Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Atomic Habits Book Summary In Gujarati – પ્રસ્તાવના

હાઇસ્કૂલમાં બેઝબોલ રમતા રમતા એક છોકરો અકસ્માતે એટલી ગંભીર રીતે ઘવાયો કે એ કોમામાં જતો રહ્યો. એક વર્ષ પછી જ્યારે એ સાજો થઈને પાછો ફર્યો ત્યારે એને ખબર પડી કે એને યુનિવર્સિટીની બેઝબોલ ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો છે. એ ચાર વર્ષની ઉંમરથી આ રમત રમી રહ્યો હતો અને એક એવી વ્યક્તિ જેણે પોતાનું સર્વસ્વ આ રમતને આપી દીધું હોય એની માટે આવી રીતે ટીમમાંથી અલગ થવું ખાસ્સું અપમાનજનક હતું. એ પોતાની ગાડીમાં બેસીને રડવા લાગ્યો અને મૂડ સુધારવા માટે રેડિયો પર કોઈ સારું ગીત શોધવા લાગ્યો.

અકસ્માત થવાના બે વર્ષ પછી એની જિંદગીમાં એક નિર્ણાયક વળાંક આવ્યો, જ્યારે એણે ડેનિસન યુનિવર્સિટીની કોલેજમાં જવાનું શરૂ કર્યું. ત્યાં જઈને એને ખબર પડી કે નાની નાની આદતોમાં કેટલી તાકાત હોય છે. પછી તો એને ડેનિસન યુનિવર્સિટીમાં ટોચના પુરુષ રમતવીર તરીકે પસંદ કરાયો અને એનું નામ ઇએસપીએન એકેડેમિક ઓલ-અમેરિકા ટીમમાં હતું – જે સન્માન આખા દેશમાં ફક્ત 33 ખેલાડીઓને જ મળ્યું હતું. ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધીમાં એનું નામ કોલેજની જુદી જુદી રેકોર્ડ્સ બુક્સમાં આઠ શ્રેણીઓમાં લખાઈ ચૂક્યું હતું. યુનિવર્સિટીના સર્વોચ્ચ શૈક્ષણિક સન્માન પ્રેસિડેન્ટ મેડલથી એને નવાજવામાં આવ્યો.

આ બધું કેવી રીતે શક્ય બન્યું? કઈ રીતે એ છોકરાએ આટલી બધી સફળતા મેળવી? જવાબ છે આદતો. નાની-નાની આદતો જેણે આગળ જઈને મોટું સ્વરૂપ ધારણ કરીને સકારાત્મક પરિણામ આપ્યું. કેવી રીતે આદતો આપણને સફળતા કે નિષ્ફળતા સુધી દોરી જાય છે? કેવી રીતે સારી આદતો બનાવવી અને ખરાબ આદતોથી છૂટકારો મેળવવો? આ બધી જ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે એટોમિક હેબિટ્સ નામના પુસ્તકમાં. અને ઉપર જે છોકરા વિશે વાત કરી એ છોકરો એટલે આ પુસ્તકનાં લેખક. મિત્રો આવનારા દિવસોમાં હું તમારી સાથે પુસ્તકમાંથી કેટલીક વાતો શેર કરીશ. જેથી તમે પણ એનો લાભ લઈને તમારા જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી શકો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹MUST READ💐

એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’ બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.

