Posted in Ebooks & Blogspot

एक लाख पुस्तको की लाइब्रेरी


એક ગરીબ પૂજારીએ એક લાખ પુસ્તકોની લાઈબ્રેરી બનાવી!

માણસ ધારે તો ઘણું કરી શકે એનો પુરાવો કર્ણાટકના ગોકર્ણા ગામના ગણપતિ દેવેશ્વરે આપ્યો છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

કર્ણાટકના નાનકડા ગોકર્ણા ગામના એક પૂજારીના અનોખા જીવન વિશે જાણવા જેવું છે. એ કોઈ સામાન્ય પૂજારી નથી. તેઓ ઈશ્વરની આરાધના તો કરે જ છે, પણ સાથે સાહિત્યના પણ ઉપાસક છે. તેમનું નામ છે ગણપતિ વેદેશ્વર. તેમણે 9 વર્ષની ઉંમરે સરસ્વતીની સાધના શરૂ કરી હતી એ પછી 85 વર્ષમાં તેમણે એક લાખથી વધુ પુસ્તકોનો ખજાનો એકઠો કર્યો.

આ અનોખા માનવી ગણપતિ વેદેશ્વરને પુસ્તકો પ્રત્યે બાળપણથી જ લગાવ થઈ ગયો હતો. એને કારણે તેમણે નવ વર્ષની ઉંમરે જ તેમના ગામમાં બાળસંઘ નામથી લાઈબ્રેરી શરૂ કરી હતી. તેમને વાપરવા માટે વડીલો તરફથી જે પૈસા મળતા એ તેઓ એ પુસ્તકાલય માટે બચાવતા. તેઓ આખું વર્ષ પૈસા બચાવીને પુસ્તકમેળાઓમાંથી પુસ્તકો ખરીદતા. પછી તેમણે તેમના પુસ્તકાલયનો વ્યાપ વધાર્યો. તેઓ તેમના નાનકડા પુસ્તકાલયમાં પુસ્તકોનો વધારો કરતા ગયા. તેઓ તેમના મિત્રોને પુસ્તકો ફેંકી દેવાને બદલે પોતાને આપવા કહેતા જેથી બીજા લોકો તે વાંચી શકે.

ગણપતિ વેદેશ્વરને પુસ્તકાલય સમૃદ્ધ બનાવવાની એવી લગની લાગી હતી કે તેઓ તેમના ગામના શિક્ષકોની મદદ માગવા માંડ્યા. એટલેથી જ તેઓ અટકી ન ગયા. તેમના પુસ્તકાલયમાં પુસ્તકોની સંખ્યા વધારવા માટે તેઓ નામાંકિત બૌદ્ધિકોને, જુદાં જુદાં ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓને તેમ જ દેશવિદેશના પુસ્તક પ્રકાશકોને પત્રો લખીને પુસ્તકો મોકલવા માટે વિનંતી કરતા. તેમણે બ્રિટનનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચર અને આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિત ઘણા દેશોના વડાઓને પણ પુસ્તકોની મદદ માગતા પત્રો લખવા માંડ્યા.

સ્વાભાવિક રીતે બધા લોકો તરફથી તેમને સાનુકૂળ પ્રતિભાવ ન મળતો, પણ ઘણા નામાંકિત માણસો તરફથી તેમને પુસ્તકો મળવા લાગ્યાં. કેટલાક જાણીતા માણસો પુસ્તકો તો મોકલતા, પણ સાથે તેમની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા પત્રો પણ મોકલતા. એવો જ એક પત્ર તેમને લંડનની રોયલ એકડમી ઓફ આર્ટસના સભ્ય અને જાણીતા કલા વિવેચક હાર્બટ હીડ તરફથી મળ્યો હતો. તેમણે વેદેશ્વરની પ્રવૃત્તિની સરાહના કરતા પત્રની સાથે તેમને લંડનનાં વિવિધ કલા કેન્દ્રોનાં પુસ્તકો પણ મોકલ્યાં હતાં.

