ફફડતા હતા.કયાંક બાપ દીકરા વચ્ચે ચકમક ન ઝરે તો સારું

”વહુ પહેલીવાર ઘેર આવે છે..સ્વાગત તો કરવું જ જોઇએ.પણ એ બધી વિધિઓ તેને તો જૂનવાણી જ લાગવાની.લાપસીનું આંધણ મૂકવાનું મન પણ થયું.પણ…ના,ના, એને એવું બધું નહીં ભાવે.સારી મીઠાઇ જ તૈયાર લાવી રાખવી સારી.ભાષા તો વહુ સમજશે નહીં…વાત તો શું કરશે?”આવા કેટકેટલા વિચારોથી નીતાબહેન ઉભરાતા હતા!! ઘર સાફ તો રહેતું જ હતું.તો યે જીતનો રૂમ થોડો વધુ વ્યવસ્થિત કર્યો.નિખિલભાઇ મૌન બની બધુ જોતા હતા.નહોતા સહકાર આપતા કે નહોતા વિરોધ કરતા.આમેય અંદર ગમે તેટલી લાગણી હોય તો પણ એ વ્યકત કરવી તેમને કયાં ફાવતી હતી?

નીતાબહેન જીતને ભાવતી વસ્તુઓ બનાવી રાહ જોઇ રહ્યા વહુને તો શું ભાવતું હશે…શું ખાતી હશે…કેમ ખબર પડે? યુ.એસ.થી મુંબઇ અને ત્યાંથી જામનગર.. અને પછી ત્યાંથી ટેક્ષી કરીને બંને આવવાના હતા. એટલે રાહ જ જોવાની રહી. હવે પહોંચવા જ જોઇએ.જામનગરથી નીકળી ગયાનો ફોન તો આવી ગયો હતો.બધી તૈયારી કરી નીતાબહેન આંટાફેરા કરતા હતા.પતિ તો છાપુ વાંચવાનો ડોળ કરી બેઠા હતા.!!! અને બેલ વાગવાની રાહ તો કયાં જોવાની હતી?ઘરના અને મનના બધા દરવાજ ખુલ્લા રાખી ને જ બેઠા હતા. ત્યાં જ ગાડી આવી ને ઉભી રહી.

”મમ્મી” કહેતો જીત પગે લાગીને ભેટી પડયો.એનું અનુકરણ કરતી જેના પગે લાગી ત્યારે તો નીતાબહેનને શું બોલવું..શું આશીર્વાદ આપવા એ યે ન સમજાયું. સરસ સાડી,કપાળમાં મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓનો ઝૂડો પહેરેલી વહુની તો એને કલ્પનાયે કયાં હતી?

”મમ્મી, તારે આરતી…આરતી નથી ઉતારવી અમારી?’

જીત હસતા હસતા બોલ્યો..એ જ સ્ટાઇલ….એ જ હાસ્ય..એ જ નિખાલસતા..કયાં કંઇ બદલાયું હતું?ફકત આ વખતે એકલાને બદલે સાથે નાનકડી ઢીંગલી જેવી રૂપકડી છોકરી હતી! ફકત ચહેરા પરથી જ “ગોરી” લાગતી છોકરી બાકી બધી રીતે તો નખશિખ ભારતીય જ લાગતી હતી. બંને નિખિલ ભાઇને પગે લાગ્યા ત્યારે તે પણ જોઇ જ રહ્યા.

નીતાબહેન બનેને ઘરમાં અંદર લઇ ગયા.ઠાકોરજીને પગે લગાડવા.પ્રસાદ આપ્યો..જેના જે ભાવથી પગે લાગી અને પ્રસાદ લીધો તે જોઇ નીતાબહેન હરખાઇ રહ્યા. ”મમ્મી.ઘર તો બહું સરસ છે”જયારે જેનાએ શુધ્ધ ગુજરાતીમાં કહ્યુ તો નીતાબહેન તો માની જ ન શકયા. માની મૂંઝવણ સમજી જીત બોલ્યો,

”અરે,મમ્મી,ચિંતા ન કર. જેના બધુ ગુજરાતી સમજે છે અને મોટાભાગનું બોલી પણ શકે છે. ભૂલ થાય ત્યાં સુધારજે..તને ખબર છે….એક વરસથી તારી વહુ થવાની ટ્રેનીંગ લેતી હતી.હવે પાસ કે નાપાસ..એ તો તું કહીશ ત્યારે જ ખબર પડે…”

જમતી વખતે બંગાળી મીઠાઇ જોઇને જીત બોલી ઉઠયો,

”આ શું મમ્મી? મહેમાનની જેમ મીઠાઇ મંગાવી છે? તારા હાથની લાપસી કે લાડવા નથી ખવડાવવાની? મેં તો જેના આગળ કેટલા વખાણ કરી રાખ્યા છે કે મારી મમ્મી જેવી લાપસી કોઇ ન બનાવી શકે…”

”બેટા,મને એમ કે….”

”હા,તને એમ કે પરદેશી વહુ ..અને એના નખરા કેવા યે હશે…બરાબરને? સાચુ કહેજે એવું વિચારીને ચિંતા કરતી હતી ને? હું તારો દીકરો છું તને ઓળખું તો ખરો ને?

પણ…મમ્મી,જેના જન્મે જ અંગ્રેજ છે..એને આપણી સંસ્કૃતિ…આપણા રીતરિવાજ, વિગેરે બધું બહું જ ગમે છે.અને તેને આપણી રહેણી કરણી…ને બધું જ ખબર છે…તું જરાયે ચિંતા ન કર.”

