Posted in श्रीमद्‍भगवद्‍गीता

માગશર સુદ અગિયારસને “મોક્ષદા એકાદશી” કહેવાઇ છે.
આ દિવસે કુરુક્ષેત્રની રણભૂમિમાં વિષાદને પામેલા અર્જુનને,
“કર્મ કરવું એ જ પરમ અને શ્રેયકર કર્તવ્ય છે “
એ સમજાવતો ઉપદેશ શ્રીકૃષ્ણજી એ કરેલ, જેના અઢાર અધ્યાયના 700 સૂત્રોને ચિંતનશીલ વિદ્વાનો गीता उपनिषत् તરીકે જાણે છે,
પ્રજા આ અધ્યોયાના સમુહ ને શ્રીમદ્ ભગવત્ ગીતા કહે છે.
આ તિથીને गीताजयंती કહેવાય છે.

પુરાણોમાં મોક્ષદા એકાદશીની કથાનકમાં,
વૈખાનસ રાજાને પિતૃઓની અવગતીનું સ્વપ્ન આવે છે…;
આ કથાનકનો ઉદ્દેશ, પિતૃૠણમાંથી મુક્તિ મેળવવાં મનુષ્યોએ, નિયતી દ્વારા જે કર્મ-વ્યવસાય-વૃતિ નિર્ધારીત કરેલ હોય છે એ પુરેપુરી જવાબદારી અને ઉત્સાહથી કરવા જરૂરી છે,
એવો માર્મિક સંદેશ આપવાનો હોઇ શકે.

મહાભારત નામના કાવ્યત્મક મહાગ્રંથના, છઠ્ઠા- ભિષ્મપર્વના અધ્યાયક્રમાંક 25 થી 42 સુધી…
“કર્મના પરિણામના મોહમાં પડ્યાં વિના, માત્ર જે કર્તવ્ય આવી પડેલ હોય એને નિષ્ઠાથી કરવું એજ ધર્મ છે અથવા તો એ પોતાના માટે શ્રેયકર ફરજ છે.”
એવું બતાવતાં 745 સંવાદ-સૂત્રો લખાયેલ છે, જે પૈકી 620 શ્રીકૃષ્ણજી દ્વારા તથા 57 અર્જુન, 67 સંજય તેમજ એક સૂત્ર દ્યુતરાષ્ટ્ર દ્વારા કહેવાયેલ છે.

શ્રીમદ ભગવત્ ગીતાના શરૂઆતના 1 થી 6 અધ્યાયોમાં કર્મયોગ દ્વારા તમઃ ના પ્રભાવમાંથી બહાર આવવું અને પછીના 7 થી 12 અધ્યાયોમાં રજઃ દોષથી આવૃત ના થવાય એ માટે ભક્તિયોગનું વિવેચન છે, અંતિમ 13 થી 18 અધ્યાયમાં જ્ઞાનયોગથી સત્વઃ ગુણની પરમવૃદ્ધિ થવાથી, ધર્મ-અર્થ-કામ બાબતે સમતત્વ કેળવાઇ જતાં અંતિમ પરિણામ સ્વરૂપે કર્મબંધનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું દર્શાવેલ છે.

કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, મૂળ મહાભારતમાં, કપીલ મુનીના સાંખ્યદર્શન અને પાતંજલ યોગદર્શનના ઘણાં સમય પછી આશરે ઇ.પૂ.3066 પહેલાં આ અઢાર અધ્યાય ઉમેરાયાં હશે.

ગરુડપુરાણના અધ્યાય ક્રમાંક 233 થી 236 માં ગીતાસાર આપવામાં આવેલ છે.

અર્વાચીન ગીતાના અધ્યાયોના નામ આદિ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલ હોઇ શકે.

“ગીતા” શબ્દ, ગાવાના અર્થમાં વપરાતી ધાતુ गै નું સ્ત્રીલિંગ- કર્મણી ભૃતકૃંદતનું રૂપ છે.

