Posted in श्री कृष्णा

શું આપણે હેપ્પી જન્માષ્ટમી કહેવાને લાયક છીએ? – જયવંત પંડ્યાનો બ્લૉગ


શું આપણે હેપ્પી જન્માષ્ટમી કહેવાને લાયક છીએ?

જયવંત પંડ્યાનો બ્લૉગ

શ્રી કૃષ્ણની રાસ લીલા, નિયમો તોડવાની વાતને વધુ કહીને કેટલાક બુદ્ધુજીવીઓ હિન્દુઓને ગેરમાર્ગે દોરવાનું અર્બન નક્સલી કામ કરે છે ત્યારે આપણે આજે પોતાની જાતને અને આવા બુદ્ધુજીવીઓને કેટલાક પ્રશ્નો પૂછીએ.

૧. આપણે શ્રી કૃષ્ણની જેમ સુદામા જેવા આપણા મિત્રોને સાથ આપીએ છીએ? આર્થિક મદદની વાત નથી, પણ માનસિક સધિયારો પણ આપીએ છીએ? શ્રી કૃષ્ણ રાજા હતા, દુનિયાભરનાં કામો હતાં, તોય બાળપણનો ગોઠિયો મળવા આવ્યો એટલે પગ ધોઈ આદરથી આવકાર આપ્યો, વિશેષ સમય કાઢી તેની સાથે બાળપણનાં સંભારણાં તાજાં કર્યાં, પત્નીઓ સમક્ષ પણ તેનો પરિચય આદર સાથે કરાવ્યો. આપણે સફળ થયા પછી બાળપણના કે કૉલેજના મિત્રોને ભૂલી નથી જતા ને? કોઈ મિત્રને વિપરીત ઘડી આવે તો તેના ફૉન ઉપાડવા કે તેના વૉટ્સએપ સંદેશાનો જવાબ આપવાનું બંધ નથી કરી દેતા ને? આ પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ. અને સાથે જ જ્યારે આપણો મિત્ર વિષાદમાં ફસાયો હોય, કિંકર્તવ્યમૂઢ હોય ત્યારે તેનો સાથ છોડી દેવાના બદલે તેને સમજાવીએ છીએ? અને સમજાવીએ છીએ તો પણ તેને પસંદ પડે તેવો જવાબ આપીએ છીએ કે પછી તેને હિતકારી હોય તેવો જવાબ આપીએ છીએ? અને હિતકારી જવાબ આપીએ તો પછી એવો હઠાગ્રહ રાખીએ છીએ કે ના, મેં કહ્યું તેમ તારે કરવું જ પડે, નહીંતર તારો ને મારો સંબંધ પૂરો? કે પછી શ્રી કૃષ્ણની જેમ ‘યથેચ્છસિ તથા કુરુ’ કહીને ઉદ્દીપક જેવું પોતાનું કામ પૂરું કરવું તેવું આપણે કરીએ છીએ?

૨. પોતાના ગામ પર, રાષ્ટ્ર પર સંકટ આવે ત્યારે, “હું એકલો શું કરી શકું?” તેવી ભાવના આપણા મનમાં નથી જન્મતી ને? શ્રી કૃષ્ણએ તો નાનપણથી જ રાક્ષસોનો સંહાર કરવાનું શરૂ કરી દીધું હતું. નાનપણથી જ આવતાં સંકટો વખતે માથે હાથ દઈને કે હાથ ખંખેરીને બેસી નહોતા ગયા કે હું તો નાનો છું, એકલો શું કરી શકું? કંસ હોય કે જરાસંધ કે દુર્યોધન, અત્યાચારીઓ સામે કળ, બળ અને છળથી પણ લડવાનું તેમણે જ શીખવાડ્યું.

૩. કોઈ અબળા પર આફત હોય ત્યારે આપણે વિડિયો નથી ઉતારતા ને? કોઈ સ્ત્રીની છેડતી થતી હોય ત્યારે મૂંગા મોઢે જોતા નથી ને કે પછી ‘આવી માથાકૂટમાં કોણ પડે?’ તેમ કહી ચાલતી પકડતા નથી ને? પોતાની વાતો દ્વારા, પોતાની કલા દ્વારા, પોતાના લેખન દ્વારા, સૉશિયલ મિડિયા પર સૉફ્ટ પૉર્ન પ્રકારની પૉસ્ટ દ્વારા સ્ત્રી પર અત્યાચાર થાય, સ્ત્રીને ફટાકડી તરીકે જોવામાં આવે, તેને ચીજ તરીકે-વસ્તુ તરીકે જોવામાં આવે તેવું વાતાવરણ નિર્માણ નથી કરતા ને? રાધા સાથેના પ્રેમને વ્યભિચારનું નામ આપીને શ્રી કૃષ્ણના ઉદાહરણ દ્વારા અનૈતિકતાને પોષતા નથી ને? શ્રી કૃષ્ણ એક માત્ર વ્યક્તિ હતા જેણે દ્રૌપદીની લાજ બચાવી હતી. ગોપીઓનાં વસ્ત્રો હર્યાં તેની પાછળ કોઈ કામ લીલા નહોતી, પરંતુ ગોપીઓને સંદેશો હતો કે જાહેરમાં તમારે તમારી ગરીમા જાળવવી જોઈએ.

