Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વિક્રમ વેતાળની એક નવી વાર્તા


વિક્રમ વેતાળની એક નવી વાર્તા

ધુનમાં પાકા એવા વિક્રમ રાજા ફરીથી વૃક્ષની પાસે ગયા. વૃક્ષ ઉપરથી શબને નીચે ઉતાર્યું અને પોતાના ખભા પર નાખી દીધું. પછી યથાવત સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે શબમાં રહેલા વેતાળે કહ્યું, ‘રાજન, હું તને સમજાવી સમજાવી થાકી ગયો છું. એક મહાન રાજા હોવા છતાં પણ શા માટે નક્કામાં આટલા કષ્ટ ઝેલી રહ્યો છે? રાજધાની પાછો ફર અને તારું કર્તવ્ય નિભાવ. એ ન ભૂલીશ કે પ્રજાનું હિત જ તારું ધ્યેય હોવું જોઈએ. તારું ધ્યેય ભૂલીને નાહક શા માટે આમ ભટકી રહ્યો છે? ક્યાંક કોઈ અયોગ્યને તારી કૃતજ્ઞતા બતાવવા માટે આટલા કષ્ટ તો નથી ઉઠાવતો ને ? આ રીતે જો બધાની ભાવના સહેતો રહીશ તો છેવટે નરપુરના યુવરાજની જેમ તું પણ તારી ઈમાનદારી ખોઈ બેસીશ. તે યુવરાજ અને તેની વાત તું સાંભળ.’ એમ કહી વેતાળ તે ભાનુપ્રસાદ અને યુવરાજની વાર્તા સંભળાવવા લાગ્યો…..

ભાનુપ્રસાદ નરપૂરમાં રહેતો હતો. પોતાને મોટો કહેવડાવવાની તેની ખૂબ ઈચ્છા હતી. પહેલાં તે ઘણો ગરીબ હતો. ધન કમાવા માટે તેણે ખૂબ મહેનત કરી હતી. અનુશાસનનું પાલન કર્યું. અત્યારે પણ તે કોઈ મોટો ધનવાન ન હતો. પણ રહેવા માટે તેની પાસે સારું ઘર હતું. તેની પત્નીની પાસે જરૂરી આભૂષણ અને રેશમી સાડીઓ હતી. બાળકો પણ આરામથી રહેતા હતા.

હવે ભાનુપ્રસાદને વધુ મહેનત કરવાની જરૂર ન રહી. વિચારવા માટે કેટલોય ખાલી સમય પડ્યો હતો. ફૂરસદે જ્યારે તે વિચારવા લાગ્યો તો તેને લાગ્યું કે તેણે કેટલાય મહાન કાર્યો કર્યા છે. તેને સમજાર્યું નહીં કે લોકો તેની મહાનતાને સ્વીકારવા માટે શા માટે ના પાડે છે.

પોતાની મહાનતા બતવવાના ઉદ્દેશથી તે ઘણાને પોતાના જીવનની વિશેષતા દર્શાવતો હતો. દરિદ્રતાથી મુક્ત થવા માટે તેણે કેટલીય યાતનાઓ સહી, કેટલી મુસીબતોનો સામનો તેને કરવો પડ્યો હતો, આમ તેનું પૂરું વર્ણન તે લોકોને જણાવ્યા કરતો હતો. જે સાંભળતા હતા તેમાંથી કેટલાક ચૂપ જ રહેતા હતા. કેટલાક પોતાના જીવન સંબંધી એવી ઘટના સામી સંભળાવતા હતા. કેટલાક કહેતા હતા કે, પૂરા દેશના લોકો કષ્ટ ઝેલી રહ્યા છે.

તે દરમ્યાન પુરંદર નામનો એક પંડિત તે ગામમાં આવ્યો. તેણે લગાતાર ત્રણ દિવસ સુધી રામાયણની કથા સંભળાવી. પુરંદરની પંડિતાઈની પ્રશંસા મુકત કંઠથી ગામના લોકોએ કરી. રોજ તેને કોઈને કોઈ ઘરમાં અતિથિ-સત્કાર તો મળતો હતો.

