કોઈ એક નગરમાં હોશિયારચંદ નામનો રાજા રહેતો હતો. એ એટલો હોશિયાર હતો કે નાનપણમાં તેના પેપરમાંથી જોઈ જેટલા વિદ્યાર્થીએ લખ્યું બધા નાપાસ થઈ ગયા. જ્યારે હોશિયારચંદ રાજા અતિબુદ્ધિશાળીનો પુત્ર હોવાથી પાસ થઈ ગયો.
એક વખત હોશિયારચંદ જંગલમાં શિકાર કરવા જતા માર્ગ ભટકી ગયો. બે દિવસની રઝળપાટના અંતે તેને નગર તરફ જવાનો રસ્તો મળ્યો. એ ચાલતો જતો હતો ત્યાં એક રાક્ષસ તેની સામે આવી ગયો. તેણે હોશિયારચંદને કહ્યું, ‘જો તને તારો જીવ વ્હાલો હોય તો સાત દિવસની અંદર અંદર મને એક અનુવાદકનો પ્રબંધ કરી આપ, જે મારા પુસ્તકનો અનુવાદ કરી શકે. જો તું મારા માટે સારો અનુવાદક નથી શોધતો તો હું તારા નગરમાં આવી તારા કટકા કરી નાખીશ.’
રાક્ષસે રાજાને સાત દિવસનો સમય આપ્યો અને જવા દીધો. આ વાત તેણે તેના મંત્રીને કહી કે, ‘આટલા મોટા નગરમાં એક સારો અનુવાદક ક્યાંથી શોધવો?’
મંત્રીએ સોના ચાંદીથી ભરેલું ગાડુ નગરમાં સૈનિકો સાથે ઘુમાવ્યું અને ઢંઢેરો પીટ્યો કે, જે કોઈ રાક્ષસની કૃતિનો અનુવાદ કરી આપશે તેને સોના-ચાંદીથી ભરેલું આ ગાડુ આપવામાં આવશે.
એ જ નગરમાં રાજુ નામનો એક ગરીબ અનુવાદક રહેતો હતો. તેના કાને આ વાત પડી અને તે દોડીને રાજાની સમક્ષ પ્રસ્તુત થઈ ગયો. તેણે રાજાને એ તમામ પુસ્તકો બતાવ્યા જે તેણે નામ કે પ્રતિષ્ઠાની આશા રાખ્યા વિના પ્રકાશકને અનુવાદિત કરી આપ્યા હતા. પુસ્તક પર અનુવાદકનું નામ ન હોવાથી રાજા અને મંત્રી વાત માનવા તૈયાર નહોતા.
રાજુએ તેમને હકીકત કહી, ‘મહારાજા હું જ અમેરિકાપુરના મોટાભાગના લેખકોના પુસ્તકોનો અનુવાદક છું. પ્રકાશક મારું નામ પુસ્તક પર નથી છાપતો. મેં તેને મારી પ્રથમ મૌલિક કૃતિ આપેલી જે તેણે હજુ સુધી નથી છાપી અને બસ અનુવાદનકાર્ય જ કરાવ્યા કરે છે. મારો વિશ્વાસ કરો. હું તમારી મદદ કરીશ. હું એ રાક્ષસને તેના પુસ્તકનો અનુવાદ કરી આપીશ અને તમારો જીવ બચાવીશ.’
રાજા અને મંત્રીએ તેની વાત માની અને જંગલ બાજુ ચાલી નીકળ્યા. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં રાક્ષસ આવી ગયો. તેણે રાજાને પુસ્તક આપ્યું રાજાએ તે પુસ્તક અનુવાદકને આપ્યું. પુસ્તકના મુખપૃષ્ઠને જોઈ અનુવાદક હસવા લાગ્યો અને પછી અંદરના પાનાં ખોલી વાંચ્યા તો રડવા લાગ્યો.
વેતાલે વાર્તા પૂર્ણ કરી અને વિક્રમને પૂછ્યું, ‘તો બોલ રાજા, અનુવાદક પહેલા હસ્યો અને પછી રડ્યો કેમ ? બોલ નહીં તો પાગલગઢના એક હજાર કવિઓ કોરસમાં કવિતાનું પઠન કરી તારા માથાના હજાર ટુકડા કરી નાખશે.’
રાજાએ કહ્યું, ‘સાંભળ વેતાલ. અનુવાદક રાજુ પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈ હસ્યો એટલા માટે કે પોતે સારું સર્જન કરી શકતો હોવા છતાં આવા ભંગાર સાહિત્યનો અનુવાદ કરવા જઈ રહ્યો છે અને અંદર પાનાં ખોલી રડ્યો એટલા માટે કે આ એની જ પ્રત હતી જે પ્રકાશક વર્ષોથી સાચવીને બેઠો હતો.’ વેતાલ ઉડીને સિદ્ધવડ પર લટકી ગયો.
~ મયૂર ખાવડુ
Copied from WhatsApp.