મકરસંક્રાંતિને પતંગ સાથે વાસ્તવમાં કોઈ સંબંધ નથી.
મનુષ્ય ઊડી શકતો હોત તો ? આ કલ્પના રોચક જરુર લાગે છે. પરંતુ તે શક્ય નથી એ મનુષ્યને સદીઓ પહેલાં સમજાઈ ગયું હતું. ન ઊડી શકવાની મર્યાદામાંથી પતંગ અને વિમાનનું સર્જન થયું છે. માણસ શું છે ? તેના વિશે એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રી કહે છે કે ‘ મેન ઈઝ અ બન્ડલ ઓફ ડિઝાવેર્સ” (મનુષ્ય ઈચ્છાઓનું પોટલું છે.) તેની ઈચ્છાઓએ અત્યાર સુધી અનેક ચમત્કારો કર્યા છે. પતંગ આખાય વિશ્વમાં ચગાવાય છે, પરંતુ મકરસંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી. તેમ છતાં ગુજરાતમાં મકરસંક્રાંતિ અને પતંગબાજી એકબીજાના પર્યાય બની ગયા છે.
માણસની ઈચ્છા શક્તિ વિશે એડમ સ્મિથે જે વાત કરી તે અર્થશાસ્ત્ર સંબંધી હતી. પરંતુ મનુષ્યના વિકાસનો અત્યાર સુધીનો સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાક્રમ જોઈએ તો એ વિધાન ખોટું જણાતું નથી. પગે ચાલતા કે દોડતા મનુષ્યે જ્યારે પાણીમાં તરતાં પ્રાણીઓ જોયાં તો તેને પાણીમાં તરવાની ઈચ્છા થઈ. અને તે તરતાં શીખ્યો. પંખીઓને આકાશમાં ઊડતાં જોયાં તો તેને પણ ઊડવાની ઈચ્છા થઈ. પણ માણસને સમજાયું કે પોતાના શરીરથી તે ક્યારેય ઊડી નહીં શકે. તેમ છતાં તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા. આ પ્રયત્નો છેક વીસમી સદીમાં આકાર પામ્યાં, જ્યારે રાઈટ ભાઈઓએ વિમાન ઊડાવી બતાવ્યું. પરંતુ વીસમી સદી પહેલાં શું મનુષ્ય પોતાની ઊડવાની ઈચ્છા દબાવીને બેઠો હતો ? ના, તેણે એવું ન્હોતું કર્યું. આજથી લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં પોતાની ભીતર સળવળતી ઊડવાની ઈચ્છાને તેણે જુદી રીતે સંતોષી. માણસે પતંગ ઉડાડીને આકાશને આંબવાની થોડી ઈચ્છાપૂર્તી કરી. મનુષ્ય પોતે હવામાં ન ઊડી શક્યો પરંતુ હવામાં ઊડતાં પક્ષીઓના એકાધિકારને ચોક્ક્સપણે તોડી શક્યો. ત્રણ હજાર વર્ષ પૂર્વે થયેલી પતંગની શોધ એ કોઈ નાનીસુની શોધ નહોતી. પતંગની શોધ વિમાનની શોધનું પ્રથમ ચરણ કહી શકાય. પતંગની શોધ વિના હવાઈ જહાજની શોધ શક્ય જ ન બનત. કેમે કે વિમાન અને પતંગ વિજ્ઞાનના એક જ સિધ્ધાંત થકી ઊડી શકે છે. વિમાન અને પતંગના ઉડવાની ક્રિયા અને ઊપર જવાની ક્રિયા પાછળ ઉપરની હવાનું હલકું અને નીચેની હવાનું ભારે દબાણ કારણભૂત છે. પતંગ માટે કુદરતી રીતે એવી ક્રિયા થાય છે જ્યારે વિમાનમાં તેના શક્તિશાળી એન્જીન્સ દબાણ ઉત્પન કરે છે.
