Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એ વાતને તો ઘણો વખત વહી ગયો છે પણ વાત હજી ભુલાઇ નથી.ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે.

તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી.જોરાવર બોરડી!મીઠા મધ જેવા,જોતા લાળ ટપકી પડે એવા,ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.

થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો હિઝ હાઇનેસ રાઓલસાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો.

“કોણ છે ?”

સિપાઇઓ બહારના રસ્તે દોડ્યા.થોડીવારમાં એક મેલાં-ઘેલા લૂંગડા પહેરેલ માણસને પકડી લાવ્યાં.ગરીબ લાગતા એ આદમીના અંગેઅંગ ધુણવા માંડ્યા હતાં.હવે તો ચોક્કસ ધરખમ સજા મળવાની!

બનેલું એમ કે,બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ,એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા.અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો.એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે!સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે!

“કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!”

“કેમ પથ્થર ફેંક્યો હતો,ભાઇ?”

“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય,બાપુ!”એ થથરતો હતો.

કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું.અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો.

“લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું.મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”

આવા હતાં ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ!કેવો પ્રજાપ્રેમ!કેવી દિલાવરીયુક્ત દાતારી!આજે પણ લોકો એની કીર્તિની અમરગાથાને યાદ કરીને આંખના ખૂણા ભીંજવે છે.રંક હોય કે અમીર,ભાવેણામાં સૌ સરખાં રહેતા જ્યારે કૃષ્ણકુમારસિંહના રાજ તપતાં !

આઝાદ ભારતના એકીકરણ માટે સૌપ્રથમ ભારતસંઘ સાથે જોડાનાર રાજ્ય ભાવનગર હતું.અને હસતે મુખે રાજને માં ભારતના શરણે ધરી દેનાર રાજવી હતાં કૃષ્ણકુમારસિંહજી.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s