એક સત્ય ઘટના કે જે ઘણા વર્ષો પહેલા બની ગયેલી છે ..
વાર્તા લખતા પહેલા વર્તમાન સમયની મનુષ્યોની માનસિકતા ને અનુલક્ષીને થોડીક જરૂરી ભૂમિકા લખવી છે
.આ બનાવ બન્યાની ચોક્કસ ઈસવીસન ખ્યાલ નથી પણ વાતને વાર્તાના રૂપમાં ઢાળવા માટે ૧૯૩૨ અને ૧૯૩૫ લખ્યાં છે..એ માત્ર ત્રણ વર્ષનો સમયગાળો બતાવવા પૂરતા લખ્યા છે .એવી જ રીતે સંવાદોમાં પણ શણગાર કરવા દિલ્લી જેવા નગરનો સમાવેશ માત્ર મુખીની ઉંચી પહોંચ દેખાડવા જ કર્યો છે .
આ સમયમાં એ બનાવને કોઈ વધુ ભણેલા કે કોઈ વધુ પડતા બુદ્ધિશાળી માણસો માનવા તૈયાર કદાચ ન પણ થાય .
મેં પણ આ ઘટના ઘણાના મોઢે સાંભળી છે જોઈ નથી .છતાં મને જગતજનની જગદંબા આદ્યશક્તિનો અહેસાસ છે .હું અંધશ્રધ્ધાળુ નથી…એમ ..અશ્રધ્ધાળુ. પણ નથી
શ્રદ્ધા જેવું બીજું કોઈ બળ નથી એ હું માનું છું .
ઈશ્વર છે …એનો પ્રત્યક્ષ પુરાવો જેમ કોઈ ન આપી શકે એમ જ આ ઘટના સાચી છે એનો પુરાવો હું ન આપી શકું પણ કિવદંતી…… લોકવાયકાઓને નકારી ન શકાય …કેમ કે ન માની શકાય એવા ઘણા પ્રસંગો મેં મારી વિજ્ઞાનને માનતી નજરે જોયા છે ..લૌકિક માન્યતાઓ સાથે અનુભવ્યા છે .રતનપુર ગામની આથમી ગયેલી પેઢીના મુખે સાંભળેલી સત્ય વાત અહીં વાર્તા રૂપે રજૂ કરું છું .આ વાર્તાના મુખ્ય નાયક એટલે “બેચર મિસ્ત્રી” નું એક નામ સાચું લખું છું અને અન્ય પાત્રોના નામ બદલીને લખું છું ..બદલેલા નામ કોઈના નામને મળતા આવે તો માથે ન ઓઢવા .. મારી આ સત્ય ઘટના પર લખેલી વાર્તાના કોઈ પાત્ર અત્યારે હયાત નથી .
હું ભૂલતો ન હોઉં તો પંડ્યા પરિવારના કુળદેવી બહુચર માં છે .
હવે વાર્તા વાંચો …
વાર્તા :- “બેચર મિસ્ત્રી”
લેખક :- હિતેશ ભાલ
માં બહુચરનો મઢ એટલે આખા રતનપુર ગામની શ્રધ્ધાનો સરવાળો .જ્યારે અહીં માં બહુચરાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કંકુ પગલીઓ પડી હતી એવી લોકવાયકા છે …એટલું જ નહીં નવરાત્રીના નવ દિવસ ચોકમાં દીપમાળવાળી નાનકડી ગરીબીની સ્થાપના થાય પછી મઢ કોર્યથી એક કાળીદેવ ચકલી ઊડતી આવીને ગરબી ઉપર પળ-બેપળ બેસીને ઉડી જાય કેડયે …ત્યાં ચોકમાં ભક્ત પ્રહલાદ ,રા’નવઘણ ,વીર અભિમન્યુ જેવા ખેલ ભજવાતા. એમાં મનોરંજન ઉપરાંત હિન્દુસ્તાનનો ભવ્ય ઇતિહાસ, ઉગતી પેઢીના માનસપટ પર વાવવાનો આશય રહેતો .નવ દિવસ નાનોસુનો ફાળો થતો ..
બહુચરાજી મઢની ચાર વિધાની જમીનનું એક કટકું પણ હતું .ભાલની સૂકી ખેતીમાં કાંઈ વધુ આવકતો ન થાય પણ જે ભંડોળ ભેગું થાય એ ગામની ઉન્નતિ માટે સર્વાનુમતે વપરાય એ હેતુ નાણાં એકઠા થતા .ગામ લોકો નિઃસ્વાર્થભાવે ક્ષમતા અનુસાર સેવા આપતા .