બીજા દિવસથી બીરબલના ઘરે બકરાનું રૂટિન શરુ થઇ ગયું. શાહી ગમાણમાંથી પુષ્કળ તાજો પોષ્ટીક ચારો આવે અને બકરો આખો દિવસ ખાધા કરે. આટલું ઓછું હોય એમ રોજ પશુચિકીત્સક આવીને બકરાની તપાસ કરી જાય અને બકરાની ઈમ્યૂનિટી વધે એ માટેના ઔષધો ખવડાવતો જાય! સ્વાભાવિક રીતે જ બકરો તાજોમાજો થવા લાગ્યો અને બે-પાંચ દિવસમાં જ એનું વજન વધવા માંડ્યું. બીરબલને ફિકર પેઠી કે આ રીતે જ જો બકરો અલમસ્ત થતો જશે તો પોતાનું જેલ જવું નક્કી છે. ઘણું વિચાર્યા બાદ એના ફળદ્રુપ ભેજામાં એક યુક્તિ આવી અને તેણે એ અમલમાં મૂકી. મહિના પછી ભર્યા દરબારમાં બકરાનું વજન કરવામાં આવ્યું, સૌના આશ્ચર્ય વચ્ચે બકરાનું વજન વધવાનું તો દૂર ઉપરથી ઘટ્યું! દરબારીઓમાં ગણગણાટ શરુ થયો કે નક્કી આમાં બીરબલની કોઈ ચાલ છે, બધાએ અકબરને આ કેવી રીતે શક્ય બન્યું તેનો ખુલાસો કરવાનો હુકમ કરવાની વિનંતી કરી. અકબરની આંખોમાં પણ સંદેહ હતો, તે પામીને બીરબલે કહ્યું ‘જહાંપનાહ, આમાં મારી કોઈ ચાલાકી નથી. હું અને મારી પત્ની, રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે, ગુસપુસ કરતા હતા કે બાદશાહ બકરાની આટલી ખાતિરદારી એટલા માટે કરે છે કે મહિનો પૂરો થાય પછી એને વધેરવામાં આવે ત્યાં સુધીમાં એ અલમસ્ત થઇ ગયો હોય! બકરાના મનમાં ફડક પેઠી અને ખાધેલું વળવાને બદલે ચિંતામાં શરીર ગળવા માંડ્યું!’


‘મોરલ ઓફ ધ સ્ટોરી’ તમારી આજુ-બાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારું પોષણ, ઇમ્યુનીટી બુસ્ટર્સ અને ફિઝિકલ ઇમ્યુનીટી બધું કોરાણે રહી જાય છે. જેવી બકરાને આવનારા ભવિષ્યની ફડક પેઠી કે એ અંદરથી ગળવા માંડ્યો, ઉત્તમ પોષણ-રોગપ્રતિકારક ઔષધો છતાં! દેખીતી રીતે નિરોગી પરંતુ અંદરથી અસ્વસ્થ! તમારી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ મળશે, બધા રિપોર્ટ નોર્મલ અને છતાં બીમાર!!

ચિંતા, ભય, તણાવ, અસલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કઈં ના હોઈ શકે. (એ વાત અલગ છે કે બધા આ વાત સહજતાથી સ્વીકારતા નથી.) તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સતત ચિંતાઓ, તણાવ, અજંપો વગેરે તમારા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે કે મગજમાં ન્યુરો-કેમિકલ્સના લેવલમાં ગરબડ પેદા કરી દે ત્યારે બચાવમાં આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી જ મદદમાં આવતી હોય છે.માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. ઘણી વ્યક્તિઓ તો જીવનમાં આવેલી હકીકતો પચાવી જ નથી શકતી. સરવાળે, સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેમની ઇમ્યુનીટી પર નકારાત્મક અસર પડતી હોય છે, જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે. મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે, હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઈ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત થતી જાય છે અને એથી ઉલટું, જેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત તેટલી વધુ સરળતાથી તમે ન્યુ-નોર્મલને એડજસ્ટ થઇ જાવ છો !

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી.
રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી, ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું.
બોટ… ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ?
પોતાના મને જ તેણે જવાબ આપ્યો કે ‘જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે’.
દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો.
થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી.
ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા.
ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.
ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે.
રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું, અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી, અને આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી.
સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો.
ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા અને કહ્યું, “અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે !”
એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયા ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!!
કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી. સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગે છે..

