એક પાંદડું, જીદે ચડ્યું,
થયું નિજ પરિવારથી જુદું.
ઝાડથી છૂટું પડીને એ પાંદડું
ખૂબ હરખાય છે,
હાશ ! છૂટયા હવે આ ભીડથી,
મનથી એ મલકાય છે.
વાયુ સાથે વહેતું વહેતું
આમ તેમ લહેરાય છે,
સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !
એને એવું મનમાં થાય છે.
ઝાડ પર રહ્યાં ચિપકીને
ત્યાં આમ ક્યાં રખડાય છે !
ત્યાં તો બસ બીજાઓ,
મારી સાથે રોજ અથડાય છે,
અહીં તો વાયુ સાથે
મજેથી ઉડીને જવાય છે,
ને ઝરણાની સાથે ખળખળ
ગીતો મજાના ગવાય છે.
પાણી સાથે ઉછળતાં
ને કૂદતાં એ મલકાય છે,
પણ સુખ ક્ષણભંગૂર છે
એ એને ક્યાં સમજાય છે.
ઝરણાંમાંથી વહેતું જ્યારે
કિનારે પહોંચી જાય છે,
જાનવરોનાં ખર નીચે
જ્યારે ખૂબ રગદોળાય છે.
પીડાથી કણસતું એ
હવે ખૂબ પસ્તાય છે,
ઝાડ સાથે જોડાયેલા હોવાનું
મૂલ્ય એને સમજાય છે.
આઝાદી વ્હાલી લાગે
પણ મોંઘી સાબિત થાય છે,
સંયુકત પરિવાર બન્ધન નહિં
પણ જીવનનો સાચો પર્યાય છે.
સંયુક્ત પરિવાર સુખી પરિવાર…