આ મઢમાં ભુવા ના સ્થાન પર બેચરભાઈ મિસ્ત્રી હતા .આજે માતાજીના ગોંખલા સામું હાથ જોડીને એ કંઈક વિનવણી કરતા હતા .ગામના સાત-આઠ જણ પણ મઢમાં સાથે બેઠાં હતાં .ત્યારે ગોંખલામાં ચડાવેલ ફુલમાંથી કરેંણનું એક ફૂલ નીચે પડ્યું કે તરત બેચર મિસ્ત્રી ઉભા થઇ ગયા .
” લ્યો માતાજીએ રજા આપી છે “
આટલું બોલીને કોઈની રાહ જોયા વગર એણે વિરજી મુખીના ગામ ભણી ઉતાવળા ડગલાં માંડ્યા .
વાત એમ બની હતી કે …….
સવારે બેચર મિસ્ત્રી બહુચરાજી માતાના ખેતરે આંટો ગયા ત્યારે ..હમીર ત્યાં શેઢાના બાવળ,ખીજડિયા અને કેરડાના કો’ક કો’ક ફુમકા કોદાળીથી કાઢતો હતો .
બેચર મિસ્ત્રીએ કીધું ” અલ્યા …હમીરા.. ઈ શેઢાની એંધાણી શીદ ખોદે છો ભાઈ ??”
હમીર બોલ્યો ” ભુવાજી …શેઢો જ નઈ રે’ તો પસે એંધાણીને સું કરવી સે ??”
“પણ તને ખોદવાનું કોણે કીધું ?”
“ભુવાજી મને તો વિરજી મુખીએ દાડીએ રાખ્યો સે ..બાપા …અમે તો ચિઠ્ઠીના ચાકર .”
વિરજી મુખીનું નામ સાંભળીને બેચર ભુવા આખી વાત પામી ગયા .
બેય ગામ વચાળે પોણા ગાઉ નું અંતર એટલે એકબીજા ગામના સીમ-શેઢા ડોંઢયે ચડી ગયેલા એમ મંદિરનું આ ચાર વિઘાનું કટકું બાજુના ગામના વિરજી મુખીના એક શેઢે હતું .ઇ કટકું મફતના ભાવે પડાવી લેવા મુખી ઘણીવાર બેચર મિસ્ત્રીને લાલચ આપી ચૂકેલા .ધર્મરાજા જેવા બેચર ભુવા ક્યારેય લાલચમાં ન આવ્યા ..ઉડતા એ દરેક વખતે મુખીને સમજાવતા કે ‘મુખી આ ખેતર માથેથી ડોળો હટાવી લ્યો .’
પણ મુખીતો આંકડાનું માખીયું વગરનું મધ ગોત્યા કરવાના હેવાયા હતા .એમ આ જગદંબાનું ખેતર એને નધણીયાતું દેખાતું હતું .
હમીરાએ ડાંખરા ખોદવા પડ્યા મૂકીને ભુવા પાસે આવી ,પગની આંટી ચડાવી ,કોદાળીને ટેકે ઉભા ઉભા બેચર મિસ્ત્રીને કીધું ” ભુવાજી ..તમે ને તમારું ગામ અંધારામાં રીયું ..ને લાંબા હાથાળા વિરજી મુખીએ મંદિરનું ખેતર સરકારી ચોપડે એના આ કટકા ભેગું ભેળવી લીધું છે .”
બેચર મિસ્ત્રીએ નિહાકો નાંખ્યો”અલ્યા ,એને કોઈ કઈ હકે એમ નથી કે રાફડે હાથ નો નખાય !”
હમીર બોલ્યો ” ભૂંદરાને કોણ કે’ કે તારા ધૂંધે ગારો !!”
ભુવાજીની ભ્રકુટી ખેંચાણી. ગામમાં આવીને વાત કરી .અને માતાજીની રજા લેવા મઢમાં બેઠાં ત્યારે ગોંખલેથી કરેંણનું એક ફૂલ હેઠું ખર્યું .એથી વિરજી મુખીને એકવાર વાત કરવાની માતાજીએ મંજૂરી આપી એમ સમજી ભુવાજી પોણો ગાઉ પડખે આવેલા ગામ વિરજી મુખીની ડેલીએ આવીને ઊભા રહ્યા .ડેલીમાં ઢોલિયે બેઠા-બેઠા ચાર-પાંચ મફતિયા હાર્યે ગપાટા મારતા મુખીએ બેચર મિસ્ત્રીને આવેલા જોઈ અટહાસ્ય કર્યું ને પછી મર્મમાં કીધું ..
” આવો… બેચર ભુવા …આવો …મેં જ હમીરાને કીધું’તુ કે ભુવા ખેતર આવે એટલે વાત કાને નાખી દેજે ..જેથી ભુવાજી સમજણ કરવા એકાદ આંટો આવી જાય .”