અને ખરેખર સાંજ સુધીમાં નીતાબહેન તો ઠીક નિખિલભાઇને પણ થયું.

.ના,ના,પોતે ખોટા ગુસ્સે થતા હતા.જીત અને જેના સતત હસતા હતા અને હસાવતા હતા.કેવી રીતે જેના ગુજરાતી શીખતા શીખતા …કેવા કેવા છબરડા વાળતી હતી..તે જીત કહેતો હતો અને જેના હસતી હતી.જેના મૂળ તો વાતોડી હતી.થોડા કલાકમાં તો એવી ભળી ગઇ કે જાણે વરસોથી આ ઘરમાં જ ન રહેતી હોય!! એક એક વસ્તુ જોતી રહી..રસથી વખાણ કરતી રહી…મમ્મી,,પપ્પા આખો દિવસ શું કરે છે..સમય કેમ પસાર કરે છે…બધું પૂછતી રહી.એને તો જાણે પ્રશ્નો ખૂટતા નહોતા!!

નીતાબહેન ને થયું કે આટલો રસ તો પોતાનામાં કોઇએ કયારેય લીધો નથી.રાત્રે તો નીતાબહેનની સાથે પરાણે રસોડામાં ઘૂસી ગઇ.

લાપસી ખાઇને ખુશખુશાલ થઇ ગઇ,અને રાતે જમીને બધા બેઠા હતા ત્યારે તો ઘર જાણે જીવંત બની ઉઠયું.અંતે નીતાબહેને જ સમજી ને કહ્યું,

”જીત,બેટા,આજે તમે યે થાકયા હશો..કાલે વાતો કરશું..આજે તો હસી હસીને પેટમાં દુખી ગયું. હવે સુઇ જાવ”

હા,મમ્મી.અને જેના તારી સાથે સુઇ જશે”

અચાનક જીતે જાણે ધડાકો કર્યો હોય તેમ નિખિલભાઇ અને નીતાબહેન સાંભળી રહયા..”જીત આમ કેમ કહેતો હતો?” બંને પ્રશ્નાર્થ નજરે જીત સામે જોઇ રહ્યા.

“હા,મમ્મી, એ મુખ્ય વાત તો અમે હજુ તમને કરી જ નથી.’જેના જાણે ટહૂકી ઉઠી. ”એટલે?”

“એટલે એમ જ કે…મેં અને જેનાએ કાયદાની ભાષામાં લગ્નના સહી સિક્કા કર્યા છે.જેથી કોઇ કાનૂની ગૂંચવાડો ઉભો ન થાય.બાકી તમારા આશીર્વાદ વિના લગ્ન થોડા થાય?

જેના ને તો આપણા રિવાજ પ્રમાણે..ફેરા ફરી ને..બધી વિધિ પ્રમાણે લગ્ન કરવા છે.અમે હજુ સાથે રહ્યા જ નથી.લગ્નનું પવિત્ર સહજીવન તમારા આશીર્વાદ વિના થોડુ શરૂ થાય?”

નીતાબહેન કે નિખિલભાઇ તો કંઇ બોલી જ ન શકયા.
”ખરેખર?”
“હા,મમ્મી,જેનાના મમ્મી પપ્પા પણ આઠ દિવસમાં અહીં આવી જશે.અને તને જે રીતે દીકરો પરણાવવાની હોંશ હતી…છે..એની શું મને ખબર નથી?” નિખિલભાઇ અને નીતાબહેનના આશ્ર્વર્ય અને આનંદનો તો પાર ન રહ્યો. આવી તો કલ્પના પણ કયાંથી આવે?પોતે તો કાંતાબેનના દીકરા-વહુ પ્રમાણે જ વિચારતા રહ્યા.કેવા મૂરખ હતા પોતે.

અઠવાડિયા સુધી ઘરમાં મંગલ ગીતો ગવાતા રહ્યા. જેનાના મા-બાપ પણ જે રીતે બધા સાથે ભળી ગયા..તે જોઇને તો ગામવાળા…સગાવહાલા..પણ બધા નવાઇ પામી ગયા.નીતાબહેન અને નિખિલભાઇએ ગૌરવથી..ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરા –વહુને પોંખતા નીતાબેનની આંખો હર્ષથી છલકાઇ રહી. પણ…પણ..હજુ આશ્ર્વર્યનો આંચકો જાણે બાકી હતો.પોંખીને દીકરા વહુને અંદર લઇ ગયા ત્યારે બંનેએ પગે લાગીને મમ્મી,પપ્પાના હાથમાં એક કવર મૂકયું.
”આ શું?’ :”

તમે જ ખોલી ને જુઓ…પપ્પા.આ છે અમારી સરપ્રાઇઝ ગીફટ!!”

નિખિલભાઇ એ કવર ખોલ્યું તો એમાં જીત અને જેના બંનેની નોકરી ના એપોઇંટમેન્ટ લેટર હતા.બંનેને મુંબઇ..એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સરસ નોકરી મળી ગઇ હતી. હવે તેઓ કાયમ અહીં જ રહેવાના હતા.

” મમ્મી,હવે અઠવાડિયામાં આપણે ચારેય મુંબઇ જઇએ છીએ.ત્યાં કંપનીએ સરસ બંગલો આપ્યો છે.હવે અમે કાયમ તમારી સાથે જ રહેવાના છીએ….”

”મમ્મી,રાખશોને આ પરદેશી છોકરીને કાયમ તમારી સાથે?”

જેના ટહૂકી ઉઠી.

નીતાબેનને થયું કે સંસ્કારને કોઈ સીમાડા થોડા જ હોય છે ?


उषा बा पवार

Author:

Buy, sell, exchange old books

Leave a comment