આથી કદાચ ગીતાના મોટાભાગના સૂત્ર-શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે.

ગીતાનો અનુવાદ વિશ્વની મોટાભાગની ભાષાઓમાં થયેલ છે અને ઘણી ટીકાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં લોકમાન્ય શ્રી બાળગંગાધર તિલકજી કૃત ગીતારહસ્ય નામનો ગ્રંથ જીજ્ઞાસુઓ માટે ઉત્કૃષ્ટ છે.

ઓશો રજનીશજીની પ્રવચન શ્રેણી આધારીત પ્રકાશીત કરાયેલ गीतादर्शन ग्रंथ આધુનીક પરિપેક્ષ્યમાં ગીતાનો બહુઆયામી દ્રષ્ટિકોણ રજુ કરે છે.

આ મોક્ષદા એકાદશી સાથે મનુષ્યો માટે ૠતુકાળ ના આહારવિહાર ની સાપેક્ષે સ્વાસ્થય જળવાઇ રહે એ અર્થે રાજગરાનું માહાત્મ્ય જોડાયેલ છે.

રાજગરો એ તાંદળજાના વર્ગની વનસ્પતિ છે. રાજગરાની ત્રણેક પ્રજાતી ભારતમાં જોવા મળે છે, જે પૈકીની કોઇ એક પ્રજાતીને रामदाना પણ કહે છે, ગુજરાતમાં રાજગરા તરીકે ઓળખાતી પ્રજાતીનું વૈજ્ઞાનિક નામ Amaranthus Caudatus છે. આ ઉપરાંત અન્ય એક પ્રજાતી જેનું વૈજ્ઞાનિક નામ Fagopyrum Tataricum ભારતમાં થાય છે જેને અંગ્રેજીમાં BuckWheat કહે છે, આને પણ रामदाना તરીકે ઓળખ મળેલ છે.
રાજનિઘંટુમાં મગધદેશના પર્વતીય પ્રદેશમાં થતી राजगिरिः નામે એક પત્રશાક વનસ્પતિને વિદ્વાનો “રાજગરો” બતાવે છે,
રાજનિઘંટુ પ્રમાણે એના ગુણ, स्थूलस्य तु अतिशीतलत्वम् अतिरुच्यत्वञ्च । બતાવેલ છે.

પહેલાં ગામડાંના દરેક ખેડુતના ઘરઆંગણે તથા ખેતરમાં રાજગરાના લાલ-મરૂન ફુલમંજરી સાથે લહેરાતા ચાર પાંચ છોડ જોવાં મળતાં હતાં આજે કેટલાક બાગબગીચાની શોભા વધારે છે.

વીસેક વર્ષ પહેલાં ગામડાની પ્રજા વ્રત, એકાદશી-એકટાણાંમાં કરતાં ઉપવાસમાં ફરાળી વાનગીઓમાં શીરો, પુરી, ભાખરી, કે લાડુ માત્ર રાજગરાના લોટથી બનાવતી હતી, આથી તો એને કદાચ रामदाना જેવું પવિત્ર નામ ઉત્તર પૂર્વીય ભારતીય પ્રજાએ આપ્યું હશે.

ઘઉં, ચોખા, બાજરી,જુવાર, મકાઇ જેવાં ધાન્ય કરતાં પણ રાજગરો વધુ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. 100ગ્રામ રાજગરાનું પોષક મુલ્ય જોઈએ તો, કેલ્શિયમ – 159mg, પોટેશિયમ – 508 mg, મેગ્નેશિયમ – 248 mg, ઝીંક – 2.9 mg, ફોલેટ – 82 માઇક્રોગ્રામ જોવાં મળે છે, જે અન્ય ધાન્યના પોષકમુલ્ય કરતાં સાપેક્ષે વધુ છે. શીતઋતુકાલ ના ઠંડીના શરૂઆતી સમયમાં અતિગુરુ ખાદ્ય પદાર્થ ઝડપથી પચતાં નથી અને જો ખવાય તો, એસીડીટી, ગેસ અને પેટનાં દુઃખાવા સાથે ઝાડા ઊલટી થાય છે.
આથી વિચક્ષણ વ્યક્તિઓએ માગશર માસ દરમિયાન રાજગરાના સેવનને સૂચવેલ હશે.