એ જાણીને થોડી નવાઈ લાગે કે પતંગની શોધ ચીનના બે તત્વજ્ઞાનીઓ એ કરી છે. મોઝી અને લૂ બાને પતંગ ઉડાડવાની શરુઆત કરી હોવાનું મનાય છે. શરુઆતની પતંગ અને દોર બન્ને રેશમની બનેલી હતી. આજે આખાય વિશ્વમાં પતંગબાજી મોટાભાગે મનોરંજન અને રમત-ગમતના એક ભાગરુપે થાય છે. હકીકતે પતંગનો જન્મ લશ્કરી હેતુઓ માટે થયો હતો. લશ્કરમાં સંકેત અને સંદેશાઓની આપ-લે માટે તેમજ પવનની ગતિ અને દિશા જાણવા માટે પતંગનો ઉપયોગ થતો હતો. ચીનમાં પતંગની શરુઆત થઈ જે એશિયા અને આફ્રિકામાં પ્રચલિત થઈ અને છેક મધ્યયુગમાં યુરોપમાં પહોંચી. ઈતિહાસમાં પતંગનો પ્રથમ લેખિત પુરાવો ઈ.સ,. ૯૩૦માં જાપાની ભાષાના શબ્દ શિરોષી ( કાગળનું પંખી ) રુપે મળે છે. ભારતમાં પતંગને લોકપ્રિય કરવાનું કામ રાજાઓ અને નવાબોએ કર્યું છે. નવાબો પતંગબાજીના ખાસ શોખીન ગણાતા હતા. ગુજરાત અને રાજસ્થાનના નવાબી ગામો અને કસ્બાઓમાં પતંગ ઉડાડવાનું ચલણ ઐતિહાસિક રીતે સવિશેષ જોવા મળે છે. પશ્ચિમ ભારતનાં અમદાવાદ અને જયપુર પતંગપ્રેમીઓના મોટા કેન્દ્રો ગણાય છે. વર્તમાન સમયમાં અમદાવાદની સાથે સાથે અન્ય શહેરો અને ગામોમાં ઉતરાયણના દિવસે ખાસ પતંગ ઉડાડવાનો રીવાજ જોવા મળે છે. ગુજરાતમાં પતંગ અને ઉતરાયણ બેય એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા છે કે બેયને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂરખમાં થાય. વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિને સ્નાન સૂતકનોય સંબંધ નથી.
ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉતરાયણની રાહ જોતા નથી કે ઉતરાયણને પતંગ સાથે જોડતા નથી. ગુજરાત બહાર પતંગ સાથે ૧૪મી જાન્યુઆરીને કશું લાગતું વળગતું નથી. ઉતરાયણ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે. સૂર્યની આસપાસ ફરતી આપણી પૃથ્વીનો આકાર અને તેનો પ્રદક્ષિણા પથ બન્ને ગોળ હોવાથી અડધું વર્ષ સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને અડધું વર્ષ વધારે મળે છે. ઓછા સૂર્ય પ્રકાશવાળા ગાળાને આપણે શિયાળો કહીએ છીએ. ઉતરાયણને આપણા જીવન અને જીવતા હોવા સાથે ગાઢ સંબંધ છે. ૧૪મી જાન્યુઆરીથી આપણે ( એટલે કે ભારતવાસી ) સૂર્યના સીધા ભાગ તરફ ગતિ કરીએ છીએ. જોકે ઋતુઓના ગુણદોષ જુદો વિષય છે. પરંતુ જીવનના અસ્તિત્વ સંદર્ભે અતિ ઠંડક મૃત્યુ તરફ જવાની નિશાની છે. સ્વાભાવિક રીતે જ નબળો સૂર્ય જીવનની ક્ષીણતા તરફ આંગળી ચીંધે છે. નબળો સૂરજ આપણને કંટાળો આપે છે. જોકે આ વાત વધુ સારી રીતે એ લોકો સમજી શકે છે જે ઠંડાગાર પ્રદેશોમાં વસે છે. એ પ્રદેશોમાં શિયાળો જીવન માટે પડકારજનક છે. એવા પ્રદેશો શિયાળો પૂરો થવાની રાહ જોતા હોય છે અને જ્યારે શિયાળો પૂરો થાય છે ત્યારે તેઓ અત્યંત ખુશ થાય છે. આની ખુશીમાંથી જ ઉતરાયણનો તહેવાર પ્રગટ્યો છે. ભારતમાં મકરસંક્રાંતિ એક ધાર્મિક તહેવાર ગણાય છે. પણ એ તહેવાર શિયાળો હેમખેમ પાર કર્યાના હરખનો તહેવાર છે.
