Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વારતા રે વારતા . . . ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા . . . છોકરા સમજાવતા . . .


==============================================

વિચાર વલોણું

વારતા રે વારતા . . . ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા . . . છોકરા સમજાવતા . . .

==============================================

● આશરે દસેક વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ વાર્તાકાર સુરેશ જોષીના નામે ચાલતા સુ.જો.સા.ફો. એટલે કે સુરેશ જોષી સાહિત્ય ફોરમ દ્વારા યોજાતી સાહિત્ય શિબિરમાં વગર આમંત્રણે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. વધુમાં હું ઉત્સાહપૂર્વક લઈ ગયેલી મારી એક વાર્તા વાંચવા મંજૂરી મળી એ સૌથી મોટું સદ્દભાગ્ય. આ ફોરમની મજા એ છે કે ત્યાં ઘડાયેલી કલમોના કસબીઓની સાથે સાથે નવોદિતો પણ પોતાની કૃતિઓ રજૂ કરે. પ્રણાલી એવી કે દિવસ દરમિયાન વારા ફરતી સૌ ‘લેખકો’ અને ‘સર્જકો’ પોત-પોતાની વાર્તાનું મોટે અવાજે પઠન કરે. કોઈ નબળા લેખકની પઠનશૈલી એટલી સુંદર હોય કે તમામ શ્રોતાઓ તેની વાર્તા ધ્યાનથી સાંભળે. અને કોઈ સબળા ‘સર્જક’ની નબળી પઠનકળાને લીધે તેમની વાર્તા શ્રોતાઓ સુધી અરધી-પરધી જ પહોંચે. પછી વંચાયેલી વાર્તા અંગે ચર્ચા વિચારણાઓ થાય, સૌ પોત-પોતાની સમજણ અનુસાર જે તે વાર્તાનું આકલન, મંતવ્ય અને દૃષ્ટિકોણ નિર્ભીક રીતે રજૂ કરે.

● હું પણ આ સૌની વચ્ચે “છવાઈ” જવાની ઘેલછા સાથે મારી એક સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં લખાયેલી વાર્તા વાંચી ગયેલો, અને નિયમ મુજબ તેની એવી ધોલાઈ થયેલી કે નિરમા વગેરે પાવડરોની ધોલાઈ પણ ઝાંખી પડે ! પરંતુ એ બધી ક્રૂર ટીકાઓ વચ્ચે શિબિર સંચાલક સુમનભાઈ શાહે સાશ્ચર્ય મારી વાર્તામાં માત્ર એક હકારાત્મક વાત શોધી આપેલી, જેણે મારા માટે ‘બર્નોલ’ની ગરજ સારેલી . . . ! મને આ શિબિર દરમિયાન એક વિચાર મનમાં આવેલો જે મેં કદી સુમનભાઈ સમક્ષ રજૂ કર્યો નથી, કે સાંપ્રત વાર્તા અને વાર્તાના મૂળ સ્વરૂપમાં આભ-જમીનનો ફરક છે. વાર્તા લખાતી થઈ પછી તેના ઘણા સ્વરૂપાંતરો થયાં છે. પાષાણ કાળના માતા-પિતા પોતાના બચુડાઓને કેવી, કઈ ભાષામાં કે કેવા સ્વરૂપની વાર્તાઓ સંભળાવતા હશે એ તો આપણે નથી જાણતા, પરંતુ આજથી પચાસ વર્ષ પૂર્વે માતાઓ, દાદીઓ જે વાર્તાઓ સંભળાવતી એ અંગે આપણે સૌ જાણીએ જ છીએ.

● વાર્તાનો જન્મ તો કથનથી જ થયો હોવો જોઈએ. વાર્તા એ બોલીને કહેવાની અને કાનથી વાંચન કરવાની એક જન્મજાત કલા છે. આમ તો વાંચવાની વાત કરો એટલે મોટા મોટા થોથાં દેખાય, સમજાય નહીં એવી વાતુના ભાર વરતાવા મંડે. મુનશી, ધૂમકેતુ, પન્નાલાલ, ર.પા. અને એવા તો કેટલાયે દેશી, વિદેશી નામો હૈયે રખડુ પારેવાની જેમ આવી બેસે.