પૂરંદર એક દિવસ ભાનુપ્રસાદને ઘરે ભોજન માટે ગયો. ભાનુપ્રસાદે તેને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું અને પછી કહ્યું, ‘મહાશય, શ્રીરામે અનેક પ્રકારના કષ્ટો સહ્યા. પરંતુ તેમણે બધા કષ્ટો પોતાના કુટુંબ માટે જ સહ્યા. પોતાના પિતાજીને આપેલા વચન અનુસાર તે જંગલમાં પણ રહ્યા. પત્નીને મેળવવા માટે રાવણ સાથે યુદ્ધ કરી તેને માર્યો. છેવટે રાજા બનીને રાજ્ય સંભાળ્યું. પણ તે છતાં તેમના ત્યાગને કારણે તેઓ ભગવાન કહેવાયા. તેમન જેવા તો એવા લાખો લોકો છે, જેઓ પોત-પોતાના પરિવાર માટે કલ્યાણ કરે છે. પરંતુ શ્રીરામને જે નામ મળ્યું, જે ખ્યાતિ મેળવી, તે એ બધાને કેમ નથી મળતી?’

પુરંદરે કહ્યું, ‘રામ અવતારી પુરુષ છે. દુષ્ટોને સજા કરવા માટે અને સારા લોકોની રક્ષા કરવા માટે જ ભગવાને મનુષ્યનો અવતાર લીધો હતો. સામાન્ય માનવરૂપે તેમણે અનેક કષ્ટો ઝેલ્યા. તેમની વાત વાલ્મીકિએ ગાથા રૂપે રચી તેથી રામ પ્રસિદ્ધ થઈ ગયા.’

પુરંદરની વાતથી ભાનુપ્રસાદ પ્રભાવિત થઈ ગયો. તેને લાગ્યું કે તે પણ શ્રીરામની જેમ મહાન છે. તેથી તેણે કહ્યું, ‘મહાશય, હું તમને મારી વાત સંભળાવું. તમે રામાયણની જેમ તેનું મહાકાવ્ય બનાવો. આપણા બંન્નેની તેમાં પ્રસિદ્ધિ થશે.’

પુરંદરે વિલંબ વગર કહ્યું, ‘તમારી વાત સાંભળવા હું ઉત્સુક છું.’ એમ કહી તેણે ભાનુપ્રસાદની બધી વાત ધ્યાનથી સાંભળી. તેને લાગ્યું કે ભાનુપ્રસાદ નાદાન છે. ભોળો છે. તેણે કહ્યું, ‘તારી ગાથા તું પોતે જ રચ, તો તું રામ કરતાં પણ વધુ પ્રસિદ્ધિ પામીશ. કેમકે શ્રી રામ પોતાની વાત સ્વયં ન લખી શક્યા.’

ભાનુપ્રસાદને પુરંદરની વાત ઘણી ગમી ગઈ. તેને લાગ્યું કે જો અશિક્ષિત વાલ્મીકિ રામાયણ રચી શકે તો પોતે તો શિક્ષિત છે. તો પોતે પોતાની વાત શા માટે ન લખી શકે? એમ વિચારી તેણે પોતે જ પોતાની જીવન ગાથા રચી. લખીને બે-ત્રણ વખત વાંચી ગયો. પોતાની આ શક્તિ માટે તેને આશ્ચર્ય પણ થયું. સૌ પ્રથમ આ ગાથા તેણે પોતાની પત્નીને સંભળાવી.

ભાનુપ્રસાદની પત્નીતે સાંભળ્યા પછી કહ્યું ‘આ મને શા માટે સંભળાવ્યું? આમાં કંઈ નવી વાત છે કે જે હું જાણતી નથી?’
‘રામાયણમાં પણ એવી કોઈ નવી વાત નથી, છતાં તું રોજ તે શા માટે વાંચે છે?’ ભાનુપ્રસાદે પૂછયું.
‘રામની ગાથા સાંભળવા યોગ્ય છે. જે તમારી ગાથા નથી જાણતું તેમને તમારી ગાથા સંભળાવો.’ ભાનુપ્રસાદની પત્નીએ લુખ્ખા સ્વરે કહ્યું.
છેવટે તેણે પોતાના પૌત્ર-પૌત્રીઓને બોલાવ્યા અને તેમને કહ્યું, ‘લવ-કુશે રામાયણનો પ્રચાર કર્યો છે, તમે લોકો પણ મારી ગાથા ગાઈને પ્રચાર કરો. આમ તમારા દાદાનું ઋણ ચુકવો.’
બધાએ તે માટે ના પાડી. બાળકોએ પાછું એમ પણ કહ્યું કે એમને તમારી કથા કંઈ સારી નથી લાગતી. તમે ઈચ્છો તો અમે રામાયણ ગાઈએ અને તેનો પ્રચાર કરીએ.’
આમ, કોઈ પણ તેની વાત સાંભળવા તૈયાર ન થયું. ત્યારે ભાનુપ્રસાદનું ભાગ્ય એક દિવસ અચાનક ચમક્યું.