મકર સંક્રાંતિ ભારતમાં વિવિધ નામે પણ ઓળખાય છે. પંજાબમાં તે લોહરી, આસામમાં બીહુ, કેરળ અને તામિલનાડૂમાં પોંગલ, ઓરીસ્સા અને આંદ્રપ્રદેશમાં સંક્રાંતિ અને બાકીના ભારતમાં મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. ભારતના તહેવારોને કૃષિજીવન સાથે સીધો સંબંધ છે. મકરસંક્રાંતિના સમયે ખરીફ પાક તૈયાર હોય છે. ખેડૂતો થોડા મુક્ત અને ખુશ પણ હોય છે. એટલે રવિ પાક અને ખરીફ પાકના કેટલાંક ધાન્યોને વધાવવાનો પણ આ તહેવાર છે. એટલે જ ઉતરાયણના દિવસે તલ. શેરડી, ઊંધિયું, તેમજ ખીચડો ખાવાની પરંપરા રહી છે. ઉતરાયણના તહેવારની સમાંતરે પતંગની પેટા સંસ્કૃતિ કઈ રીતે વિકસી તેનું દેખીતું કોઈ કારણ મળતું નથી. ગુજરાતમાં તે ખાસ વિકસી છે. અગાઉ જણાવ્યું તેમ પતંગ અને મકરસંક્રાંતિને સૈધ્ધાંતિક કે ઐતિહાસિક રીતે કોઈ જ સંબંધ નહોતો. જોકે પતંગ ચગાવવા માટે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય કોઈ કારણસર અનુકૂળ હશે. વળી શિયાળામાં ઘરમાં ભરાઈ રહ્યા પછી એક દિવસ ભરપુર તડકો માણવાની એક ઈચ્છા પણ ખરી. પતંગબાજીનો શોખ આજે ભલે નાના બાળકો થી વૃધ્ધો સુધી બધાં માણે છે. પરંતુ આ રમતમાંથી તારુણ્ય તત્વને બાદ કરો તો આનંદ ફિક્કો પડી જાય. પતંગ ઉડાડવાની સમગ્ર ક્રિયામાં યૌવનની વીજળીનો એક કરંટ પણ હોય છે. ત્યારે એ યાદ કરવું પડે કે વીજળીની શોધમાં પતંગે એક મહત્વની ભૂમિકા ભજવી છે. વિજળીના શોધક પ્રખર વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીને આકાશી વીજળીને સમજવા પતંગનો ઉપયોગ કર્યો હતો. બેન્જામીને પોતાની દિકરી સાથે એક સાહસ કર્યું. તેણે ચાલુ ગાજવીજ દરમિયાન પતંગ ચગાવવાનો પ્રયત્ન કર્યો. પતંગની ટોચે તેણે ધાતુનો વાયર મૂક્યો. દોર શણની રાખી હતી. વીજળીના ચમકારો થયો અને તે જ ક્ષણે ભીની દોર મારફતે બાપ દિકરીને વીજળીએ ઝાટકો આપ્યો. વિજળી ઉત્પન કરીને તેના દ્વારા ઉપકરણો ચલાવવા સુધીની યાત્રાનો એ એક ભયજનક પ્રયોગ હતો. જેમાં પતંગની ઐતિહાસિક ભૂમિકા હતી.
વર્તમાન સમયમાં પતંગબાજી માત્ર આનંદનો તહેવાર જ નથી રહ્યો, અનેક લોકોની પ્રત્યક્ષ રોજીનો આધાર બની રહ્યો છે. માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો પતંગનો કરોડોનો કારોબાર થાય છે. પતંગના ઉત્સવમાં જીવનની ઉલટી ફિલસૂફી જોવા મળે છે. પોતાના પતંગને સલામત રાખી બીજાની દોર કાપવાનો.
માવજી મહેશ્વરી