Posted in गौ माता - Gau maata

ગૌરક્ષક રાજકુમાર

કટોસણ સ્ટેટનાં રાજકુમાર તખતસિંહજીએ રાજકોટમાં કરેલી ગૌરક્ષા

‘કંથા રણમે જાય કે, મત ઢૂંઢે કો સાથ;
તારા બેલી ત્રણ જણાં, હૈયું કટારી ને હાથ.’

‘રોકજો! રોકજો!’ એમ બૂમો પાડતા રાજકોટ શહેરમા જવાના નિર્જન રસ્તા પર કેટલાક માણસો સાત-આઠ ગાયોની પાછળ દોડતા જતા હતા. સામેથી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી રાજકુમાર હાથમાં તલવાર સાથે આવતો હતો. તેણે પેલા લોકોની બૂમો સાંભળીને નાસી જતી ગાયોને પોતાની તલવાર આડી કરી રોકી પછી પાછળ દોડતા આવતા માણસો તે ગાયો લઈને ચાલ્યા ગયા. તેમની પાછળ કેટલાક નાગરિકો દૂર ઉભા રહી આ દ્રશ્ય જોતા હતા. તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે, ‘જોયુ ? આ ક્ષત્રિય છે! ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવડાવવુ છે ને નાસી જતી ગાયોને રોકી કસાઈઓને સોપી. આપણે ગાયોને બચાવી હતી, ત્યાં આ કહેવાતા ગૌબ્રાહ્મણ પ્રતિપાળે તે ગાયોને અટકાવીને કસાઈઓને સોપી. આ કળિયુગના ક્ષત્રિય રાજકુમાર ગાયોનું રક્ષણ આમ જ કરે ને ?’
ઉપરના શબ્દો સાંભળતા જ તે કુમાર વિચારમાં પડ્યો અને વસ્તુસ્થિતિની તપાસ કરવા પોતાના માણસને મોકલ્યો. આ કુમારનું નામ હતુ ઝાલા તખતસિંહ. તે ઉત્તર ગુજરાતમાં કડી પાસે કટોસણ સ્ટેટનો રાજકુમાર હતો. કટોસણનો નાનકડો તાલુકો હતો છતાં પોતાના રાજકુમારને સારુ શિક્ષણ મળે તે માટે તેમના પિતાશ્રી કરણસિંહજીએ કાઠિયાવાડ-ગુજરાતમાં રાજકુમારોનાં શિક્ષણ માટે પ્રખ્યાત થયેલી એવી રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લેવા કુમારને મોકલ્યો હતો.
ગામડામાં ખુલ્લામાં કુદરતને ખોળે ઉછળેલા કુમારને કૉલેજનું જીવન કઈંક બંધિયાર જેવુ લાગતુ એટલે દરરોજ સવાર-સાંજે કુદરતી હવા ખાવા માટે કૉલેજની બોર્ડિંગનાં મેદાનમાં જતો હતો. અને ક્ષત્રિય ગમે તે કામે જાય છતાં પોતાની જીવનસંગિની તલવાર તો સાથે હોય જ. એટલે એ રીતે આજે વહેલી સવારમાં પોતે ખુલ્લામાં આંટો મારીને આવતો હતો અને ઉપરની ઘટના બની. કુમારની સાથે તેનો પસાયતો(નોકર) પણ હતો તેને તપાસ કરવા મોકલી કુંવર પેલા નાગરિકોની વાતો સાંભળતો ઉભો રહ્યો.
કુમાર તખતસિંહની ઉંમર માત્ર સોળ-સત્તર વર્ષની જ હતી. છતાં તેનું મજબૂત કદાવર શરીર જોનારને તેની ઉંમર વીસેક વર્ષની હશે એમ કહી આપતું હતુ. તેની હિંમત અને શક્તિ ભલભલા કસાયેલા યોદ્ધાને પણ હંફાવે એવી હતી. તે પોતે શિકારનો શોખીન હતો અને એકલે હાથે કદાવર પ્રાણીઓનો શિકાર કરતો હતો.