● આજથી પિસ્તાલીસ વર્ષ પૂર્વે સાવ નાનકડા એક ગામડે, ફૂલવાડી, નિરંજન અને ઇન્દ્રજાલ કોમિક્સના ફેન્ટમ, લોથાર, મેન્ડ્રેક, જીંદાર, સુપરમેન, સુપરવુમન, સ્પાઇડરમેન, એશિસ ઇલેવન જેવા કોમિક્સ અમારા મનોરંજન અને એકાંતના સહવાસી હતા. અમે નિરક્ષર હતા ત્યારે, મા વાંચી સંભળાવતી, મા ના પડખામાં લપાઈને આ બધાં પાત્રોના પરાક્રમો અમે અમારા કાનોકાન વાંચેલા, અને અમારા અંતઃકરણની આંખે એ સૌ પાત્રો અને તેમની સાહસ કથાઓ ચલચિત્રની માફક અમને જીવંત દેખાતાં તથા અમારા નાનકડા જીવને અનુભવાતા પણ ખરા. આ બધું ખૂટી પડે ત્યારે શરૂ થતી અવનવી વાર્તાઓનો દૌર. ચૈતર મહિનામાં ઓખાહરણની ઓખા, ઓખાનો એકદંડીયો મહેલ, ઓખાનું અપહરણ કરવા આવતા પ્રદ્યુમ્નના સાહસ અને શૌર્યની કથાઓને અમે અમારા કાનોકાન વાંચી છે.

● કોઈ કોઈ વાર મા મોચી સામે વેર લેવા નીકળેલા બહાદુર ચકાભાઈની વાર્તા પણ માંડે. ગુસ્સામાં જોડુ મારીને ચકીને મારનાર મોચીને સજા આપવા કટિબદ્ધ ચકો, એને સહયોગ આપતા દેડકો, વીંછી તો ઠીક, પણ પોદળા અને કૂવાની રોમાંચક કહાની પણ કાનોકાન વાંચીને અમે તો તેના પ્રેમમાં જ પડી ગયેલા ! બાપા નોકરીએ હોય એટલે વસંત મેરાઈ અને દમુ માસીની વર્ષી અને રાજુડી અમારા ઘરે શિયાળાની ઘોર અંધારી રાતના એકાંત ભાંગવા અમારા ઘરે જ હોય. એ બધી સ્ત્રીઓ, અને હું નાન્યતર. લોકોના ઘરમાં ખાતર પાડતા ડફેરોની બીક વચ્ચે મા બીજી વાર્તાઓ ખુટી પડે ત્યારે ઢૂંઢિયા રાક્ષસની વાર્તા માંડે. લાલચોળ આંખો, ડરામણો ચહેરો, પંદર હાથ પૂરા ઢૂંઢિયા રાક્ષસની મગર જેવી ચામડી, લાંબા અણિયાળા નખ, મોઢું ખોલે તો સેબરટૂથ જેવા મોટા મોટા દાંત. ઢૂંઢિયા રાક્ષસની વાર્તામાં ‘માણસ ગંધાય, માણસ ખાઉ’ બોલતા ઢુંઢિયા રાક્ષસને કાનો કાન વાંચતા અમને સૌને જાડા ગોદડામાં પણ ટાઢના લખલખા આવી જતાં.

● કોણે કહ્યું કે વાંચન માત્ર આંખેથી જ થાય . . . ? વાંચન એટલે શબ્દો, ઘ્વનિ, વર્ણનની આવડત. વાંચન એટલે બે શબ્દો વચ્ચે રહેલા અવકાશને સાંભળવાની, સમજવાની અને અનુભૂત કરવાની કાન અને કોરી પાટી બાળક સહજ અંતરમનની સૂઝબૂઝ. આજના બાળકોને છાપા, મેગેઝીન અને ટેક્સ્ટ બુક સિવાય પણ વાંચન છે તેની ખબર નથી. વાર્તાકથન કલાના લોપની સ્થિતિમાં, માના પડખા સૂના થયાં છે. આશ્ચર્યથી પહોળી થતી આંખો ક્યાં જોવા મળે છે? મા કે દાદીના ખોળામાં સૂતા સૂતા અથવા પિતા કે દાદાના પડખામાં લપાઈને સાંભળેલી વાર્તાના લીધે જન્મતી કાલ્પનિક બીક, હરખ, નફરત, જુગુપ્સા દ્વારા બાળકના કોરી પાટી જેવા મન પર આલેખાતી નૈતિકતા અને અનૈતિકતાની કોઠાસૂઝથી આ પેઢીને વંચિત રાખી, આપણે પણ એક અધમ પાપના પ્રણેતા બની રહ્યા છીએ. પરંતુ મેરે કો ક્યા ? આપણે તો બસ આનંદો, વોટ્સએપના ગ્રુપમાં સમાજસેવાની વાતો, સમાજને બદલવાની તૈયારીઓ, દેશપ્રેમના મેસેજ ફોરવર્ડ કરવાની લ્હાયમાં બાળપણ હણાઈ રહ્યું હોય, તો પણ પરવા નકો.