🙏🏻🙏🏻 બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે રહેજો. ઇશ્વર કઇંક સારો રસ્તો બતાવશે🙏🏻
મિત્રો સાથે મળીને હકારાત્મક વાતાવરણ ઊભું કરીએ… ચારે બાજુ નેગેટીવિટી જ ફેલાયેલી છે ત્યારે આપણે બને તો સારા મેસેજ જ પાસ કરીએ ધન્યવાદ🙏🙏🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શ્રી નારાયણ દાભડકર નાગપુરમાં એમની દીકરી સાથે રહે છે. 85 વર્ષના નારાયણકાકા પણ કોરોના સંક્રમિત થયા. ઘરે સારવાર ચાલતી હતી પણ ધીમે ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું. નારાયણકાકાની દીકરીએ પિતાને હોસ્પિટલાઈઝ કરવા ખૂબ દોડા દોડી કરી પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાથી મહામુસીબતે એક હોસ્પિટલમાં બેડ મળ્યો.

નારાયણકાકાની દીકરીની વહુ એના નાનાજી સસરાને લઈને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલના એડમીન કાઉન્ટર પર દાખલ કરવાની ફોર્માંલીટી ચાલતી હતી ત્યારે ત્યાં એક 40 વર્ષની સ્ત્રી એના નાના દીકરા અને ગંભીર હાલતમાં રહેલા પતિ સાથે પહોંચી. એ એના પતિને દાખલ કરવા વિનંતી કરતી હતી પરંતુ ડોક્ટર અને હોસ્પિટલ લાચાર હતા કારણકે એક પણ બેડ ઉપલબ્ધ નહોતો.

નારાયણકાકાએ પેલી બહેનને રડતી અને કાકલૂદી કરતી જોઈ એટલે કાઉન્ટર પરની જવાબદાર વ્યક્તિને કહ્યું, ‘ભાઈ શુ ખરેખર તમારી પાસે હવે કોઈ બેડ નથી ? એક કામ કરો મારો બેડ આ બહેનના પતિને આપી દો હું ઘરે રહીને સારવાર લઈશ.’ ડોક્ટરે કહ્યુ, ‘કાકા, તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે હોસ્પિટલમાં દાખલ થયા વગર નહિ બચી શકો ?’

નારાયણકાકાએ કહ્યું, ‘ભાઈ, મને 85 વર્ષ થયાં. મેં પૂરું જીવી લીધું છે અને મને સંતોષ છે આટલા જીવનથી. મારા કરતાં આ યુવાનનું જીવન બચાવવું વધુ જરૂરી છે કારણકે આ નાના બાળકને એના પિતાની વધુ જરૂર છે. હું આપને કહું છું કે મારો બેડ આ બહેનના પતિને આપી દો હું એ માટેની આપને લેખિત સંમતિ આપું છું અને મારી સહી પણ કરી આપું છું. હોસ્પિટલ મેનેજમેન્ટએ નારાયણકાકાને ખૂબ સમજાવ્યા પણ એકના બે ન થયા.’

નારાયણકાકાએ સાથે રહેલી દીકરીની વહુને કહ્યું, ‘ તારી સાસુને ફોન લગાવ એટલે હું એને પણ આ વાત કરી દઉં જેથી આપણે ઘરે પાછા જઈએ ત્યારે એ તને કાંઈ ન કહે.’ ફોન પર કાકાએ દીકરીને આ વાત કહી. દીકરી વાત સ્વીકારવા તૈયાર નહોતી પરંતુ અંતે દીકરી પણ પિતાની જીદ સામે હારી ગઈ.

નારાયણકાકા પેલી સાવ અજાણી બાઈના પતિને પોતાનો બેડ આપીને તૂટતા શ્વાસે પૂર્ણ સંતોષ સાથે ઘરે પહોંચ્યા અને ત્રણ દિવસ બાદ ભગવાનના ઘરે પહોંચ્યા.

શ્રી નારાયણ દાભડકર જેવા મહાપુરુષે એક માણસનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો અને આપણે બિનજરૂરી સંગ્રહખોરી કરીને કેટલાના જીવ લઈ રહ્યા છીએ. સંગ્રહખોરી બંધ કરીને માણસની સાથે માનવતાને પણ બચાવી લઈએ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Gujarati PDF Books:
એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ગભરામણ, ચિંતા અને ડરથી ધ્રુજી રહેલા અવાજમાં તેમણે મને કહ્યું, ‘સર, ઈમરજન્સી છે. બે મિનીટ વાત થશે ?’. સાવ જ અપરિચિત વ્યક્તિના અવાજમાં રહેલી એ વેદના મને બહુ પરિચિત લાગી. મેં કહ્યું, ‘અફકોર્સ.’ તેમણે કહ્યું, ‘હું વડોદરાથી એક મમ્મી બોલું છું. મારો દીકરો અત્યારે જયપુરમાં એન્જિનિયરીંગ ભણે છે. છેલ્લા ઘણા સમયથી એ બીમાર રહે છે. એનું શારીરિક સ્વાસ્થ્ય સારુ નથી રહેતું. અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે…’