બેચર ભુવા બોલ્યા ” વિરજી મુખી હું સમજણ કરવા નથી આવ્યો …એકવાર સમજાવી જોવાની માતાજી પાંહે રજા લઈને આવ્યો છું “
“કોણ માતાજી ??” એમ કહી મુખીએ ન ગમે એવા દાંત કાઢ્યા .
“તો તમે માતાજીને નથી માનતા એમ ને ??”
“સીધી વાત છે બેચર ભુવા, હું માનતો હોત તો કટકું ગળપ કરેત કાંઈ ??”
“બીક ય નથી ?”
“માનતા હોય એને બીક હોય ભુવા ..ને હું તો તમનેય કઉ છું ..ફદીયાં બોલો ફદીયાં…તમારી પરજાને કામ લાગશે .”
આમ કહી મુખીએ અંગુઠો અને પહેલી આંગળી બે- ચાર વાર ઘસીને રૂપિયાનો ઈશારો કર્યો.
” વિરજી મુખી મારે વસ્તારમાં એક દીકરી છે ને ઇ યે સાસરે સુખી છે ..ને દીકરો હોત તોય આવા અણહક્કના રૂપિયા લઉં ને દીકરાને અધર્મ શીખવાડું એવો નપાવટ હું નથી .”
ત્યાં બેઠેલા મફતિયા ને મુખીએ કીધું .” જોયોને હરિચંદર નો અવતાર ? “
ને ઇ મફતિયાઓ સાથે મુખીએ પણ અહંકાર ભર્યા દાંત કાઢ્યા .
બેચર ભુવા નમ્રતાથી બોલ્યા ” વિરજી મુખી ..વાડય ચિભડા ગળે..કાંઈ !..માતાજીનું ખેતર માતાજીને આપી દયો એમાં ભલાઈ છે .”
“ડારો કરતા પેલા વચાર કરજો ભુવા ..દિલ્લીની ડોઢીએ આ મુખીના ટેરવા અડે સે ..ઇ નઈ ભૂલતા .”મુખીએ મૂછે તા દીધી .
” મુશ્યુ તો ઉંદડાને મોઢે’ય હોય છે મુખી.”
“મોઢું હંભાળીને બોલજો ભુવા ..નકર માન નઈ રે .”
“માન તો લોકોના મનમાં હોવું જોયી મુખી …પદ અને પૈસાને તો બધા ઉપર્ય ઉપર્ય માન આપે .”
એમ કહી બેચર ભુવાએ બધા મફતિયા સામું જોયું .
” સો વાતની એક વાત ભુવા ..કટકું ભૂલી જાજો ..એક થી લાખે’ય કટકું પાછું નઈ મળે …જાવ ..કોરટ માં જઈને મારા કાંડે કડીયું ભીડાવી દેજો ..તમારું હાલે તો !”
“કડીયું ની કોરટ નાની છે મુખી …પણ કંકુ પગલાં વાળીની કોરટ બહુ મોટી છે હો !”
સાંભળીને મુખીએ હવે ગરમાટો પકડ્યો .” શું કરી લેશે મોટી કોરટ ?..ઝટ વાંહો બતાડો ભુવા ..નકર નો થાવાની થાહે .”
હવે બેચર મિસ્ત્રીની આંખ્યું લાલ થઈ ,અત્યાર સુધી વિનંતી કરતા હતા એ ભુવાના નેણ ખેંચાણા,નસકોરાં ફુલવા મંડ્યા ,આંખોમાંથી ક્રોધાશ્રુઓ વહ્યા ..અને શ્વાસની ધમણ નો અવાજ શેષનાગના ફૂંફાડા જેમ સંભળાવા માંડ્યો . બેચર મિસ્ત્રીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ રહેલા મુખી અને મફતિયાઓની જીભ તાળવે ચોંટી ગઈ .
બેચર મિસ્ત્રીએ દાંત ભીંસ્યા” વિરજી મુખી …હવે સાંભળી લે …મારી બધી ભગતી ભલે બળી ને ભસમ થઈ જાય ….મારી હવે જાવાની વેળા થઈ છે …પણ જે તથ્યમાં મારું મોત થાય ઈ તથ્ય તારી ડાયરીમાં લખી લેજે .મારા મોતના ત્રણ વરહ પુરા થાય ..તે’દી જ હું તને નાગ થઈને દંશ નો મારું તો બેચર મિસ્ત્રી નઈ.”
ભુવાજી આખા ડોલતા હતા …ક્રોધમાં ધ્રુજતા હતા .અંગારા જેવી આંખોથી ઘડીક મુખી સામું જોઈને ઝડપભેર ત્યાંથી ચાલતા થયા.. પણ ..સાતમે ડગલે ઉભા રહ્યા અને એજ તીખારા જેવી નજરે પાછું વળીને જોયું ….મુખી સામું આંગળી ચીંધીને બોલ્યા ” વિરજી મુખી ..તું પોતે એટલો ઝેરીલો છો કે એક વાર ડંશે તું નઈ મર્ય…તે’દી બે દંશ લાગે તો માનજે કે આ સાપોલીયું નઈ પણ બેચર મિસ્ત્રી છે …”
થોડાક જ દિવસોમાં બેચર મિસ્ત્રીએ દુનિયામાંથી વિદાય લીધી .
