Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પોપટભાઈનું_મામેરું

એક બાઈ હતી.. એણે ફળિયામાં જામફળી વાવી હતી.. એમાં ફળ આવવા માંડ્યા.. જામફળ કાચા હતા , ત્યારે જ એક પોપટ આવીને બેસતો.. અને પાકું ફળ ગોતતો.. બાઈ રોજ પોપટને ઉડાડી મુકતી..
એક દિવસ એક જામફળ પાક્યું.. પોપટ આવીને ખાવા જતો હતો , ત્યાં બાઈએ એને ઉડાડી મુક્યો.. એ દુર જઈને બેઠો.. બાઈએ પાકેલું ફળ તોડી લીધું.. પોપટે કહ્યું..
” બેન , મને જામફળ બહુ ભાવે.. થોડુંક આપને..”
બાઈએ અડધું જામફળ આપ્યું..” લે ભાઈ પોપટ.. તું પણ અડધું ખા..”
પછી તો રોજ પોપટ આવે.. “ બેન , મને કંઈક ખાવાનું આપને..”
એ બાઈ રોજ નવું નવું ખાવાનું આપે..
એક દિવસ રોજની જેમ પોપટ આવ્યો.. બાઈએ ખાવાનું આપ્યું .. પણ એ ઉદાસ હતી..
પોપટે પુછ્યું ” બેન , આજે તું ઉદાસ કેમ છો ? ”
બાઈએ કહ્યું ” મારી નણંદના લગ્ન છે.. મારી સાસુએ મને કહ્યું છે કે ‘ તારા ભાઈને કહેજે કે સારું મામેરું લઈ આવે..’ મારે કોઈ ભાઈ નથી.. મારી જેઠાણીનો ભાઈ ખુબ શાહુકાર છે.. એ મામેરામાં કપડાં ઘરેણા લાવશે.. બધા મારી હાંસી કરશે..” એમ કહેતાં એ રડવા લાગી..
પોપટે કહ્યું ” બેન , મુંઝાઈશ નહીં.. હું તારો ભાઈ.. એનાથી સવાયું મામેરું લઈ આવીશ..” એમ કહી એ ઉડી ગયો..
પોપટે વિચાર કર્યો.. રાજાની રાણીને રાજી કરું તો મોટું મામેરું મળે..
એ ઉડતો ઉડતો જંગલમાં ખુબ દુર ગયો.. ત્યાં સોનેરી રંગના , ખુબ સુવાસ વાળા ફુલનું ઝાડ હતું.. તેણે એક સરસ ફુલ તોડ્યું.. અને આવ્યો રાજમહેલ પાસે.. રાણી ઝરુખામાં બેઠી હતી , ત્યાં જઈને બેઠો.. રાણી તો ફુલના રંગ અને સુવાસથી દંગ થઈ ગઈ.. દાસીને હુકમ કર્યો .. “ આ પોપટને થાળ ભરીને ખાવાનું આપો..”
પોપટ બોલ્યો.. “ રાણી સાહેબા.. મારે ખાવાનું નથી જોઈતું.. મારી બેનનું મામેરું ભરાવી દ્યો.. તો ફુલ આપું..”
રાણીએ કહ્યું ” બોલ , શું જોઈએ તારે બેનના મામેરામાં..? ”
પોપટે કહ્યું ” એક સોનાનો હાર , બે કંગન ને સાત સાડી.. રાજના ઢોલી શરણાઈયા વગાડતા આવે.. ને હું પાલખીમાં બેસીને મામેરું આપવા જાઉં.. એટલું કરી દ્યો .. તો ફુલ આપું..”
રાણીએ તરત જ દાસ દાસીઓને પોપટ કહે તેમ કરવા હુકમ કર્યો.. પોપટે રાણીને ફુલ આપ્યું..
આ બાજુ મામેરા ભરવાનો સમય થતો હતો.. બાઈને એમ .. કે બિચારો પોપટ શું લાવશે..
પણ ત્યાં તો ઢોલ નગારા , શરણાઈ સંભળાઈ.. પોપટ પાલખીમાં બેસીને બહેનનું મામેરું લઈને આવ્યો..
બાઈએ હેતથી પોપટભાઈ અને મામેરાને વધાવ્યાં..
જુઓ , ભાઈ બહેનનો પ્રેમ.. ને જીવતાં શીખો એમ..

  • જયંતીલાલ ચૌહાણ ૨૪-૫-૨૧
    દાદીમાની વારતાઓ જેવી જુની શૈલીમાં આ બાળવાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે.. આપના અભિપ્રાય આવકાર્ય છે..

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s