(રવિશંકર મહારાજને ૯૦ વર્ષ થયાં એ નિમિત્તે પ્રકાશિત થયેલા ગ્રંથ ‘મૂઠી ઊંચેરો માનવી’માંથી)
વિત્તસંગ્રહ તો ન કર્યો, કર્મોનો સંગ્રહ પણ કર્યો નહીં
એક વખત હું અને દાદા ઉત્તર ગુજરાતમાં મોટરમાં જઈ રહ્યા હતા. મોટર ઊભી રહી અને નીચે ઊતર્યા. એટલામાં ડ્રાઇવરે મોટરમાં પડી ગયેલી આઠ આની બતાવી અને પૂછયું, ‘આ પૈસા કોના છે?’
મેં ગજવાં તપાસ્યાં અને કહ્યું,’મારા નથી.’ પણ રવિશંકરદાદાએ તરત કહ્યું ‘મારા માટે પ્રશ્ન જ નથી કેમ કે હું ગજવામાં પૈસા રાખતો જ નથી.’
અકિંચનત્વ રાજાઓનાં ઘરેણાં કરતાં અનેકગણું શોભી ઊઠે છે. રાજાઓને નમાવનાર આ ટોચના અકિંચનત્વને વરેલા પણ અતિશય શ્રીમંત માણસો વિરલ હોય છે. વૈરાગ્ય એટલે ‘ઇદમ ન મમ – આ મારું નથી’ એ વૃત્તિ. કેવળ અકિંચનત્વ જ એમણે સ્વીકાર્યું છે, એમ નથી. એમણે તો કરેલાં મહાન કાર્યો, કેવળ પોતાના વ્યક્તિત્વને લીધે જ સાકાર થયેલાં દિવ્ય કામોને પણ ‘ઇદમ ન મમ’, એમ ઠરાવ્યાં છે. આ વૈરાગ્ય અદ્ભુત છે.વિત્તનો વૈરાગ્ય એકાદ વખત સ્વીકારાશે પણ પોતે કરેલાં કામોનો પોતાને સ્પર્શ ન થવા દેવો, એ વૈરાગ્ય દુર્લભ છે! એમણે વિત્તસંગ્રહ તો ન કર્યો, કર્મોનો સંગ્રહ પણ કર્યો નહીં.
- પાંડુરંગ આઠવલે શાસ્ત્રી
tejas.vd@gmail.com