Posted in PM Narendra Modi

મોદી અપ્રિય કેમ છે…???

……..સૌરભ શાહ…….

ઓસામા બિન લાદેનની કઈ પત્ની કે એના કયા સંતાનને બરાક ઓબામા પ્રિય હશે..? ગયા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું કે ૨૦૧૪ની પહેલી જુલાઈથી ૨૦૧૭ની ૩૧મી ઑક્ટોબર દરમ્યાન કુલ ૧૭૬ ઉચ્ચ સરકારી અધિકારીઓને જાહેરહિતને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થઈ જવાનું જણાવવામાં આવ્યું હતું. સાદી ભાષામાં કહીએ તો કામચોર, એદી, કરપ્ટ અને સરકારી કામમાં વિઘ્નો ઊભા કરનારા ઉચ્ચ અધિકારીઓને સરકારે પૂંઠે લાત મારીને તગેડી મૂક્યા છે. આમાં ગ્રુપ ‘એ’ના 53 અને ગ્રુપ ‘બી’ના 123 ઑફિસર્સ છે, જેમાં આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અફસરો પણ છે. આ ૧૭૬ જણમાંથી કયો માણસ મોદીને બચ્ચીઓ ભરવાનો છે? કે એમનાં પત્ની-છોકરાંને મોદી દીઠ્ઠેય ગમશે ખરા? કે પછી આ અધિકારીઓ જેમની સાથે સાઠગાંઠ ધરાવતા હતા એવા લોકોને મોદી પ્રિય હોવાના…?

ભારત બદલાઈ રહ્યું છે અને બદલાતા ભારતમાં મોદી અનેક લોકોને હર્ટ કરી રહ્યા છે. આઝાદી પછીના નહેરુ તથા નહેરુના વંશજોના રાજમાં કરચોરી એક સામાન્ય, રોજિંદી બાબત બની ગઈ હતી. ટૅક્સ ન ભરો તો તમે બુદ્ધિશાળી વેપારી ગણાવ અને ટૅક્સ ભરો તો તમારામાં વેપાર કરવાની આવડત નથી એવું મનાતું. મોદીએ આવીને શું કર્યું? ઈથોપિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને એવા અનેક આર્થિક રીતે પછાત હોય એવા દેશો કરતાં પણ જીડીપીની ટકાવારી મુજબ ઓછો ટૅક્સ ભરનારા આ દેશના વેપારીઓને જી.એસ.ટી. લાદીને પ્રામાણિક બનવા માટે મજબૂર કરી દીધા. મોટાભાગના વેપારીઓ ખુશ થયા – પ્રામાણિક બનવાનો મોકો મળવા બદલ. પણ બધા જ કંઈ ખુશ થયા હશે? એમના માટે મોદી જેવો મોટો રાક્ષસ બીજો કોઈ નહીં હોય. આવું જ નૉટબંધી વખતે થયું. બે નંબરની કમાણી પર ગુલછર્રા ઉડાવનારી પબ્લિકમાંથી કેટલાય હજુ પણ મોદીને પોતાનો દુશ્મન નં. ૧ ગણે છે. નૉટબંધીને લીધે અનેક લોકોના લાખો-કરોડો કાળાં નાણાં ડૂબી ગયા, ઓછા થઈ ગયા. છતાં આવા ઘણા લોકોએ આ પગલાંને સમજભેર વધાવી લીધું કારણ કે તેઓ દેશને ચાહનારા હતા. ઘણા લોકો હજુ સુધી નૉટબંધીને પચાવી શક્યા નથી. આવા લોકો માટે મોદી અપ્રિય જ રહેવાના. અત્યાર સુધી થતું આવ્યું હતું એ કે જે લોકો કરચોરી કરતા એમનાં ઘર, એમનાં કપડાં, એમની કાર, પ્રામાણિક કરદાતાઓ કરતાં અનેકગણાં ચડિયાતાં રહેતાં. ક્યારેક પ્રામાણિક કરદાતાને પણ પોતાનો રાહ છોડીને કરચોરી કરવાનું મન થઈ જતું એવા માહોલમાં તમે ને હું, સૌ કોઈ જીવ્યા છીએ. મોદીએ આવીને આ બધું જ બદલી નાખ્યું. હવે કરચોરોને પણ પ્રામાણિક બનવાના ફાયદા જણાયા, પ્રામાણિક બનવાની તાલાવેલી લાગી અને જેઓ ઑલરેડી પ્રામાણિકતાની જિંદગી જીવી રહ્યા છે એમના જીવને ધરપત થઈ કે પોતે કંઈ બેવકૂફ નહોતા. મોદી ૭૦ વર્ષથી ચાલી આવતી આ માનસિકતા બદલી રહ્યા છે ત્યારે અમુક વર્ગમાં તેઓ અપ્રિય રહેવાના જ છે.