તપાસ કરતા વાત મળી કે સવારના પહોરમાં રાજકોટ શહેરનાં કેટલાક કસાઈઓ આઠ-દસ ગાયો લઈ બજારમાં થઈ જતા હતા. મહાજને તેની મોં માંગી કિંમત આપી તે ગાયો ખરીદી લેવા તેમને જણાવ્યુ હતુ પણ કસાઈઓએ મહાજનની માંગણી નકારી. થોડી રકઝક થઈ અને તે રકઝકમાં કિશોરો અને યુવાનોએ પેલી ગાયોને ભડકાવી નસાડી દીધી એટલે કસાઈઓ તે પકડવા પાછળ દોડ્યા હતા. તેવામાં આંટો મારવા નિકળેલ રાજકુમાર સામેથી આવતો હતો. તેણે ‘ગાયો રોકજો! ગાયો રોકજો!’ એવો અવાજ સાંભળી ગાયો રોકી અને માલધારી સમજીને કસાઈ લોકોને તે ગાયો વાળીને આપી. કસાઈઓ પણ કંઈ બોલ્યા વગર ગાયો સીધી કસાઈવાડે લઈ ગયા.
હકીકત સાંભળી રાજકુમાર તખતસિંહ વિચારમાં પડ્યો કે આજે સવારનાં પહોરમાં જ ગૌબ્રાહ્મણ પ્રતિપાળ હોવાનો દાવો કરનાર એક ક્ષત્રિય રાજાનો પુત્ર થઈ પોતાને હાથે જ નાસી જતી ગાયોને રોકી કસાઈઓને સોપી! જેથી આજે ગૌહત્યાનું પાપ માથે ચોટશે. ક્ષત્રિય પુત્ર માટે તો અજાણતા પણ ગૌહત્યાનું પાપ ભયંકર મનાય છે, તો હવે શુ કરવુ ? ગમે તેવુ જોખમ ખેડીને પણ ગાયો છોડાવવી જ જોઈએ- મનમાં એવો પાક્કો નિશ્ચય કર્યો.
આમ વિચાર કરી પોતે સીધો કસાઈઓની પાસે ગયો અને આજે આવેલી દરેક ગાયની યોગ્ય કિંમત લઈ ગાયો પોતાને સોપી દેવા તેમને જણાવ્યુ, પરંતુ કસાઈઓએ માન્યુ નહિ અને ચોખ્ખી ના પાડી દીધી. કુમારે પોતાની પરિસ્થિતિની ચોખવટ કરી તેમને ઘણા સમજાવ્યા. તેણે કહ્યુ : ‘ મેં અજાણતા ગાયોને રોકીને તમને સોપી તેથી કટોસણનાં રાજકુમારે કસાઈઓનાં હાથમાંથી નાસેલી ગાયોને પકડી કસાઈઓને સોપી ગૌવધ કરાવ્યો’ તેવી વાતો આખાયે શહેરમાં વાટે ને ઘાટે, ચૉરે ને ચૌટે ચાલી રહી છે. માટે ગમે તેટલી કિંમત લઈને પણ ગાયો તમારે મને સોપવી પડશે.
આમ ઘણુ કહ્યુ છતાં કુમારની કોઈ પણ વાત તે કસાઈઓએ ગણકારી નહિ. કસાઈઓ પણ હઠે ભરાયા હતા, તેઓ હજારો રૂપિયાથી પણ માને તેમ ન હતાં. કુમારે છેવટે આજીજી કરી, પરંતુ કુમારનાં કોઈ પણ પ્રયત્નો કામિયાબ નીવડ્યા નહિ. આથી કુમાર ખુબ ચીડાયો એક તો પોતે બરાબર ભૂખ્યો થયો હતો અને વળી કસાઈઓ કોઈપણ રીતે માનતા ન હતા. પોતે એક રાજકુમાર હોવા છતાં ખુબ જ આજીજી કરી તો પણ કસાઈઓએ જ્યારે માન્યુ નહિ ત્યારે છેવટે જીવના જોખમે પણ ગાયો બચાવવા તે કટિબદ્ધ થયો. કારણ કે –

“લાખ ગુમાવી શાખ રાખવી, શાખે મળશે લાખ;
લાખ રાખીને શાખ ગુમાવે, શાખ ગયે સૌ ખાખ.”

(ગમે તેમ લાખો રૂપિયાની મિલકતનું નુકશાન વેઠીને પણ આબરૂ સાચવવી જોઈએ, પરંતુ મિલકતનું રક્ષણ કરીને આબરૂ જવા દઈએ તો આબરૂ ગયા પછીનું બધુ જ નકામુ છે.)