2016માં ફ્રેંચ આર્કિટેક્ટ ફ્રૅન્કોઇસ રોશેને ગણપતિ વેદેશ્વરનાં પુસ્તકાલય વિશે જાણીને બહુ રસ પડ્યો અને તેમણે વેદેશ્વરનાં ગામમાં જઈને તેમના પુસ્તકાલયમાં પ્રદાન કર્યું. તેમણે તેમની સહાયક સાથે મળીને પુસ્તકાલય ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી.

ગોકર્ણા ગામનું આ પુસ્તકાલય દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યું છે, પણ ગોકર્ણા ગામના રહેવાસીઓને વેદેશ્વરના પુસ્તકાલયની કદર નથી. વેદેશ્વરના પુસ્તકાલયને મદદ કરવામાં કોઈ ગામવાસીને રસ પડતો નથી. ગણપતિ વેદેશ્વર ગોકર્ણા ગામમાં પાંચ હજાર ફૂટનાં મકાનમાં તેમનું પુસ્તકાલય ચલાવે છે. તેમણે એનું નામ સ્ટડી સર્કલ લાઇબ્રેરી’ રાખ્યું છે. સાડા આઠ દાયકાથી ચાલતા તેમના આ પુસ્તકાલયમાં અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઉર્દૂ તેમ જ કન્નડ સહિતની ૪૦ ભાષાના વિવિધ વિષયોનાં પુસ્તકો છે. તેમના પુસ્તકાલયમાં ગુજરાતી પુસ્તકો પણ છે. એક લાખથી વધુ પુસ્તકો ધરાવતા પુસ્તકાલયમાં વેદ, ઉપનિષદ, સમાજવિદ્યા અને કવિતા સહિત અનેક વિષયોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમના પુસ્તકાલયમાં ૨૦૦થી ૬૦૦ વર્ષ જૂની ઘણી દુર્લભ હસ્તપ્રતો પણ છે.

વેદેશ્વર તેમના પુત્ર, પુત્રવધૂ અને ચાર વર્ષની પૌત્રી સાથે ખૂબ સાદગીભર્યુ જીવન જીવે છે. તેમનો પુત્ર આર્યમ પિતાનો વારસો સંભાળવા માટે તૈયાર થઈ ગયો છે. તે કહે છે કે અમારા વિસ્તારના ઘણા લોકો અમને ગાંડા ગણે છે, પણ મારા પિતા પાસેથી હું એટલું શીખ્યો છું કે લોકોની ટીકાટિપ્પણીઓની પરવા કર્યા વિના આપણે આપણું કામ કરતા રહેવું જોઈએ.

ગણપતિ વેદેશ્વરના પુસ્તકાલયમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. જો કે તેમના પુસ્તકાલયનો ઉપયોગ તેમના ગામના લોકોને બદલે દેશના વિવિધ વિસ્તારોના લોકો કરે છે. વિદ્યાર્થીઓથી માંડીને સંશોધકો અને ઈતિહાસકારો દેશના દૂરદૂરના વિસ્તારોમાંથી ગોકર્ણા ગામમાં ગણપતિ વેદેશ્વરના પુસ્તકાલયની મુલાકાત લે છે. તેમની આંખોમાં અનોખા આદમી માટે અહોભાવ અને આદરની લાગણી છલકતી હોય છે.

ગણપતિ વેદેશ્વર તેમના પુસ્તકાલયના ઘણાં દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો વેચી નાખે તો કરોડપતિ થઈ શકે, પણ સરસ્વતીના આ સાધકને લક્ષ્મીમાં રસ નથી. કેટલાક લોકો તેમને કહે છે કે તેમની પાસે કરોડો રૂપિયાનો ખજાનો છે, પરંતુ વેદેશ્વર કહે છે: મેં ક્યારેય એવી ગણતરી કરી નથી કે મારા પુસ્તકાલયના પુસ્તકોનું મૂલ્ય કેટલું છે. હું મારા આ સંગ્રહમાંથી કશું પણ ક્યારેય નહીં વેચું. આ પુસ્તકો મારા નથી, પરંતુ લોકોના છે.’

Image courtesy: Francois Roche.

Aashu Patell Aashu Patel’s Friends Group

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s