સાડા સોળ કરોડ રાંધણગેસનાં કનેક્શન્સ કૉંગ્રેસ સરકારે આપ્યાં હતાં. ‘આધાર’ કાર્ડ પણ કૉંર્ગેસ શાસનની જ નીપજ છે. મોદીએ આવીને આ ‘આધાર’ કાર્ડને એલ.પી.જી. કનેક્શન્સ સાથે જોડી દીધાં. અને સાડા ત્રણ કરોડ બનાવટી કનેક્શન્સ પકડીને દૂર કરી નાખ્યા. આ સાડા ત્રણ કરોડ ગેસ કનેક્શન્સ ઘરમાં વપરાવાને બદલે હૉટેલમાં તેમ જ અન્ય ઈન્ડસ્ટ્રીયલ/કમર્શિયલ કામોમાં વપરાતા હતા. સરકાર તમને ઘર ચલાવવાનો ખર્ચ ઓછો આવે એ માટે ગેસના બાટલા પર સબસિડી આપતી હતી. પેલા સાડા ત્રણ કરોડ ભૂતિયા કનેક્શન્સ ટૅક્સપેયર્સના પૈસે સબસિડીવાળા બાટલા મેળવીને પોતાની વેપારી પ્રવૃત્તિઓ કરતા. મોદીએ એમને તમારા પૈસે જલસા કરતા બંધ કરી દીધા. આ સાડા ત્રણ કરોડ ગેસ કનેક્શન્સ જે જે લોકો પાસે હતાં એમને શું મોદી વહાલા લાગવાના છે…?

સાડા અગિયાર કરોડ રેશન કાર્ડને ‘આધાર’ સાથે જોડી દીધા પછી ખબર પડે છે કે આમાંથી દોઢ કરોડ કરતાં વધુ રેશન કાર્ડ ભૂતિયા હતા.

મોદીએ વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ૩૪૨ રાજકારણીઓ સરકારી જમાઈ થઈને સરકારી બંગલોઝમાં રહેવાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ત્યાં પડ્યાપાથર્યા રહેતા હતા. મોદીના આવ્યા પછી, છેલ્લાં ત્રણ સાડા ત્રણ વર્ષમાં હવે માત્ર ત્રણ જ રાજકારણીઓ ગેરકાયદે સરકારી બંગલોમાં રહે છે. પેલા ૩૩૯ રાજકારણીઓ મોદીને કઈ રીતે ચાહી શકવાના છે…?

સંસદસભ્યો પર કરવામાં આવતા (ભ્રષ્ટાચાર વગેરેના) કેસ વર્ષો સુધી લંબાતા રહે છે. નાઈન્ટીઝના ચારા ગોટાળાના કેસમાં લાલુને છેક હમણાં સજા થઈ. બબ્બે-ત્રણ ત્રણ દાયકા સુધી ચાલતા આવા કેસમાં મોટે ભાગે રાજકારણીઓ છૂટી જતા હોય છે કારણ કે કેસને રફેદફે કરવા માટે, સાક્ષીઓને ધમકાવવા માટે, ઈન્વેસ્ટિગેટર્સની બદલીઓ કરવા માટે વગેરે તમામ નીચ કાર્યો કરવા માટે આટલો સમયગાળો મોર ધેન ઈનફ છે. મોદી સરકાર ઈનિશ્યેટિવ લઈને સંસદસભ્યો પરના કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરી રહી છે અને રાજ્યસભામાં કૉંગ્રેસી સભાસદો એનો વિરોધ કરી રહ્યા છે. આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ક્યારેક ખુદ ભાજપના સંસદસભ્ય સામે પણ કેસ ચાલવાનો. કયા કરપ્ટ એમ.પી.ને આવા પગલાં બદલ મોદીનાં ચરણ ચૂમવાનું મન થશે…?

અને પેલી ત્રણ ચાર હજાર એનજીઓને તાળાં લાગી ગયાં છે એમાંની કઈ એનજીઓની બહેનજીઓ જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જેવા ભારતના સમાજમાં જાતિવાદનું ઝેર ફેલાવી રહેલા અને ગલીના ગુંડાની કક્ષાનું રાજકારણ રમીને કેટલીક પ્રજાને ઉશ્કેરી રહેલા તોફાનીઓના હાથ મજબૂત નહીં કરે…?

મોદી આવા લોકોમાં ખૂબ અપ્રિય છે. આપણે ઈચ્છીએ કે મોદી ભવિષ્યમાં હજુ પણ આકરાં પગલાં લઈને દેશને વધુ મજબૂત બનાવે, વધુ સ્વચ્છ બનાવે અને આવા લોકોમાં અત્યારે છે એના કરતાં પણ વધારે અપ્રિય બનતા રહે. મોદીની આવી અપ્રિયતાને બૅલેન્સ કરવા માટે આપણા જેવા બેઠા છીએ પછી એમણે ચિંતા કરવાની ના હોય.

આજનો વિચાર……

સૌ કોઈ કહ્યા કરે છે કે મોદીને હરાવવા તમામ વિપક્ષી નેતાઓએ એક થવું પડશે. કોઈને એ કહેવાનું નથી સૂઝતું કે મોદીને હરાવવા મોદી કરતાં બહેતર કામો કરવાં પડશે.