રામ એટલે શું ?
આજે રામનવમી છે. ભગવાન રામનો જન્મદિવસ. નવનો અંક પૂર્ણ અંક છે. રામ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. તેઓ મર્યાદાપુરુષ છે. આજના આધુનિક માણસને મર્યાદા એટલે લિમિટ ગમતી નથી. એ અમર્યાદ વિહરવા માગે છે. મર્યાદાના બધા દરવાજા તેણે મોકળા કરી દીધા છે ત્યારે ભગવાન રામને યાદ કરવા જેવા છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતી કોરોના વાયરસની આપદા અમર્યાદ જીવનશૈલીનું જ પરિણામ છે.
કોરોના કે તેના જેવી બીજી આપત્તિઓનો જવાબ રામ પાસે છે.
રામને તમે ભગવાન માનો કે પછી અવતારી પુરુષ માનો, પણ છેવટે તો રામ એ ભારતનો પ્રાણ છે.
રામ ભારતની રજેરજ અને કણેકણેમાં છે. આ અખંડ ઉપખંડમાં સદીઓથી રામનો મહિમા થતો રહ્યો છે. કરોડો નહીં અબજો લોકો રામના ભરોસે જીવ્યા છે.
રામના નામે માત્ર પત્થરો તર્યા છે એવું નથી, કરોડો લોકો ભવસાગર પણ તર્યા છે.
અયોધ્યાના રામ આખા હિંદુસ્તાનના રામ છે. રામ ભારતના કૂળ-દેવતા છે. કોઈ પણ ભારતીયનો તમે એક્સરે કાઢો, તેમાં રામ દેખાશે જ. રામ ભારતના આરાધ્ય દેવ છે. જો ભારત દેશનું આધાર કાર્ડ કઢાવવું હોય તો ફોટો તો રામનો જ મૂકવો પડે..
અયોધ્યા તો ખાલી પ્રતીકાત્મક સરનામું છે, તમે કરોડો-અબજો ભારતીયોની અંદર જશો તો તરત તમને રામ બેઠેલા મળશે. ભારતમાં હજારો રામપુર નામનાં ગામ છે. તમને એક ગામ એવું જોવા નહીં મળે જ્યાં રામજીનું મંદિર નહીં હોય. અનેક દૂષણો અને પડકારોના હાહાકાર સામે રામનો જયજયકાર થાય છે એ ખરેખર તો માનવતાનો જયકારો છે.
રામને માત્ર ભગવાન તરીકે કે રામાયણના નાયક તરીકે ઓળખતા લોકો ભીંત ભૂલે છે.
તમે રામ વિનાનો એક નાનો ખૂણો શોધવા જશો તો નિરાશ થશો. ભારતમાં હવાનું બીજું નામ રામ છે. ભારતમાં આસ્થા અને શ્રદ્ધાનું બીજું નામ રામ છે. ભારતમાં પ્રેમ-આદર અને કરુણાનું નામ રામ છે.
જેમ હિંદુ ધર્મ એક જીવનશૈલી છે તેમ રામ એક જીવનનો અભિગમછે, ખ્યાલ છે.
ત્રણ ઉદાહરણો જોઈએઃ
(1) બાળપણમાં ગાંધીજીને અંધારાની બીક લાગી તો આયાએ સમજાવ્યું કે રામનું નામ લેવાથી ડર જતો રહે. કોઈ પણ પ્રકારના ડરનો સામનો રામ નામથી થઈ શકે.
(2) એક વાર વિનોબા ચાલતા ચાલતા ખેતરોમાંથી નીકળ્યા. એક ખેતરમાં અસંખ્ય પક્ષીઓ ઊભો મોલ ખાતાં હતાં, પણ ખેડૂત કશું કરતો નહોતો. વિનોબાએ ખેડૂતને પૂછ્યું કે તમે પંખીઓને ઉડાડતા કેમ નથી ? ખેડૂતે કહ્યું કે અત્યારે રામ પ્રહર ચાલી રહ્યો છે. એમાં પક્ષીઓ ખાઈ શકે..જે વ્યક્તિ રામ પ્રહરની વિભાવના સમજી શકે તેને ખબર પડે કે રામ કોણ છે.. ?
(3) ગાંધીજન ચંદ્રશેખર ધર્માધિકારી નાના હતા ત્યારે શબ્દ પૂરવણી ભરતા. એ વખતે તેમાં મોટાં મોટાં ઈનામો રખાતાં. તેમને માત્ર એક શબ્દ નહોતો આવડતો. તેમણે પિતા દાદા ધર્માધિકારીને એ શબ્દ પૂછ્યો.. દાદાએ શબ્દ કહીને પૂછ્યું કે કેમ તેની જરૃર પડી. બાળ ચંદ્દશેખરે કહ્યું કે હું એક સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું… મને હવે મોટું ઈનામ મળશે. દાદાએ નારાજ થઈને કહ્યું બેટા તમે હજી તો ખૂબ નાના છો. જો અત્યારથી હરામની કમાણીનો વિચાર કરશો તો રામની કમાણી ક્યારે ખાશો..
આ રામની કમાણી એટલે રામની સાચી ઓળખાણ.
ભારતમાં જે રામને ઓળખવા કે સમજવા માગે છે તેણે રામ પ્રહર અને રામની કમાણીને સમજવી પડશે…