● મને યાદ છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અનેક પ્રવચનોમાં સ્વાંત: સુખાય યોજના હેઠળ સરકારી કર્મચારીઓને થયેલી, પોતાને આનંદ થાય અને સાથેસાથે આત્મસંતોષ આપે એવી કોઈ પ્રવૃત્તિઓ કરવાની ઓફરથી મને આવેલો એક વિચાર મેં એક કન્સેપ્ટ નોટ સ્વરૂપે તેમને પહોંચાડેલો. આ કન્સેપ્ટ એવો હતો કે આધુનિક મનોરંજન ઉપકરણોની ઉપલબ્ધિના કારણે મૃત:પ્રાય થઈ રહેલી વાર્તા-કથન-કલાને બચાવવી હોય તો સરકારે એક મહાપ્રયાસ કરવો જરૂરી છે.

● આપણે શહેરીકરણના વમળમાં સદીઓ પુરાણી અદ્દભૂત બાળવાર્તાઓ ગુમાવી રહ્યા છીએ, પરંતુ એ વાર્તાઓ આજે પણ ગુજરાત અને તમામ રાજ્યોના નાના ગામડાંઓની ડોસી-ડોસાઓના હૈયામાં આજે પણ જીવંત છે. આ વાર્તાઓને શોધી-શોધીને આ ખખડધજ અસ્તિત્વોના અવાજમાં જ રેકોર્ડ થવી જોઈએ અને તેમ કરીને સદીઓપરાંત વાર્તાઓના માધ્યમથી એક પેઢીથી બીજી પેઢીને અપાતું ડહાપણ વેડફાઈ ન જાય. જરા કલ્પના કરો કે પંચતંત્ર, બત્રીસ પૂતળી અને અરેબિયન નાઈટ્સની વાર્તાઓનું દસ્તાવેજીકરણ ન થયું હોત તો, આપણે અને હવેની પેઢી કાગડાની પૂરી પડાવી લેતા લુચ્ચા શિયાળ, બકબકીયા કાચબા, બગલા અને શિયાળની, સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તાઓ સાંભળી શક્યા હોત ? ટીડા જોશીને કોણ ઓળખતું હોત ? ગાયોનો ગોવાળ કોણ ? ઘેટાના નાના ભટુરીયાઓને કોણ છેતરીને શિકાર કરતું હતું ? ગાયો ચરાવતા ભરવાડના છોકરાને ટેકરી પર બેસીને કોણ પંડ્યમાં આવતું ? શું આ બધું આપણે જાણતા હોત ? આજે જરૂર છે તો આ વાર્તાવિશ્વને આગળની પેઢીના બાળકો માટે જીવતું રાખવાની.

