આપણું સુરવા મા થી સાભાર
“ગામડાનો વરો”નાડા ને બુંગણ ને કમંડળ ને ખુમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને ખમણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ શમિયાણાવાળા ય શહેરમાં જ હતા. એટલે માળવા કારવવા તાપડા-તાલપત્રી ને બુંગણ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોહમાંથી કે ઢાલ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા.
વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય ત્યાં જ નમ્ર બની ગયા હોય. સારથિયાની સારથનો લાભ અને સેવા નહીતર બરાબર મળે નહી. વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું. ચપટી સુરેશ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો હંધોય વહેવાર હારી રીતે હાચવવાનો. જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ ઠવડાવાનું નક્કી કર્યુ હોય તે ઇ તો “ઉહુઉઉઉક…. મારે નથી આવવુ, ધીરાની ઢયગમાં મોહનો ટાણે જ વાડીએ વયો ગ્યો’તો ઇ મને હજી હાંભરે છે..” કરીને રીહાય. એને વળી માંડ માંડ વડીલો મનાવે અને બીજે દિ ડાયરો હોય, ઘરધણી એની તૈયારી કરે.
બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ કે બાવાજીબંધુ હાથમાં નોતરાનો ખરડો લઇ, સાયકલ પર સવાર થઇ નિકળી ગયો હોઇ. તે ઇ કોકની ખડકી ખખડાવે, કોકનો ઝાંપો-ઝાંપલી હડસેલે, કોકના કમાડની સાંકળ પછાડે તો કોકનો ડેલો ધબધબાવી ને પછી હાદ પાડે- ઉંચા અવાજે- અદાલતનો પેલો નામ પોકારિયો હોય એમ વિશિષ્ટ લહેકામાં બોલે; ” એએએએએ ફલાણાભાઈ લાખણી કે લાખાણી પરિવાર 🎤ને ત્યાં રાતે ડાયરામાં, કાલસવારે માંડવે, કાલરાતે એક જણને અને પરમદિ’ બપોરે હાગમટે જમવાનું નોતરૂ છેએએએએએ..”
આહાહા…હા, આટલુ હાંભળીને તો મનમાં મધ રેડાતું. નોતરાવાળા બાવાજી હોય તો ખોબો’ક ધાન દેવાતુ. એ જતા રહે પણ આ બાજુ જેને જમવા જવાનું છે એના માનસપટ ઉપર એક આખુ ચિત્ર ખડુ થઇ જતુ. કોકનો વંડો કે શેરી માળી હોય, પવન ના લાગે એવા ખુણામાં બે ઉંડી મોટી ચૂલ હોય, કીચન સમકક્ષ એ વિભાગમાં કાચુ કરિયાણુ, બટેટા, શાકભાજી પડ્યા હોય, મગ બાફણા જગતા હોય ને મોટા તપેલાઓમાં રસોઇ રંધાતી હોય, આગલે દિ’ રાતે બનાવેલી ગુંદીના લાડવા વળાતા હોય, મીંદડી આંબી નો જાય એવી જગ્યાએ મોહનથાળ ચોકીમાં ઢાળેલો પડ્યો હોય, બાળકની રમકડાની મોટરના પૈડા હોય એવી સાઇઝમાં કોક મરચાને કાતરથી કાપીને તો કોક કોબીને ઇસ્ટીલના ઉંધા ગલાસથી સંભારા માટે સમારતા હોય, કોક બડબો ભરી હોય એવા થાળી-વાટકા-ગલાસને ગાભો મારતા હોય અને કોક કોક ડાંડ કીસમના હોય ઇ ગાડાની ઉંધે જઇ ફડાકા મારતા હોય.
હાંજ હોય, અંધારૂ થઇ ગયુ હોય અને પછી પીળા બલ્બ, બસ્સો બસ્સો વોટના ચાલુ થાય. જમવા માટેનો હાદ પડાઇ ગયો હોય એટલે નોતરના માણસો જે થોડે દુર બેઠા હોય એ આવવા લાગે. દાળ શાકના ડાઘવાળા પાતિયા (આસન પટ્ટા) પાથર્યા હોય પણ આજ એની કોઈને પરવા ના હોય.
આમ તો ભોજન માટેનુ મેનુ ફીક્સ જ રહેતુ… “રાણી બાદશાહ એક્કો અને લૈલા મજનુનું શાક” અર્થાત ગુંદી-ગાઠીયા- મોહનથાળ અને રીંગણા બટેટાનું શાક. વધુમા સંભારો, ફરફર અને આખરમાં દાળભાત… બસ આટલુ જ, વરસો સુધી ચાલેલા આ મેનુનો શોધક કોણ હશે ? અને એને એમે ય નહી થયુ હોય કે આ ડોહુ શાક… ખાવુ હેની હારે ?
તો ય જો કે લોકો તો ખાતા જ. અરે… ખાતા નો ધરાતા!! ઈ ગમે એમ કરી, ગાઠીયા ભેળવીને ય પણ શાક તો હોશેહોશે લેતા અને વળી ખાતા ય ખરા. અને ખાય કેમ નહી અલ્યા ??? એકનું નોતરૂ હોય તો પાંચ, ગણેહનું નોતરૂ હોય તો શ્રીફળ તથા રોકડા દહ રૂપિયા અને હાગમટે હોય તો પુરા પચ્ચીસ રૂપિયાનો પહ ભરાવ્યો હોય હો, ઈ તો વસુલ કર્યે જ છુટકો.આમ તો પહ લખાવતા પહેલા પટારો ફંફોસી, એમા ક્યાક હાચવીને મુકેલી, પોતાને ત્યાં ગયેલા પ્રસંગની નોટ ગોતી લેવાતી.જમીનનો દસ્તાવેજ હોય એવી એની જાળવણી થયેલી હોય કારણ કે કોણે કેટલો પહ ભરાવેલો એની નોંધ એમા પડેલી હોય અને એના આધારે જ અગિયાર લખાવવા કે એકવીહ.. એ નકકી થતુ.