કુમાર હવે જીવ ઉપર આવ્યો હતો તેને પોતાના નાકની કિંમત હતી. મનોમન નક્કી કરી લીધુ કે આજે માથુ અને ધડ જુદા પડી જાય તોય ભલે, પણ ગૌમાતાઓને છોડાવ્યા વગર નથી રહેવુ. તલવાર તાણી તે કસાઈઓ ઉપર તુટી પડ્યો. કસાઈઓ અને કુમાર વચ્ચે એક ભયાનક ધીંગાણુ શરૂ થઈ ગયુ. એકી સાથે તેણે ત્રણ-ચાર કસાઈઓને નાળિયેર વધેરે એમ વધેરી નાખ્યા અને કેટલાકને ઘાયલ કર્યા. કસાઈઓ પણ હવે હાથમાં ભયાનક હથિયારો લઈને રાજકુમારને ઘેરી વળ્યા. પરંતુ આખાયે અંગે ગુસ્સાથી કંપતો કુમાર આજે પોતાના શરીરનું ભાન ગુમાવી બેઠો હતો. તેને તો પોતાનું લોહી રેડીને પણ ગાયોને બચાવવી હતી એટલે તેના શરીરને થતી ઈજાઓ તો તેના ધ્યાનમાં પણ ન હતી. તેના હાથની તલવાર વીજળીના વેગે એટલી ઝડપથી ફરતી હતી કે તેની સામે કોઈ પણ રીતે ટકી શકાય એમ ન હતુ. છેવટે કસાઈઓ ઘાયલ થઈ ગાયો મુકી નાઠા. તેમણે પોતાનો માઢ(પોળ) બંધ કરી દીધો પણ કુમાર તો હવે મરણીયો બન્યો હતો તેને પોતાના જીવનની કંઈ જ પરવા ન હતી. તે પણ આખાયે શરીરે ઘાયલ થયો હતો. આખુયે શરીરે જુસ્સાથી ધ્રુજી રહ્યુ હતુ. આંખો લાલઘુમ થઈ ગઈ હતી, જાણે ત્રિપુરાસુરનો નાશ કરવા ભગવાન પિનાકપાણિ શંકર તૈયાર થયો હોય તેવો તે દીસતો હતો. તે નાસી જતા કસાઈઓની પાછળ પડ્યો. આથી કસાઈઓ માઢનાં દરવાજા બંધ કરી અંદર જવા લાગ્યા. માઢની નાનકડી બારી ખુલ્લી રહી ગયેલી તે બંધ કરનાર એક કસાઈ ઉપર પણ તેણે તલવારનો ઝાટકો માર્યો, પરંતુ તે ઝાટકો પેલા કસાઈએ ચુકાવી દીધો છતાં પણ તેની આંગળીઓ કપાઈ ગઈ અને બારી પરાણે બંધ કરવામાં આવી. કુમારની તલવારનો ઘા લાકડાના કમાડનાં ધ્રાગવા ઉપર અથડાવાથી તલવાર લાકડામાં ઉતરી ગઈ તેનું નિશાન કમાડનાં ધ્રાંગવા ઉપર થયુ. પછી અનેક જગ્યાએ ઘાયલ થયેલ કુમાર ગાયો વાળીને આવ્યો અને રાજકોટની બજારમાં આવી મહાજનની ઑફીસ આગળ લાવીને છુટી મુકી દીધી. અને મહાજનોની માફી માંગતા કહ્યુ કે- ‘માફ કરશો! અજાણતાં મારા હાથે કસાઈઓને ગાયો અપાઈ ગઈ હતી.’
મહાજનો તખતસિંહજીની મરદાનગી જોઈને વિવિધ પેરે પોરસાવવા લાગ્યાં :
‘રંગ બાપ! રંગ તને! રંગ તારી જનેતાને!… રંગ તારી રાજપૂતાઈને!..ભલે રાજકુમાર તખતસિંહ ભલે!’

કટોસણનાં ઠાકોર સાહેબ કરણસિંહજીને આ વાતની ખબર પડતાં જ તેમને પોતાના પુત્રના પરાક્રમથી પોરસ ચડ્યો અને પોતાની જાગીરના તમામ ગામોમાં સાકર વહેચાવી. કુમારની પાસે જઈ ઠાકોર સાહેબે તેને શાબાશી આપી કહ્યું : ‘બેટા! તે તો આપણી સાત પેઢીઓ ઉજાળી!’
કુમાર થોડો ખુશ થઈ બોલ્યો કે- ‘પિતાશ્રી મેં કાઈ મોટુ કામ નથી કર્યુ, ફક્ત ક્ષત્રિય ધર્મ નિભાવ્યો છે.’
જવાબ સાંભળી ઠાકોર સાહેબ રાજકુમારને ભેટી પડ્યા, પિતાની બાથમાં રહી કુમાર પોતાના શરીરે પડેલા ઘાની વેદના વિસરી ગયો.
………………………………………………………………………………
નોંધ:- ઉપરના ફોટામાં મુખ્ય ફોટો કાલ્પનિક છે જ્યારે એડિટ કરેલ નાનો ફોટો તખતસિંહજી બાપુનો રાજગાદી દરમ્યાનનો છે.

✍ટાઈપિંગ-ચેતનસિંહ ઝાલા✍

સંદર્ભ-(1) ગુજરાતની લોકકથાઓ(લેખક-ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ)
(2) કટોસણ સ્ટેટનો ઈતિહાસ(લેખક-દિનેશસિંહ હમીરસિંહ ઝાલા)
………………………………………………………………………………