એક ચપટી ધર્મ
પરમ પૂજ્ય મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ(દંતાલીવાળા)
સૌમ્ય હોય તે કોઈના પ્રભાવને સ્વીકારવામાં જરાય ખચકાતો નથી
👉 ગાંધીજી હાઈ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને ભણવામાં સંસ્કૃત આવતું. તમને યાદ હશે કે પહેલાં સંસ્કૃત ભણાવવા માં આવતું , હવે એનું ચલણ ઓછું થઈ ગયું છે , ખોટું થયું જે પણ હશે , આપણે વિષયાંતર ન કરીએ અને મુળ વિષયની વાત ચાલુ રાખીએ.
સંસ્કૃત ગાંધીજીએ ભણવાનું શરૂ કર્યું પણ તેમને એમાં મજા આવી નહીં મજા પણ ન આવે અને ભાષા પણ અજાણી એટલે ગતાગમ પણ પડે નહીં . ગાંધીજીએ ત્રણ ચાર દિવસ તો સંસ્કૃત શીખવાની કોશિશ કરી , પણ પછી થાકી ગયા . મનોમન નક્કી કરી લીધું કે આપણે સંસ્કૃત શીખવું જ નથી . હવે પ્રશ્ન એ આવ્યો કે સંસ્કૃતનો પિરિયડ આવે ત્યારે શું કરવાનું ? ગાંધીજી સંસ્કૃત ના પિરિયડમાં ક્લાસમાંથી બહાર નીકળી ગયા . શિક્ષક તો ભણાવવા માં વ્યસ્ત હતા એટલે તેમનું પણ ધ્યાન ગયું નહીં , બહાર આવીને ગાંધીજી બાજુના ક્લાસમાં ભણવા ગયા . અહીં ફારસી શીખવવામાં આવતી હતી . ફારસી શીખવામાં પણ પહેલો દિવસ એટલે ગાંધીજી કંટાળા વચ્ચે પણ બેસી રહ્યા , ફારસીનો ક્લાસ પૂરો થયો એટલે ગાંધીજી બહાર આવ્યા , પણ બહાર તેમને પેલા શિક્ષક મળી ગયા.
ગાંધીજીને જોઈને શિક્ષકને યાદ આવી ગયું કે ગાંધીજી જયાં બેસતા તે જગ્યા ખાલી હતી . ગાંધીજીની બહારની હાજરીએ તેમની ક્લાસરૂમની ગેરહાજરીની નોંધ કરાવી શિક્ષક ગાંધીજી પાસે આવ્યા . આવીને તેમણે માથા પર હાથ ફેરવ્યો , ખભા પર હાથ મુક્યો અને પ્રેમથી પૂછ્યું કે “ તમે વર્ગમાં કેમ ગેરહાજર હતા ? ” ગાંધીજીએ પણ ખોટું બોલવાનું ટાળીને સાચું કહી દીધું , ‘ મને ગોખવું ગમતું નથી અને સંસ્કૃત ગોખલપટ્ટીનો વિષય લાગે છે.
ગાંધીજીની વાત પરથી શિક્ષક સમજી ગયા કે તેમને સંસ્કૃતમાં ચાંચ ડુબતી નથી . શિક્ષકને આખી વાત બરાબર સમજાઈ ગઈ , તેમણે ગાંધીજીને વચન આપ્યું કે હવેથી તેઓ શક્ય હોય એટલી સરળતા સાથે અને સમજાય એ રીતે શીખવશે . શિક્ષક કહે હું વધારે મહેનત કરીશ પણ તું ભણ , ભણશે તો સમજાશે સંસ્કૃતનું મહત્વ શું છે , ગાંધીજીએ લખ્યું છે કે હું શિક્ષકના પ્રેમ અને તેમણે આપેલી પ્રેરણાને લઈને જ સંસ્કૃત ભણ્યો ગાંધીજીએ એ પણ લખ્યું છે કે સંસ્કૃત આવડ્યું એટલે જ તો તે ભગવદગીતા નો આનંદ માણી શક્યા અને ભગવદ્ ગીતા માંથી જ્ઞાન લઈ શક્યા .
આ બધા માટે જો કોઈને યશ આપવાનો જો હોય તો એ માત્ર ને માત્ર મારા સંસ્કૃતના શિક્ષકને . જરા વિચારો કે ક્યાં મહાપુરુષ એવા મહાત્મા ગાંધી અને ક્યાં બેચાર રૂપિયાના પગારદાર એવા શિક્ષક , પણ મહાપુરૂષે પણ , તેમને પ્રેરણા આપનારા શિક્ષકનો ઉલ્લેખ કર્યો અને તેમનો આભાર પણ માન્યો , મહાપુરુષોની આ જ ખાસિયત છે . એ સૌમ્ય હોય છે અને સૌમ્ય હોય એજ કોઈના પ્રભાવને સ્વીકારવામાં ખચકાટ કરે નહીં .
- મીડ ડે-મુંબઈ.