આ સાંભળીને મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું. એમણે લીધેલા નાનકડા પોઝમાં મેં મનોમન પ્રાર્થના કરી લીધી કે આ સ્યુસાઈડ નોટ ન હોય તો સારું.

‘અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે જીવવાની મજા નથી આવતી. મારે આવું જીવન નથી જીવવું.’ જયપુર રહેલા દીકરાએ કરેલો આખો મેસેજ તેમણે મને ફોન પર રડતા રડતા વાચી સંભળાવ્યો. એ મેસેજ નિરાશા અને હતાશાથી છલોછલ હતો. ડાઉટ અને ડિપ્રેશનથી ભરપુર હતો. એક રીતે એ મેસેજ, જિંદગીની લડાઈમાં સંઘર્ષો સામે હથિયાર હેઠા મૂકી દીધાની કબુલાત હતી. જીવનમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની એક ગર્ભિત, ગંદી અને ડરામણી બદબૂ આવતી’તી એ મેસેજમાંથી.

એ મેસેજ પૂરો વાચીને તેમણે મને કહ્યું, ‘એ મારાથી સાતસો કિલોમીટર દૂર છે. મને ડર છે કે એ ક્યાંક…’ એમનું વાક્ય અધૂરું રહ્યું. બહુ જ પ્રામાણિકતાથી કહું છું કે બે સેકન્ડ માટે મારી સામે આયેશાનું પુનરાવર્તન થતું હોય એવું લાગ્યું.

આવા સમયે શું કરી શકીએ આપણે ? અચાનક કોઈ હાઈ-રાઈઝ બિલ્ડીંગ, રીવર-ફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણું બાળક અચાનક મેસેજ કરે કે ‘જીવવાની મજા નથી આવતી’, ત્યારે શું કરી શકીએ આપણે ? અને ખાસ કરીને ત્યારે, જ્યારે આપણું બાળક આપણાથી જોજનો દૂર હોય.

સાચું કહું તો થોડીવાર માટે હું બ્લેન્ક થઈ ગયેલો. મને સમજાતું નહોતું કે મારે તેમને શું કહેવું. મેં એમને કહ્યું કે ‘એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો. અથવા વિથાઉટ એની ડીલે, તમે ત્યાં પહોંચી જાવ. એને એકલો ન રહેવા દો. એના મિત્ર સાથે વાત કરો.’ પણ એ સમયે મારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તેમણે બરાબર પકડી લીધું. મેં કહેલું, ‘તમારી પૂરી ઈમોશનલ એનર્જી ખર્ચીને, તમે પણ એને એક મેસેજ કરો. તમે એક મમ્મી છો. અને મમ્મી તરફનો ભાવનાત્મક લગાવ મૃત્યુના બળ કરતા અનેકગણો વધારે મજબૂત હોય છે.’

એ પછી એમણે એક મેસેજ ડ્રાફ્ટ કર્યો. એ મેસેજ વાચ્યા પછી નેક્સ્ટ અવેલેબલ ફ્લાઈટ પકડી એમનો દીકરો વડોદરા પહોંચી ગયો. એરપોર્ટ પર ઉભેલા મમ્મી-પપ્પાને જોઈને એના ચહેરા પર સ્માઈલ હતું. એ દોડીને એમને વળગી પડ્યો.

એની મમ્મીએ કરેલો એ મેસેજ તમારી સાથે શેર કરું છું, જેથી આ લાઈફ-સેવીંગ મેસેજ મેક્સીમમ મમ્મીઓ અને બાળકો સુધી પહોંચી શકે.


