
શ્રી નારાયણ દાભડકર નાગપુરમાં એમની દીકરી સાથે રહે છે. 85 વર્ષના નારાયણકાકા પણ કોરોના સંક્રમિત થયા. ઘરે સારવાર ચાલતી હતી પણ ધીમે ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું. નારાયણકાકાની દીકરીએ પિતાને હોસ્પિટલાઈઝ કરવા ખૂબ દોડા દોડી કરી પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાથી મહામુસીબતે એક હોસ્પિટલમાં બેડ મળ્યો.
નારાયણકાકાની દીકરીની વહુ એના નાનાજી સસરાને લઈને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલના એડમીન કાઉન્ટર પર દાખલ કરવાની ફોર્માંલીટી ચાલતી હતી ત્યારે ત્યાં એક 40 વર્ષની સ્ત્રી એના નાના દીકરા અને ગંભીર હાલતમાં રહેલા પતિ સાથે પહોંચી. એ એના પતિને દાખલ કરવા વિનંતી કરતી હતી પરંતુ ડોક્ટર અને હોસ્પિટલ લાચાર હતા કારણકે એક પણ બેડ ઉપલબ્ધ નહોતો.
નારાયણકાકાએ પેલી બહેનને રડતી અને કાકલૂદી કરતી જોઈ એટલે કાઉન્ટર પરની જવાબદાર વ્યક્તિને કહ્યું, ‘ભાઈ શુ ખરેખર તમારી પાસે હવે કોઈ બેડ નથી ? એક કામ કરો મારો બેડ આ બહેનના પતિને આપી દો હું ઘરે રહીને સારવાર લઈશ.’ ડોક્ટરે કહ્યુ, ‘કાકા, તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે હોસ્પિટલમાં દાખલ થયા વગર નહિ બચી શકો ?’
નારાયણકાકાએ કહ્યું, ‘ભાઈ, મને 85 વર્ષ થયાં. મેં પૂરું જીવી લીધું છે અને મને સંતોષ છે આટલા જીવનથી. મારા કરતાં આ યુવાનનું જીવન બચાવવું વધુ જરૂરી છે કારણકે આ નાના બાળકને એના પિતાની વધુ જરૂર છે. હું આપને કહું છું કે મારો બેડ આ બહેનના પતિને આપી દો હું એ માટેની આપને લેખિત સંમતિ આપું છું અને મારી સહી પણ કરી આપું છું. હોસ્પિટલ મેનેજમેન્ટએ નારાયણકાકાને ખૂબ સમજાવ્યા પણ એકના બે ન થયા.’
નારાયણકાકાએ સાથે રહેલી દીકરીની વહુને કહ્યું, ‘ તારી સાસુને ફોન લગાવ એટલે હું એને પણ આ વાત કરી દઉં જેથી આપણે ઘરે પાછા જઈએ ત્યારે એ તને કાંઈ ન કહે.’ ફોન પર કાકાએ દીકરીને આ વાત કહી. દીકરી વાત સ્વીકારવા તૈયાર નહોતી પરંતુ અંતે દીકરી પણ પિતાની જીદ સામે હારી ગઈ.
નારાયણકાકા પેલી સાવ અજાણી બાઈના પતિને પોતાનો બેડ આપીને તૂટતા શ્વાસે પૂર્ણ સંતોષ સાથે ઘરે પહોંચ્યા અને ત્રણ દિવસ બાદ ભગવાનના ઘરે પહોંચ્યા.
શ્રી નારાયણ દાભડકર જેવા મહાપુરુષે એક માણસનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો અને આપણે બિનજરૂરી સંગ્રહખોરી કરીને કેટલાના જીવ લઈ રહ્યા છીએ. સંગ્રહખોરી બંધ કરીને માણસની સાથે માનવતાને પણ બચાવી લઈએ.