૪. આપણા સગાવહાલાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો મોડા પહોંચી, જમીને, શુભેચ્છા આપીને નીકળી જતા નથી ને? કામ તો એ લોકો કરશે તેમ નથી વિચારતા ને? મારે તો મારા દીકરાની પરીક્ષા છે, ઘરનાં કેટલાં કામ હોય તેમ બહાના બનાવીને ઘરે ટીવી જોવા બેસી નથી રહેતા ને? અને પછી આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે લોકોને દોષ દેતા હોઈએ કે કોઈ મદદ કરવા નથી આવ્યું. આવું તો કરતા હોય તો પહેલાં આપણે કેટલા પ્રસંગોમાં દોડીને કામ કરવા ગયા તે આપણી જાતને પૂછવું જોઈએ. શ્રી કૃષ્ણએ તો રાજસૂય યજ્ઞમાં પતરાળાં ઊંચકવાનું કામ કર્યું હતું.

૫. આપણે હંમેશાં કમ્ફર્ટ ઝૉનમાં જ રહેવાનું પસંદ નથી કરતા ને? શ્રી કૃષ્ણએ તો નાનપણમાં જ ગોકુળ છોડી દીધું અને તે પછી જરૂર પડી તો મથુરા પણ છોડી.

૬. આપણે ખોટું કામ કરતા આપણા લોકોને સાથ નથી આપતા ને? શ્રી કૃષ્ણએ મદમાં છકીને સદાચારી ઋષિઓની મજાક કરવા ગયેલા પોતાના જ વંશજોને બચાવ્યા નહીં. અત્યારે તો સદાચારીઓની મજાક કરવી એ ફેશન છે. આપણે આવા લોકોમાં નથી આવતા ને?

૭. કોઈ આપણી ટીકા કરે ત્યારે તેનાથી નીચલી સ્તરે ઉતરીને આપણે ગાળો ભાંડવા નથી માંડતા ને? અને પછી પાછા હું તો શ્રી કૃષ્ણ જેવો, સુદર્શન ચક્ર ચલાવું તેમ કહીને પોતાની જાતને શ્રી કૃષ્ણ સાથે નથી સરખાવતા ને? કારણકે શ્રી કૃષ્ણની જેમ શિશુપાલ પર સુદર્શન ચક્ર ચલાવવા સો ગાળો ખાવાની-સાંભળવાની હિંમત જોઈએ.

૮. શ્રી કૃષ્ણએ નરકાસુરને ત્યાં કેદ રહેલી સ્ત્રીઓને સમાજમાં માનભર્યું સ્થાન મળે તે માટે સોળ હજાર સ્ત્રીઓને પત્ની બનાવી. આ આંકડો કદાચ વધુ હોઈ શકે કે પછી સમ્સ્કૃત (સંસ્કૃતનો સાચો ઉચ્ચાર સમજાય તે માટે આ રીતે લખ્યું છે. તેનો ઉચ્ચાર સન્સ્કૃત નથી.) શ્લોકનું અર્થઘટન ખોટું હોઈ શકે, પરંતુ તેમણે આ કામ સ્ત્રીઓની ગરીમા માટે કર્યું હતું. પરંતુ આ સિવાય તેઓ ધારત તો કુબજાથી લઈને દ્રૌપદી સહિતની સ્ત્રીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી શકત. તેઓ મનમોહન હતા. મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. પરંતુ તેમણે તેમ કર્યું નથી. આવું તો આપણે નથી કરતા ને? મુગ્ધ છોકરીઓને, પરિણિત કે અપરિણીત સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવી અને પછી પાછા શ્રી કૃષ્ણની સાથે આપણી જાતને સરખાવી તેને રાસલીલાનું રૂપાળું નામ આપવું તેવું નથી કરતા ને?

આ આઠ સવાલોની અષ્ટમી પર ચિંતન કરી જન્મને સુધારીએ તો જ જન્માષ્ટમી સાર્થક ગણાય.

Author:

Buy, sell, exchange old books