ભવના_ભેરુ
રતનજી જોષી અને ભોજા રબારી
સુંદરીના શરમથી છવાયેલા વદન જેવી સંધ્યા સનખડા ગામની સીમ ઉપરથી સરીને ક્ષિતિજના અંકમાં સમાઉ સમાઉ થઇ રહી છે.
હાથ-હાથના ડૂંડે બાજરો અને દોથા દોથા જેવડા લોથે જાર ઝૂલી રહી છે. સીમની ચણ ચણીને પંખીઓ ભર્યે પેટે હવામાં પાંખો હીલોળતાં મીઠા કલશોરે સીમને ભરી દેતાં માળે પોઢવા પાછાં ફરી રહ્યાં છે. ઉઘાડ આભ અને મોલાતે અરઘતી અવની વચ્ચે વાયરો દોટુ દઇ રહ્યો છે. સોળે શણગાર સજીને હરખાતી ધરતીના સાળુમાં શીળો સમીર સળવળી રહ્યો છે. વાછરુને લાંબે લસરકે ચાટીને વહાલ વરસાવવા અથરી થયેલી ગણતરીઓ ભાંભરતી નદીનો ઊભો કાંઠો ચરીને ઉતાવળે પગલે ગામ ભણી આવી રહી છે.
આવે ટાણે સનખડા ગામનો દેલવાડીઆ શાખાનો જોષી નુખનો રતનજી બ્રાહ્મણ હાથમાં ધારિયું હિલોળતો સનખડાની સીમમાં ડગલાં દઇ રહ્યો છે. કપાળમાં ત્રિપુંડ, અંગે અંગરખું, ઢાલવા છાતી, જોરાવર ભુજાઓ, ઝગારા દેતું વિશાળ લલાટ, માથે હાથ એકની ચોટલી… જોતાં જ જાણે શિવનો ગણ જોઇ લ્યો.
રતનજી જોષી એટલે વટનો કટકો. એકવચની અને વહેવારનો પાકો. ઘરે ધીંગી ખેડ, ઓસરી – ઉતાર ઓરડા, આંગણામાં ગાયુનાં ગમાણ ને તુલસીનો ક્યારો, તે દિ’ રતનજી જોષીને કોઇ આંબે નહિં.
આવા રતનજી જોષી અને ભોજા રબારી વચ્ચે ભાઇબંધી ભરડો લઇ ગયેલી. ખોળવિયાં નોખાં પણ બેય ખોળવિયામાં જાણે એક જ આત્મા રમે. રતનજી જોષી અને ભોજા રબારી વચ્ચ જાણે પૂરવ ભવની પ્રીત પ્રકટેલી. દોસ્તીના દીવા આઠેય પહોર અખંડ જયોતે ઝગમગે.
‘મિત્ર ઐસા કિજીએ ઢાલ સરીખા હોય,
સુખમેં પીછે રહે ઔર દુ:ખમેં આગે હોય.’
રતનજી જોષી અને ભોજો રબારી આવા મિત્રો.
એકબીજાને આધાર દઇને જીવનારા જોષી વાડીએ વાહુ જાય. ભોજો ઢોરને લઇને પહર આવે. રાત બધી બેય ભાઇબંધો હેત-પ્રીતને હિલોળે ચડે.
આજ ભોજો રબારી પોતાના ઢોરને વોંકળાના સામે કાંઠે ચારી રહ્યો છે. આ બાજુના કાંઠા વળોટી રતનજી જોષી ભોજાને ભેળો થાવા ડાફૂ ભરી રહ્યો છે, ત્યાં તો પંદર ધાડું ભોજાને આંખના પલકારામાં ઘેરી વળ્યું. પંદરેયના હાથમાં કડિયાળી લાકડિયું તોળાઇ ગઇ છે. આજ ભોજાને ઠામ મારીને પાછા વળવાના મનસૂબા સાથે છૂટેલા પંદર જણાએ કડિયાળિયું તોળીને પડકારો કર્યો :
‘ભોજા, હવે થાજેે ભડનો દીકરો.’
પડકારો સાંભળતાં જ વોકળો વળોટતાં રતનજી જોષીએ હાકોટો કર્યો :
‘ખબરદાર! કોઇએ ટચકો કર્યો છે તો ભોડાં રેડવી દઇશ.’
અણધાર્યો પડકારો ઊઠતાં તોળાયેલી લાકડીઓ પળવાર તોળાઇ રહી. ધારિયાને હીલોળતા આવી રહેલા રતનજી જોષી માથે મીટ માંડી કરડી આંખ્યું નોંધી, ડારો દીધો,
‘બ્રાહ્મણ, સમજીને પાછા વળી જાજો, આજનો મામલો નોખો છે.’ ત્યાં તો ઘેરાને વીંધીને ભોજાની પડખે ઊભા રહીને રતનજીએ ધારિયું વીંઝી વેણ કાઢ્યાં,
‘પારોઠનાં પગલાં ભરવાનું આ બ્રાહ્મણ શીખ્યો નથી. ભોજો તો મારો ભવનો ભેરુ. એની માથે ઘા કરતાં પહેલાં જોષીનો ઝપાટો જોતા જાવ.’
રતનજી જોષીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. એક બાજુ પંદર કડિયાળી લાકડીઓની ત્રાપટ પડે ને સામે રતનજી જોષી અને ભોજા રબારીની ધારિયાની બટાઝટી બોલે.
સનખડાની સીમના વાંકળે ધીંગાણું જામ્યું. લોહીના ધોરીઆ ધધકતા, કાળ રૉપ ધારણ કરીને રતનજી અને ભોજો દુશ્મનોને વેતરવા માંડયા. દુશ્મનો વેતરાણા ભોજો પડયો. બાકીના દુશ્મનો ભાગ્યા. ભાગતા દુશ્મનોની પછવાડે રતનજી પડયો. લોહી નીતરતી કાયા લથડતી જાય છે. રતનજી જોષી ભુજામાં રહેલી છેલ્લી શક્તિને ભેગી કરીને ભાગતા દુશ્મનો ઉપર ધારિયાની પ્રાછટ ઝીંકતો જાય છે. ગાંગડા ગામના પાદર સુધી તગડીને રતનજી જોષી પડયો.
(નોંધ : પૂ.રતનજીબાપા દલવાડીઆ જોષીના શુરાપુરા તરીકે આજે પણ પૂજાય છે.)
ધરતી નો ધબકાર – દોલત ભટ્ટ ©️
આપણી સંસ્કૃતિ આપણો વારસો ™️
તસ્વીર પ્રતિકાત્મ છે 🔰