રાજગરાના દાણાને શેકવાથી ધાણીની જેમ ફુલે-ફાટે છે, આથી વધુ સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે આવાં રાજગરાને ગોળ – ઘી સાથે પૌષ્ટિક પણ પચવામાં હલકી લાડુડી બનાવીને આ માસ દરમિયાન ખાવી આરોગ્યને ક્ષેમકારી છે.

રાજગરો ની ખેતી ઉત્તમ ઉત્પાદનમુલ્ય આપનાર છે, દીપાવલી પછી એક વિઘામાં 200 થી 250 ગ્રામ ઘરાઉ બીયારણ બાજરી ની જેમ વાવી દેવાય છે, ઓછી પીયત અને બીન ઉપજાઉ જમીનમાં પણ રાજગરો થઇ આવે છે, રાજગરાના પાકને ખાસ પ્રકાર ના ખાતર કે જંતુનાશક ની જરુરીયાત રહેતી નથી. એક વીઘા માં આશરે 200 કિલો થી વધારે ઉપજ થાય છે, ચાર મહીનાની રાજગરાની ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહીવત્ આવે છે એની સામે ફરાળી લોટ તરીકે કિલો ના 100₹. લેખે ઉત્પાદન મુલ્ય મળી શકે છે. 20 કિલો ના 1200₹. થી 1500₹. ભાવે રાજગરા-દાણાં હોલસેલમાં વેચાણ થાય છે. ખેતીપ્રધાન દેશ માટે, હલકી જમીનની ગુણવત્તાં સુધારવા રાજગરાનું વાવેતર ઉત્તમ છે, ફાલ લણી લીધા પછી રાજગરાને એજ જમીન પર પાથરી ઉપર છાણ-માટી થી Coating કરી દેવાથી ઉત્તમ ખાતર બને છે અને મુખ્યપાકમાં બીનજરૂરી નિંદણની સમસ્યા રહેતી નથી, રાજગરાનો ચારો પણ દુધાળ પાલતુ પશુઓ માટે પણ ઉત્તમ છે. પ્રાચીન સમયમાં રશિયામાં તો આ રાજગરાના એક એકર વાવેતરમાં મધમાખીની પેટી મુકીને અંદાજે 700 કિલો ખુશ્બોદાર મધ મેળવવામાં આવે છે.

પ્રજા એ પણ ફરાળી વાનગીઓમાં બટાકા, મગફળી, સાબુદાણાંને બદલે રાજગરાને પુનઃ સ્થાન આપવું જોઇએ, રાજગરાના કૂણાં પાંદડાને શાક બનાવી પણ ખાઇ શકાય છે, રાજનિઘંટુમાં राजशाकनिका પર્યાયથી રાજગરાના પત્રશાકનું પોષણ મહત્વ દર્શાવેલ છે.

પ્રજા રાજગરાના ગુણકર્મ જાણીને ઉપયોગમાં લેશે તો ખેડૂતો વાવશે ને !

પ્રજાનું સ્વાસ્થય જાળવનાર , પાલતુ દુધાળ તૃણાહારી પશુઓને ઉત્તમ પોષણ આપનાર, જમીન સુધારણા કરનાર, ખેડૂતને ઓછાં ઉત્પાદક ખર્ચ સામે ઝાઝું ઉત્પાદનમુલ્ય આપતાં આ રાજગરાને रामदाना કહ્યાં છે, એ યથાર્થ જ છે.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s