પ્રિય દીકરા,
દરેક લાઈન ધ્યાનથી વાચજે અને સમજવાનો પ્રયત્ન કરજે. તું એટલો ઈન્ટેલીજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે.

પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને, કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું. ડિપ્રેશનમાં આવ્યા વગર એ જ જગ્યાએ ઉભા રહીને, તે સમય પસાર થવાની પ્રતીક્ષા કરે છે. પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે. કારણકે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે. સમયની ગતિ પર ભરોસો હોય છે. અડિખમ ઉભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ તેમને વસંત સુધી પહોંચાડે છે. સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે. સુક્કી અને મૃત:પ્રાય થઈ ગયેલી ડાળખીમાં કુંપળો ફૂટે છે, નવા પર્ણો આવે છે, ફૂલો ઉગે છે.

વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા. બસ, બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે. તેઓ આત્મહત્યા નહીં, સમર્પણ કરે છે.

તો મારા વહાલા દીકરા, તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે વસંતની પ્રતીક્ષા કરજે. એન્ડ બીલીવ મી, નક્કી કોઈ ચમત્કાર થશે. તારી અંદર કશુંક દિવ્ય, નવ્ય અને ભવ્ય અંકુરિત થશે.

તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ ? અથવા તો કશું કરી શકીશ કે નહીં ? એ વિશે તને શંકા છે. તો માય ડીયર સન, Even at this age મને અને તારા પપ્પાને પણ એ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું ? જીવન એ કોઈ કોંક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈ-વે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે બેટા. અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહિયાં કશું જ પૂર્વ-નિર્ધારિત નથી હોતું. આવનારી પ્રત્યેક ક્ષણ Unpredictable હોય છે.

મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે. ટ્રેઈનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો. જીવનના દરેક સ્ટેશન પર ‘ફેરિયાઓ’ અલગ અલગ પરીસ્થિતિઓ ઓફર કરશે. દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે. મન ભરીને આ મુસાફરી માણી લેજે. કોઈ સ્ટેશન કાયમી નથી. કોઈ સ્વાદ પરમેનન્ટ નથી.

Its okay.. not to feel okay. પણ હતાશા કે ડિપ્રેશનની એ લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો. કોઈ સ્ટેશન પર ટ્રેઈન લાંબો સમય રોકાતી નથી, માટે અકાળે જંપ મારીને ઉતરી ન જતો. તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. જિંદગીની ગાડી ખોટવાઈ જાય, તો એને રીપેર કરવાની હોય. છોડી ન દેવાની હોય.

એક કામ કર. તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે. ન ઘર, ન પૈસો. કશું જ ન હોવા છતાં, જે આનંદ અને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. ન પગમાં પહેરવા ચપ્પલ મળે છે, ન પહેરવા માટે કપડા. અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે. એકબીજાની મસ્તી કરતા હોય છે. હસતા હોય છે. ખુશ રહેતા હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે કારણકે ઈશ્વરે જેટલું આપ્યું છે, એટલામાં ખુશ રહેતા તેમને આવડે છે.

તારી જાતને એમની સાથે કમ્પેર કરજે. ઈશ્વરનો આભાર માનવા માટે, તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે. છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે. તકલીફો, ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ, તો દરેક ક્ષણે જીવન નકામું લાગશે.

બસ, જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે. પછી જો, આખી દુનિયા ચમત્કાર લાગશે.

Love you a lot. Take care. આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં, સ્માઈલ હોય.


અત્યારે એ દીકરો એના મમ્મી-પપ્પા સાથે છે. ડિપ્રેશનમાંથી રીકવર થઈ રહ્યો છે. જિંદગીને વહાલ કરવાનું શીખી રહ્યો છે. દરેક બાળક માટે સૌથી મોટા ફિલોસોફર, કાઉન્સેલર કે મનોચિકિત્સક એના ઘરમાં જ રહેલા હોય છે, અને એ હોય છે એના મમ્મી-પપ્પા.
-ડૉ. નિમિત્ત ઓઝા