By Panchat -July 10, 20190600 Share

એક ગામડું હતું અને એમાં એક દરજી રહેતો હતો અને એ દરજી નાના-મોટા દરેક લોકોના કપડાંની સિલાઈ કરતો અને એ કમાણીમાંથી પોતાનું રોજીંદુ જીવન પસાર કરતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાઈ શકે એટલું તો કમાઈ જ લેતા હતા.
આ દરજીની ખાસિયત એ હતી કે એ કપડાં એટલા સારી રીતે સિવતો કે તેના કપડા વર્ષો સુધી ચાલતા, એ જ ગામડાનો જે રાજા હતો એ ખૂબ જ દયાળુ હતો. એક વાર રાજાએ ખુબ જ ખુશ થઈને એ દરજીને પોતાના મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા. તો રાજાએ પેલા દરજીને એવો આદેશ આપ્યો કે રાજકુમારી માટે એકદમ સારામાં સારા કપડા તૈયાર કરવામાં આવે. તો રાજકુમારીના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી બીજાને કોઈને પસંદ કરતી હતી અને એની ઈચ્છા કપડાં સિવડાવવાની જરા પણ હતી નહિ. દરજી તો બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડા સીવવા માટે માપ લેવા માટે આવી પહોંચે છે.
તો એ રાજકુમારી લગ્નથી બચવા માટે એક યોજના બનાવી લે છે.
એ દરજીને પોતાના શયનકક્ષમાં બોલાવે અને બધી જ દાસીઓને રૂમની બહાર જવાનો આદેશ આપે છે અને બધી જ દાસીઓ રૂમની બહાર ચાલી જાય છે. હજુ તો દરજી જેવું માપ લેવાનું શરૂ કરે છે કે થોડી જ ક્ષણોમાં તો રાજકુમારી મોટે મોટેથી રડવા માંડે છે અને આખા મહેલને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવા લાગે છે અને દરજી તો અચાનક જ આવું થવાથી ભય અને ડરથી એકદમ સ્તબ્ધ થઈ ગયો. અને એ કંઈ સમજે એ પહેલા તો રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવે છે.
એટલે સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં પહોંચી ગયા.
અને રાજકુમારીએ તો એ દરજી ઉપર છેડતીનો આરોપ જ મૂકી દીધો. દરજી તો એ સાંભળીને ઉભા ઉભા કાંપી રહ્યો હતો અને એ દરજી પણ રોતાંરોતા રાજાને જણાવે છે કે એણે એવું કંઈ જ નથી કર્યું.
પણ રાજા દરજીની એક પણ વાત નથી સાંભળતો, અને એ દરજીને કેદ કરી લીધો અને પછી એને મોતની સજા સંભળાવવામાં આવી. એ પછી રાજાએ એવું એલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એના લગ્ન નહીં લેવામાં આવે.
જયારે આ વાતની ખબર દરજીની પત્નીને જાણ થઇ તો એ ભાગતી ભાગતી રાજમહેલ પહોંચી ગઈ. તેણે પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા પણ દીધા પણ રાજાને તો પોતાની દીકરીના અપમાન સામે કોઈપણ વસ્તુ જ નહતી દેખાતી. રાજાને દરજીની પત્ની પર દયા આવી અને રાજાએ તેને દરજી ના ગયા પછી આજીવન ભરણપોષણ પણ આપવાની પણ વાત કીધી.
પરંતુ દરજીની પત્નીએ રાજાના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને એક વચન માંગ્યું. રાજાએ પણ દરજીની જિંદગી સિવાય એ જે પણ કાંઈ માંગશે એ આપવાનું વચન આપ્યું, તો એ દરજીની પત્નીએ જણાવ્યું કે એ જે પણ માંગશે, તે રાજાથી એકલામાં માંગશે, એને દરબારના લોકો પર વિશ્વાસ નથી. માટે જ રાજાએ તો એની વાત માની લીધી અને પોતાના કક્ષમાં વાત કરવા માટે એને બોલાવી.
ત્યાંતો થોડા જ સમયમાં રાજાના કક્ષમાંથી મોટે મોટેથી રડવાનો અવાજ આવવા માંડ્યો અને બધા લોકો ભેગા થઇ ગયા અને રાજા તો ગુસ્સામાં ને ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયા. તો દરજી ની પત્નીએ ત્યાં આવી પહોંચેલા બધા લોકોને જણાવ્યું કે રાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. મારે ત્યાં હાજર બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા માંડ્યા.તો હવે રાજાને આખી વાત સમજમાં આવી ગઈ અને રાજાએ તરત જ દરજી ને છોડી મુકવાનો આદેશ આપ્યો. અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણતા જ જે ભૂલ થઇ હતી એની પણ માફી માંગી.
એ પછી એ બંને પતિપત્ની સન્માન સાથે ઘરે પહોંચ્યા અને પોતાની જીંદગી ફરીથી હસીખુશીથી જીવવા લાગ્યા.