Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આજનો મંત્ર

   એક વાર આદિ શંકરાચાર્યજી પરિભ્રમણ કરતાં કરતાં એ સ્થળે આવી પહોંચ્યા જ્યાં હાલમાં વૈષ્ણોદેવીની પીઠ આવેલી છે. શંકરાચાર્યનું સ્વાસ્થ્ય અચાનક કથળ્યું. એટલે તેઓ વૈષ્ણોદેવીની ગિરીકંદરાઓમાં વિશ્રામ કરવા માટે રોકાયા. અધૂરામાં પૂરું તે સમયે અનરાધાર વરસાદ વરસવા માંડ્યો. શંકરાચાર્ય તેમના શિષ્ય સાથે ત્યાં જ રહી ગયા. પંદર દિવસ પસાર થઇ ગયા. એક તરફ ખરાબ સ્વાસ્થ્ય અને બીજી તરફ સતત પડતા વરસાદને કારણે અન્નનો દાણો પણ મળ્યો ન હતો. કાયા ક્ષીણ થતી જતી હતી. દેહ નબળો પડી ગયો હતો. શંકરાચાર્યથી ઊભું પણ થવાતું ન હતું. 
   તે સમયે એક ગોવાલણ ગોરસ વહેંચવા માટે નીકળી હતી. તે ત્યાંથી પસાર થઇ. ગોવાલણનો સાદ સાંભળીને શંકરાચાર્યજીએ શિષ્યને કહ્યું,‘ગોવાલણ પાસેથી થોડુંક ગોરસ લઇ આવ.’
   શિષ્ય ગયો અને ગોવાલણ પાસેથી ગુરુજી માટે ગોરસની માગણી કરી.
    ગોવાલણે જવાબ આપ્યો, ‘મારો એક નિયમ છે. હું જેને જરૂર હોય તે પોતે લેવા આવે તો જ ગોરસ આપું છું. તારા ગુરુને કહે કે જાતે આવીને ગોરસ લઇ જાય.’ શિષ્ય શંકરાચાર્ય પાસે પાછો ફર્યો અને ગોવાલણનો જવાબ કહી સંભળાવ્યો.
    શંકરાચાર્ય બોલ્યા, ‘તું ગોવાલણ પાસે પાછો જા અને તેને વિનંતી કર કે મારા ગુરુ બીમાર છે. તેમનામાં શક્તિ નથી એટલે તેઓ આવી શકે તેમ નથી. માટે મને ગોરસ આપો.’
     શિષ્યે આ પ્રમાણે કહ્યું. એની વાત સાંભળીને ગોવાલણ ખડખડાટ હસી પડી, ‘જા, તારા ગુરુને કહે કે તે ક્યાં શક્તિમાં માને છે? એ તો એકેશ્વરવાદનો સિદ્ધાંત લઇને દુનિયાને ઉપદેશ આપવા નીકળ્યો છે.’
    ગોવાલણનો આ કટાક્ષયુક્ત જવાબ શિષ્યે શંકરાચાર્ય પાસે જઇને કહી સંભળાવ્યો. આ સાંભળીને શંકરાચાર્યજી સફાળા બેઠા થઇ ગયા, શિષ્યને કહ્યું, 'આ કોઇ ગોવાલણ ન હોય. આ તો હું જેનો વિરોધ કરું છું તે અખિલ બ્રહ્માંડની જનેતા જ હોય.'
     શંકરાચાર્યજી દોટ મૂકીને ગોવાલણ પાસે પહોંચી ગયા અને એના પગમાં પડી ગયા. ‘ હે મા,

न जानामि दानं न च ध्यान योगं।
न जानामि तंत्रं न च स्तोत्रमंत्रं।
न जानामि पूजाम न च न्यासयोगं।
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि।।
હે મા, હું અબુધ કંઇ જાણતો નથી. મા હવે તો તું જ મારી ગતિ છો. મા, હવે તો તારા શરણે છું.’
શકંરાચાર્યજી માતાની અભ્યર્થનામાં ભવાન્યષ્ટકની રચના કરે છે અને ત્યારબાદ દેવ્યપરાધ ક્ષમાપન સ્તોત્ર રચે છે. અદ્વૈતવાદના પ્રણેતા શંકરાચાર્યને પણ શક્તિનો સ્વીકાર કરવો પડ્યો છે તો આપણી શી વિસાત?
આજે આઠમું અને નવમું નોરતું એકસાથે છે. આવો આપણે સાચા મનથી સંપૂર્ણ શરણાગતિ ભાવ સાથે મા ભવાનીનું શરણ સ્વીકારીએઃ
विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये।
अरण्ये शरण्ये सदा मां प्रप्राहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि।।

–ઓમ નમઃ શિવાય—
તારીખઃ 24-10-20
* ડો. શરદ ઠાકર*