આજે શહિદ દિને
એક વખત એવું બન્યું કે……….
સરદાર ભગતસિંહે પોતાના પિતા કિશનસિંહને એક પત્રમાં લખ્યું કે…
“પિતાજી તમે મારી પીઠમાં ખંજર ભોકવાનું કામ કર્યું છે”
સરદાર ભગતસિંહ નું કુટુંબ ત્રણ ત્રણ પેઢીઓથી આઝાદીના જંગમાં પોતાનુ યોગદાન આપી રહ્યુ હતુ.
તેમના વડવાઓ કાશ્મીરના પ્રતાપી રાજા મહારાજ રણજીતસિંહ ની
સેનામાં ફરજ બજાવતા હતા.
તેમના દાદા અર્જુનસિંહ દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્યસમાજી હતા.તેમણે અંગ્રેજો સામે લડત ચાલુ કરેલી જે પછી દરેક પેઢીએ જાળવી રાખી.
ભગતસિંહ ના પિતા સરદાર કિશનસિંહ તેમજ તેમના કાકા અજીતસિંહ અને સ્વર્ણસિંહ બધા “ગદર પાર્ટી” પાર્ટીના સભ્યો હતા. જે આઝાદીનાં જંગમાં સક્રિય હતી.જેના માટે તેમના કાકાને દેશનિકાલની સજા પણ થયેલી.
ભગતસિંહનો જન્મ લયાલપુર જિલ્લાના બંગા નામના ગામમાં થયેલો જે અત્યારે પાકિસ્તાનમાં છે. દાદાએ અંગ્રેજોની સ્કૂલમાં મોકલવાને બદલે ભગતસિંહ ને “દયાનંદ એન્ગલો વેદિક હાઈસ્કૂલ” માં દાખલ કર્યા અને ત્યારબાદ નેશનલ કોલેજ લાહોરમાં દાખલ થયા. ત્યાં તેમને તેના જેવા નારબંકાઓ મળ્યા અને “નવજવાન ભારત સભા” ની રચના કરી,
દરમ્યાન ચંદશેખર આઝાદ , રામપ્રસાદ બિસ્મિલ,શહીદ અસફાકુલ્લા ખાન એક ગુપ્ત ક્રાંતિકારી સંગઠન ચલાવતા તેમાં પણ જોઈન થયા. તેનું નામ ” હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન” હતું.
દરમ્યાન તેમણે “કીર્તિ કિસાન પાર્ટી”
તેમજ “હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન” નામની રાજકીય પાર્ટીઓની રચના આઝાદીની લડત ચલાવવા માટે કરી.
ભગતસિંહ ફક્ત બૉમ્બ ફેકનાર અને ગોળી ચલાવી જાણનાર યુવાન જ નહોતા પણ એક પ્રખર વૈચારિક પ્રતિભા પણ તેનામા સોળે કળાએ ખીલેલી હતી. તેમણે અઢળક પુસ્તકો વાંચ્યા હતા. ખાસ કરીને માર્કસવાદી પુસ્તકો લેનીનની જીવની રશિયાની ક્રાંતિ વગેરેના પુસ્તકો ખૂબ વાંચતા. જેલમાં તેમને પુસ્તકો પુરા પાડનાર તેમના વકીલ પુસ્તકો લાવીને થકી જતા પણ ભગતસિંહ વાંચતા થાકતા નહીં.
ભગતસિંહે આઝાદી ,સમાજ,રાજ્ય,ભાષા,જાતિવાદ વગેરે વિશે ખૂબ લખ્યું પણ છે. જે લખાણ ખુબજ ઉચ્ચ દરજ્જાનું છે. કમનસીબે તેમણે જેલમાંથી લખેલ ચાર પુસ્તકો હવે આપણી પાસે ઉપલબ્ધ નથી.
નાનપણમાં સતત ગાયત્રીમંત્રનો જાપ કરનાર આર્યસમાજી ભગતસિંહ યુવાન બનતા વેચારિક રીતે પુખ્ત થતા “નાસ્તિક” બન્યા. જે વિશે તેમણે લખેલ લેખ
“મેં નાસ્તિક કયો હું ?” અદભુત અને વાંચવા લાયક છે.
તો આવા આ ભગતસિંહ કે જેના પિતા પણ પ્રખર ક્રાન્તિવીર હતા તેમણે પોતાના પિતાને શા માટે તેવું લખ્યું હશે ???
વાત જાણે એમ હતી કે ભગતસિંહ અને તેમના સાથીઓએ અંગ્રેજ પોલીસ ઓફિસર “જ્હોન સોન્ડર્સ” ને ગોળીએ દીધો તે “લાહોર કોન્સપીરન્સી” કેસમાં અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને એકતરફી કેસ ચલાવી ફાંસીની સજા ફટકારી હતી.
ભગતસિંહ ને ફાંસીની સજાથી બચાવવા માટે ગાંધીજી સહિતના લોકો કોશિશ કરી રહ્યા હતા.
પણ ભગતસિંહે પોતાના પરિવાર તેમજ અન્ય લોકોએ પોતાનો બચાવ ન કરવા માટે કહેલું હતું તેમણે બ્રિટિશ ગર્વમેન્ટ ને એક પત્ર લખેલો કે મને વોર પ્રિઝનર માનવામાં આવે અને મને ફાંસી નહિ પણ ફાયરિંગ સ્કોડની સામે ઉભો રાખી ગોળી મારી સજા દેવામાં આવે. કારણકે ભગતસિંહ માનતા હતા કે કાંતિકારીઓએ તો બલિદાન જ દેવાનું હોઈ તેમણે કોઈ બચાવ કરવાનો ના હોઈ.
પણ બાપનું દિલ તો બાપ નું દિલ છે.
એમણે અંગ્રેજ સરકાર ને ભગતસિંહ ને માફી આપવા અરજ કરતો પત્ર લખ્યો હતો.
જેની જાણ થવાથી ભગતસિંહે પોતાના પિતાને કહેલું કે તમે અંગ્રેજી સરકારને માફીની દરકાર કરતો પત્ર લખી “મારી પીઠ પર ખંજર ભોક્યું છે.” અને ફાંસીના દિવસે પણ ગીત ગાતા ગાતા ખુશીથી ફાંસીના ફંદે જુલી ગયા.
28 સપ્ટેમ્બર 1907માં જન્મેલા આવા આ નરકેશરીને આજે નક્કી કરેલા દિવસ કરતા એક દિવસ આગાઉ પોતાના બે ક્રાંતિકારી મિત્રો રાજ્યગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપી દેવામાં આવેલી.
ત્યારે તેમને શત: શત: નમન કરીને એટલુ જ કહેવાનું કે આ સરકાર કે તેના પછીની કોઈપણ પક્ષની સરકાર તમને ભારતરત્ન આપે કે ના આપે અમારા હૃદયમાં તમે હંમેશા…….
ભારત રત્ન હતા.
ભારતરત્ન છો.
અને ભારતરત્ન રહેવાના.
અસ્તુ
નિલેશ વૈષ્ણવ
નિલેશ વૈશ્નવ