● ફેસબૂક, વોટ્સએપ અને નેટફ્લિક્સના વધતા જતાં ચલણ વચ્ચે પણ ક્યાંક આપણા સમાજના પડછાયા જેવી કથાને જીવતી રાખવાના એક-બે સુંદર આયાસ હમણાં જ ધ્યાન પર આવ્યા. રાજકોટના એક ગૃહિણી દર રવિવારે “આર્ટ સ્ટેશન” નામે થોડા બાળકોને એકઠાં કરીને તેમને અવનવી પુરાણકથાઓ અને બાળવાર્તાઓ સંભળાવે છે. એ જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નામના પ્રગતિશીલ ગામમાં ચાલતા વાંચન જાગરણ જેવા “પુસ્તક પરબ-ભાયાવદર” નામના એક નાનકડા જૂથે એક સરસ મજાની પહેલ કરી છે. પુસ્તક પરબ ભાયાવદરે હમણાં જ ફેસબૂકના પોતાના પેઈજ પર એક સુંદર સ્પર્ધાનું આયોજન કર્યું છે. સ્પર્ધાનું નામ છે “વાર્તા મમ્મી”. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી નાના ભટુરીયાઓની મમ્મીઓએ તેમને આપાવામાં આવતી, બાળકોને સાંભળવી ગમે તેવી એક વાર્તા પોતાના બાળકને કહેવાની અથવા તો તે વાર્તા કહે અને તેનું વિડિયો રેકોર્ડિંગ કરીને મૂકવાનું અને જે મમ્મી-અમ્મી અથવા માનું કથન શ્રેષ્ઠ પુરવાર થશે તેને થોડાં પુસ્તકો કે એવા કોઈ પ્રોત્સાહક ઈનામો અપાશે. બાળવાર્તા અને આપણી અંદર રુંધાતા બાળકને જીવતું રાખવાના આ પ્રયાસો “કાબિલ-એ-દાદ” છે એમ તો કહેવું જ પડે હોં !

– vichar_valonu@yahoo.com

Narendra Joshi Vaat એકદમ સાચી છે.

દાદા દાદીની સોડ ખાલીખમ બની છે. મારા વર્ગમાં આ સવાલ પૂછેલો. “કેટલાં બાળકો રાત્રે વાર્તા સાંભળે છે?” માત્ર બે બાળકોએ ગુરુત્વાકર્ષણના નિયમ તોડીને ઊંચી આંગળી કરેલી…


Raijada Revtubha
 વાહ , શિયાળાની રાત્રી એ સગડી આસપાસ બેસી ને સાંભળેલી વાર્તાઓ આજ પણ કાન માં ગુંજે છે. પહેલું ખગોળ દર્શન પણ દાદાજી એ કરાવેલ એ આજ પણ આકાશમાં જોવ ત્યારે દાદાની હાજરી ની અનુભૂતિ કરાવે છે , વોટ્સએપમાં આવતા ઉપદેશત્મક મેસેજ સ્ક્રીન પહેલાજ મનમાંથી ડીલીટ થઈ જતા હોય છે પણ ચકો ચોખાનો દાણો લઈ આવે કે સુંદર ગુંદર ની જોડી ના ચિત્રો કાયમી વાસ કરે છે , સરસ આલેખન ધમભા


Priti Rajput
 આપણા બાળપણ જેવું આ પેઢીને નહિ મળે…અફસોસની વાત છે…સાહસના બીજ અને જિજ્ઞાસા નો ખજાનો, નિતનવી કલ્પનાઓ જેમાં ડર પણ હોલીવુડની હોરર મૂવી થી ચડિયાતો હતો છતાંય હનુમાન ચાલીસા બોલીને ડરને ડરાવતાં હતાં..ત્યારે ક્લાસમાં અવ્વલ રહેવાની સ્પર્ધા નોતી…એવી જલસુડી હવે ક્યાંથી?

Chintal Joshi મારા કાનોએ એ વાર્તારસ પીધો છે. મનન કરવાની શક્તિ એ વાર્તાઓ સાંભળીને વિકસી છે.
મેં મમ્મી પાસેથી અખંડ આનંદ અને જનકલ્યાણમાં આવતી વાર્તાઓ સાંભળી છે જે બધી બોધકથાઓ જ હોય છે. પદ્મપુરણ આધારિત. એ સિવાય મારો ભાય મને મિયા ફુસકી આડુુકિયો દડુંકિયો અલિબાબા ચાલીસ ચોર જેવી વાર્તાઓ પોતાના કિસ્સાઓ ઉમેરીને કહેતો. વાર્તા તો હજુ ય સાંભળું છું સાસુમા પાસેથી. તેમની કથન શૈલી સુંદર છે. હું પણ એ રીતે એક રિવાજ સમજી આગળ વધારું છું અમારા બાળકોને એ રસ પીરસીને.
સરસ પોસ્ટ આપવા બદલ આભાર.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s