Sandesh Newspaper
31 મે 2018
મારી કલ્પના-વૃક્ષ પ્રેમિ વાંદરા
સિદ્ધાંતપુર નામનું એક ગામ હતું. ગામની બાજુમાં જ એક જંગલ હતું. આ જંગલમાં ચિમ્પુ નામનો એક વાંદરો રહેતો હતો. તે સ્વભાવે મસ્તીખોર હતો, પણ તે કોઈ પણ દિવસ ઝાડ પર કૂદાકૂદ કે મસ્તી કરતો નહોતો. જેને કારણે ઝાડ પર રહેતાં બધાં જ પક્ષીઓ તેનાથી ક્યારેય નારાજ થતાં નહીં.
ચિમ્પુના બીજા બધા મિત્રો તેને ઝાડ પર રમવા બોલાવે તોપણ તે ના કહી દેતો, કેમ કે તેને સિદ્ધાંતપુર જંગલની વન્યસૃષ્ટિ પ્રત્યે અપાર લગાવ હતો. તે નાનો હતો ત્યારે તેને કોઈ મદારી આ જંગલમાં મૂકી ગયો હતો. તેના માટે આ જંગલ નવું ઘર હતું.
તેમ છતાં જંગલનાં બીજાં બધાં પ્રાણી અને પક્ષીઓએ તેને પોતાના કુંટુબનો સભ્ય સમજીને ઉછેર્યો હતો. તેના સાથીમિત્રો બીજા વાનરોને પણ તે કૂદાકૂદ કરવાની ના કહેતો. તેમને સમજાવતો જે બીજા પક્ષી અને પ્રાણીઓને નુકસાન થાય તેવું કાર્ય કરવું નહીં.
એક દિવસ બાજુના જંગલમાંથી એક વાંદરો ત્યાં આવ્યો. તે આવ્યો તો માત્ર ફરવા માટે પણ તેને જંગલ ગમી ગયું. તેણે જંગલનાં પ્રાણીઓ પાસે ત્યાં રહેવાની અનુમતિ માગી. બધાં જ પ્રાણીઓએ તેને સિદ્ધાંતપુરના જંગલમાં રહેવાની ના કહી દીધી.
આ જોઈ ચિમ્પુએ બધાં જ પ્રાણીઓને સમજાવ્યાં, તેથી તેને એક ઝાડ પર વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે ચિમ્પુ જ્યારે સવારે ઊઠયો ત્યારે તેણે જોયું કે બધાં પક્ષીઓના માળા જમીન પર હતા. બધાં પંખીઓ રડતાં હતાં. મેનાનાં તો ઈંડાં જ ફૂટી ગયાં હતાં.
ઝાડનાં બધાં ફળો નીચે પડયાં હતાં. કેટલીક ડાળીઓ તૂટી ગઈ હતી. ઝાડનાં બધાં ફળ ગંદાં થઈ ગયાં હતાં. આ બધું જોઈ ચિમ્પુ બહુ જ ગુસ્સે થયો અને પંખીઓને પૂછયું ત્યારે તેને ખબર પડી કે પેલા નવા આવેલા વાંદરાએ સવાર સવારમાં ઊઠીને આખા ઝાડ પર કૂદાકૂદ કરીને પંખીઓના માળા અને ઝાડનાં ફળ નીચે પાડી દીધાં.
એટલામાં જ મેના બોલી, “ચિમ્પુભાઈ, આ બધું તમારા કારણે જ થયું છે. તમે પેલા વાંદરાને અહીં રહેવા ન દીધો હોત તો આજે આ બધું બન્યું જ ન હોત” આ સાંભળીને ચિમ્પુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે બધાં પંખીઓ સાથે મળીને નવા વાંદરાને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો.
નવો વાંદરો જંગલમાં મસ્તી કરીને પાછો આવ્યો ત્યારે કોઈએ તેને ઝાડ પર ચઢવા ન દીધો. રાતનો સમય હતો. તેને ચિમ્પુ સિવાય કોઈ સાચવે તેમ નહોતું. ચિમ્પુએ પણ તેને ઝાડ પર આવવાની ના કહી દીધી. આખા જંગલમાં કોઈએ પણ તેને ઝાડ પર ચઢવા ન દીધો.
આખી રાત તેને જમીન પર બીક સાથે જાગીને બેસી રહેવું પડયું હતું. રાત્રે જેવો તે આંખ બંધ કરીને ઝોકું ખાવા જતો કે આસપાસના વિસ્તારમાંથી રાની પશુઓનો અવાજ આવતો. આખી રાત તેણે આમ જ બીકમાં પસાર કરી.
સવાર થતાં તેણે બધાં જ પક્ષીઓ અને પ્રાણીઓની માફી માગી અને પોતાના ગામમાં પાછા ફરવાની વાત કરી. તેનામાં આવેલા પરિવર્તનને કારણે જંગલના બધા જ સભ્યોએ તેને માફી આપી અને જંગલમાં જ રોકી લીધો.