એક દિવસ તે કોઈ કામ માટે બાજુને ગામ જવા નીકળ્યો. તેણે જોયું કે રસ્તામાં વૃક્ષની નીચે એક યુવક આડો પડ્યો છે. પાસે જઈને જોયું તો ખબર પડી કે તે યુવક તો બેભાન છે. ત્યાંથી પસાર થતી બળદગાડીમાં તેને નાખ્યો અને તેને નંદનપૂર લઈ ગયો. વૈદે યુવકની તપાસ કરી અને કહ્યું, ‘આ યુવકે કોઈ વૃક્ષના કડવા ફળ ખાધા છે. હું જે દવા આપું તે ચાર દિવસ સુધી ખવડાવજો. તેમની સારી સંભાળ રાખજો.’ એમ કહી તેમણે ભાનુપ્રસાદને દવા આપી.
ચાર દિવસ પછી જ્યારે તે યુવક ભાનમાં આવ્યો અને તેણે પૂરું વિવરણ જાણ્યું ત્યારે ભાનુપ્રસાદને કહ્યું, ‘તમે જો મારી રક્ષા ન કરત તો હું મરી ગયો હોત. તમારું આ ઋણ હું કઈ રીતે ચુકવીશ?’

‘જો ખરેખર મારું ઋણ ચૂકવવા માંગતો હોય તો મારું રચેલું કાવ્ય સાંભળી તેની પ્રશંસા કર.’ ભાનુપ્રસાદે કહ્યું. તે કૃતજ્ઞ યુવકે તેનું આખું કાવ્ય ખૂબ શ્રદ્ધાથી સાંભળ્યું. જો કે તે સાંભળતા વચ્ચે-વચ્ચે તેને કંટાળો તો આવ્યો, પણ તે જણાવ્યા વગર કાવ્યના વખાણ જ કરતો ગયો.
ત્યારે ભાનુપ્રસાદે લાંબો શ્વાસ લેતાં કહ્યું, ‘આજે મારી પહેલી ઈચ્છા પૂરી થઈ. ન જાણે મારી બીજી ઈચ્છા કયારે પૂરી થશે.’ તે યુવકે ઉત્સુકતાથી કહ્યું, ‘તમારી એક ઈચ્છા પૂરી કરી. બીજી પણ પૂરી કરીશ. નિ:સંકોચ તમે મને તમારી બીજી ઈચ્છા જણાવો.
‘તેની પૂર્તિ તું નહી કરી શકે. આ દેશના રાજા જ તે પૂરી કરી શકે તેમ છે.’ નિરુત્સાહથી ભાનુપ્રસાદે કહ્યું.
‘હું આ દેશનો રાજ નથી, પણ હું યુવરાજ છું. મહારાજ મારી વાત નહીં ટાળે.’ આમ કહી યુવરાજે ભાનુપ્રસાદને પ્રોત્સાહન આપ્યું.

જેવી ભાનુપ્રસાદને જાણ થઈ કે જે યુવકને પોતે બચાવ્યો છે, તે આ દેશનો સાક્ષાત યુવરાજ છે. તો તેણે ખૂબ આનંદભર્યા સ્વરે કહ્યું, ‘આ રીતે તમને મળવું તે મારું સૌભાગ્ય છે. રામાયણને જેટલો પ્રચાર મળ્યો છે, એટલો જ પ્રચાર મારા કાવ્યને પણ મળે. આ મારી બીજી ઈચ્છા છે.’

તે સાંભળીને યુવરાજનું મોઢું ફિક્કું પડી ગયું. ક્યાં રામ અને ક્યાં ભાનુપ્રસાદ? યુવરાજ વિચારમાં પડી ગયો. છેવટે તેણે કંઈક વિચારીને કહ્યું, ‘ઠીક છે, લોકો તમારું કાવ્ય સાંભળીને તેની પ્રશંસા કરે તેવી વ્યવસ્થા હું કરું છું. પણ તમારે મને એક વચન આપવું પડશે કે જેમ વાલ્મીકિએ એક જ કાવ્યની એક જ પ્રત લખી હતી, તેમ તમારે પણ હવે કોઈ બીજું કાવ્ય ન લખવું કે આ કાવ્યની બીજી પ્રત ન લખવી.’

ભાનુપ્રસાદે તે માટે હા પાડી.