વિરજી મુખીની ડેલીએ આવીને હમીરાએ સમાચાર આપ્યા .
” મુખીબાપા… ઓલ્યા બેચર ભુવા તો ગ્યા.. ધામમાં “
” હમીરા.. જા તો .ઓસરીમાંથી આજનું તારીખિયાનું પાનું ફાડીને લેતો આવ્ય જોઉં .”
હમીરો તારીખિયાનું પાનું ફાડીને લાવ્યો એમાંથી જોઈને વિરજી મુખીએ પોતાની લાલ પૂંઠાવાળી ખિસ્સા ડાયરીમાં તિથિ લખી .અને ઈ. સ .૧૯૩૨ લખ્યું .પછી ઈ તારીખિયાનું પાનું ત્યાં ડાયરીમાં નિશાની રૂપે મૂકી દીધું .
બહુચર વાળું કટકું હવે વિરજી મુખીએ શેઢો ખેડીને પોતાના ભેગું ભેળવી દીધું હતું .
વખત જાતાં શું વાર લાગે !
બધા હવે બેચર ભુવાને અને બહુચર વાળા ખેતરને ભૂલી ગયા .
એકવાર વિરજી મુખી મેડી ઉપર પાટીવાળા ઉખરાટે ખાટલે સુતા હતા ને વાંહામાં કંઈક વાગ્યું .મુખી બેઠાં થઈને પાટીમાં હાથ ફેરવવા ગયા ત્યાં પાટી વચાળેથી નાગ નીકળ્યો અને હાથે બીજો દંશ દીધો …ને નાગે તો ખાટલા ઉપર ગુંડલું વાળ્યું.. કાથરોટ જેવડી ફેણ માંડી ..ત્યારે વિરજી મુખીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ ..
” એ …મને ..એરું… આભડયો…”
મુખી લાકડાનો દાદર ઉતરી ગયા ..દેકારો સાંભળીને પાડોશી પણ આવી ગયા .મેડી ઉપર ચડીને મોભિયા ઉખેળી… ઉપરથી ઉનું ફળફળતું પાણી રેડીને પાટીના ખાટલામાં જાણે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા નાગને મારી નાંખ્યો.
વિરજી મુખીની આંખ્યું ઘેરાવા માંડી .
છોકરાઓએ મુખીને કડ ઉતરાવવા ને કાં’તો મોટે દવાખાને લઈ જાવા માટે ગાડું જોડયું ..ને માલિપા ગાદલું પાથર્યુ.
ત્યારે મુખીએ લોચા વળતી જીભે છોકરાને કીધું .” મેડી ઉપરના ક..કબાટમાંથી મારી…..લાલ પૂંઠાવાળી….. નાની …ડાયરી …લ ..લ..લઈ.. આવ્ય ..જોઉં ….”
છોકરો સડસડાટ મેડી ઉપરથી એ ડાયરી લઈ આવ્યો .
મુખીએ એંધાણી રૂપે મૂકેલું તારીખિયાનું પાનું હતું ઈ પેઝ જોયું અને પાનું પણ જોયું …
ડાયરીમાં લખ્યું હતું …
” બેચર ભુવાની મૃત્યુ તિથિ …માગશર વદ છઠ્ઠ..ઈ. સ.૧૯૩૨…”
મુખીએ આજનું તારીખિયાનું પાનું ફાડી લાવવાનું છોકરાને ચીંધ્યું …છોકરો તરત એ લાવ્યો .મુખીએ આજનું પાનું જોયું …
” માગશર વદ છઠ્ઠ…ઈ. સ.૧૯૩૫”
મુખીએ ઘેનમાં ડોલતા ડોલતા આંગળીના ત્રણ વેઢા ગણ્યા .અને છોકરાવ ને કીધું ….
” ગ …ગાડું ..છોડી ..ન ..ન .નાંખો… મને ક્યાંય ..નો ..લઈ ..જ ..જ ..જાતાં .”
” પણ કેમ બાપા ??”
મુખીની આંખ્યું ધોળી થઈ ગઈ ,ગળામાં સોસ પડ્યો …ઘોઘરો બોલ્યો …અને છોકરાના ખોળામાં ઢળી પડ્યા ..ત્યારે એટલું બોલી શક્યાં..”બ..બેચર ..મીસ્ત્રી …”
– હિતેશ ભાલ
By~ Hitesh Bhal