જાન આવતી હોય તે દિ’ મેનુમાં થોડો સુધારો જોવા મળે. મોહનથાળની જગ્યાએ લિંબુડીયા રંગનો ટોપરાપાક હોય, ભજીયા કે અમરેલીથી ખમણ મંગાવ્યા હોય અને આગલે દિ’ સમેટીના- રાશનના ચોખા દાળભાત માટે વાપર્યા હોય તે આજ બાસમતિનું આંધણ મુક્યુ હોય.
વરવિવામાં એટલી સ્પર્ધા ન થતી જેટલી જાન આવી હોય તે દિ પીરસવામાં થતી. જુવાનિયાવ જાનડીયુને ભાવભેર જમાડવા ઓછા ઓછા- ભીના ભીના- અડધા અડધા થઇ જતા. જાન તરફથી સારથિયાઓને નેપકીન દેતા ઇ હરખ તો પાછો બોનસમાં ગણાતો. પંગત પડી ગઇ હોય, લાડવાવાળો આગળ પછી ઢેફલા પછી ગાઠીયા પછી ભજીયા પછી શાક પછી સંભારો પછી ચટણી પછી દાળ એમ એના આરક્ષિત ક્રમમાં હારથિયા પિરહવા લાગે, લેવુ હોય ઇ એમને એમ બેહે એટલે એની થાળીમાં વસ્તુ મુકાય અને આડો હાથ દેય એને ઠેકી જવાનો ધારો હતો.
લાડવો એક, ભજીયા બે દાણા, ખમણ ચપટીક, ગાઠીયા મુઠીક, એક ચમચો શાક… આટલી માત્રામાં જ પીરસવુ જેથી બગાડ ના થાય એવો નિયમ પણ અમલમાં રહેતો જ.
આ પ્રમાણે પીરસવાવાળા લાંબી લાઇન પુરી કરે ત્યા કમરના મણકા ફાટવા લાગ્યા હોય પણ ઉત્સાહ નામની ય કોઇ ચીજ હોય છે હો ભાઇ!!! જાડેરી જાન હોય તો પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય. પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચે ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ ગઇ હોય એટલે પીરસવાવાળા ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હોય તો ય ડોલુ, ખુમચા, કમંડળ બદલીને પાછા નિકળે. આમ ત્રણવાર પીરસાય, ત્રીજીવાર તો હડેડાટ-હોપટ નિકળી જવાનો આદેશ હોય. અને પછી દાળભાત… સારૂ ઘર હોય એને ત્યાંય કોઈ મહેમાન હોય ત્યારે જ દાળભાત બનતા એટલે એની ય આતુરતા જબ્બરી રહેતી. કેટલાક તો લીંબુ ખીસ્સામાં નાખીને લાવ્યા હોય તે ઇ નીચોવીને ખાવાનો આનંદ કોઇ વિશેષ પ્રકારનો રહેતો.
ગળામણનો ઇ જમાનો, તે વેવાઇ ફાચરા દેવા નિકળે. પરાણે-તાણ કરી કરીને મોઢામાં મોહનથાળના કે ટોપરાપાકના ઢેફલા ઠુસે. તો વળી, સામા પક્ષે ય ક્યારેક હરખના ગળકા આવે અને પછી સામસામે પરબારા મોંમા ફાચરા દેવાય. ખાતો હોય એના હાથ તો એઠા હોય જ.. જે તાણ કરવા નિકળ્યા હોય એના આંગળાના ટેરવા પણ કેટલાય હોઠોના જર્મ્સ ચોટેલા હોય જે હરખભેર શેર થાય. હુઘરાઇની એ પરંપરા હજુ ચાલુ જ છે.થોડે દુર પાણીનુ ટીપણુ સીધુ જ કોકની કુવાની મોટર ચાલુ કરીને ભરી આવેલા હોય. એમા ગ્લાસ જબોળી હાથ ધોવાય અને એ જ ગલાસથી મોઢે માંડી પાણી પીવાય. પ્રવેશદ્વારે ચાંદલો લખવાવાળા પાસે જો મુખવાસ હોય તો મુઠોભરે, કોઈ તો રૂમાલમાં ય બાંધે અને ખાધા જેવી મજા નહી.. સુતા જેવુ સખ નહી એમ કરી બધા વરે પડે. વરસો બાદ વરો આજે ઘણોખરો પ્રસંગ બન્યો છે. સાચા અર્થમાં બત્રીસ જાતના ભોજન પીરસાય છે. સદ્ધર થયેલો સમાજ દિલખોલીને પૈસા વાપરે છે. અને એમા ખોટુ ય શું છે ? જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો છે ને લોકો મનખ્યો માણી લેવાના મુડમાં છે.
ચોખવટ : આખા લેખને જાણીજોઇને તળપદા શબ્દોમાં લખવામાં આવ્યો છે. અને છેલ્લે ખરેખર આ જીંદગી જીવવા ની મજા ક્યાક જુદી હતી વાંચીને મોજ આવે તો કહેજો