યુવરાજ ભાનુપ્રસાદને પોતાની સાથે લઈને રાજધાની ગયો. મહારાજ સાથે પરિચય કરાવ્યો, ‘આ ભાનુપ્રસાદ મારા પ્રાણદાતા છે.’ તેમણે રામાયણની જેમ એક મહાકાવ્યની રચના કરી છે. તેમને આપણા આસ્થાનમાં માનવંતુ સ્થાન અપાય. આ કાવ્યની મહાનતાનો પ્રચાર પૂરા દેશમાં થાય તેવી મારી ઈચ્છા છે.’

મહારાજ વાતને સાનમાં જ સમજી ગયા અને તે માટે તેમણે હા પાડી. ભાનુપ્રસાદને સભામાં માનવંતુ સ્થાન પ્રાપ્ત થયું. તે પછી ભાનુપ્રસાદના કાવ્યની બાબતની વાત યુવરાજે પૂરા દેશમાં ફેલાવી. કેટલાય મોટા પંડિતો તે સાંભળવા આવ્યા. પણ કાવ્ય કોઈ સાંભળી ન શક્યું. કેમકે તેની જે એક માત્ર પ્રત હતી તે યુવરાજની પાસે હતી. જે કાવ્ય સાંભળવા આવતા તેને યુવરાજ કહેતો, ‘ દુર્ભાગ્યવશ તે એક માત્ર પ્રત આગમાં બળી ગઈ છે. ફરીથી લખી શકાય તેમ નથી તેથી તે મહાકાવ્યની સ્મૃતિ માત્ર રહી ગઈ છે.’

આમ આ મહાકાવ્યનો નાશ થયો છે તે જાણીને મહાપંડિતો બહુ દુ:ખી થઈ ગયા. મહારાજે જ્યારે આ જાણ્યું તો તેમને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. તેમણે યુવરાજને આ વિષય માટે ગંભીરતાથી પૂછ્યું. યુવરાજે પિતાને સાચી વાત જણાવી કહ્યું, ‘પહેલેથી જ મેં તેની પાસેથી વચન લીધું છે કે તે બીજી કોઈ રચના કે તેની પ્રત ન બનાવે.’

પણ આ સાંભળી મહારાજને તેની વાત માટે અસંતોષ થયો. તેમને લાગ્યું કે ભાનુપ્રસાદ સાથે અન્યાય થયો છે. ભાનુપ્રસાદની ઈચ્છા આમાં પૂરી થઈ ન હતી. તેથી તેમણે યુવરાજને કહ્યું કે તારી વાતમાં મને અધૂરપ લાગે છે. તેં તારા કાર્યને પૂરું નથી કર્યું.’

વેતાળે આ વાત સંભળાવ્યા પછી કહ્યું, ‘રાજન, ભાનુપ્રસાદના કાવ્યની પ્રશંસા લોકો પાસેથી પ્રાપ્ત કરવામાં યુવરાજ સફળ તો થયો. પણ શું આવાં કાવ્યની પ્રશંસા કરવી ને તેનો પ્રચાર કરીને પણ કાવ્ય ન સંભળાવવું તે શું યુવરાજને શોભા આપે છે? આને તેની ઈમાનદારી અને સત્યનિષ્ઠા કહી શકાય? મારી આ શંકાનો જવાબ જાણવા છતાં પણ જો તું ચૂપ રહીશ, તો તારા માથાના ટૂકડે ટૂકડા થઈ જશે.

વિક્રમે કહ્યું, ‘જેણે જેણે ભાનુપ્રસાદનું કાવ્ય સાંભળ્યું હશે, તેમાંથી કોઈએ તેની પ્રશંસા ન કરી. યુવરાજને આ વાતની જાણ હતી તેથી આ રીતે તેણે પોતાની ઈમાનદારી સાબિત કરી. પોતાના પ્રાણદાતાના સંતોષ માટે તેની જૂઠી પ્રશંસા કરવી તે કંઈ જૂઠ ન કહેવાય. તે સીવાય, તે જૂઠથી કોઈને નુકશાન પણ પહોંચે તેમ ન હતું. તે ઉપરાંત યુવરાજનો આમાં કોઈ સ્વાર્થ પણ નથી.’

રાજાના મૌન-ભંગમાં સફળ થયેલો વેતાળ બોલ્યો…‘તુ બોલા ઔર મેં ચલા….’ એમ કહી શબ સાથે ગાયબ થઈ ગયો અને ફરીથી વૃક્ષ પર જઈ બેઠો.

પુસ્તક મહોત્સવ

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s