Posted in कहावतें और मुहावरे

કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો


કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

મહાસાગરમાં ડૂબકી દેનારા મરજીવાની મુઠ્ઠીઓ શંખ, છીપલાં, કોડીઓ અને મુલ્યવાન મોતીડાંથી ભરાઈ જાય છે એમ લોકસાગરની લ્હેરોની સેલગાહ કરતો કોઈ સંશોધક મરજીવો કોઠાસૂઝવાળા ‘લોક’-ના હૈયાકપાટ કને પહોંચીને એને ઉઘડાવી શકે તો લોકસંસ્કૃતિ, લોકવિધા, લોકવાડ્‌મયની અપાર સમૃદ્ધિ હાથ લાગે છે. પોરસીલો કણબી જેમ ખાતર-પાણીવાળા ખેતરમાંથી મબલખ મૉલ લણે છે એમ સૂઝવાળો સંશોધક લોકવાણીમાં ફરતાં- તરતાં લોકગીતો, લોકકથાઓ, કહેવતો, જોડકણાં, દુહા, ઉખાણાં, ડીગ, ઉક્તિઓ, હડૂલા રામવળા, કૃષ્ણવાતા, પાંચકડા, ખાંયણાં, મરશિયા, રાજિયા, છાજિયા, ઉક્તિઓ વગેરેની અપાર કંઠસ્થ સામગ્રી પ્રાપ્ત કરી શકે છે.
લોકરંગનું મેઘધનુષ પ્રગટાવનારા અન્ય પ્રકારોની વાત ફરી કોઈ વાર, પણ આજે તો લોકવાણી ને ઘરેણા જેવી કહેવતો, ઉક્તિઓ અને દુહાની દુનિયામાં ‘ત્રણ’ વસ્તુઓ વડે ઉપદેશ- બોધ આપવામાં આવ્યો હોય એવી દુહાની લોકવાણીની અનોખી ડાબલી ઉઘાડવી છે. ગામડાં ભાંગીને ફાટફાટ થતાં શહેરોમાં ડોનેશનવાળા ‘ભણતર’ની બોલબાલા છે પણ ‘ગણતર’ની સંસ્કૃતિની, સંસ્કારની તો કોઈ વાત જ કરતું નથી; ત્યારે આ ‘ગામડિયા ગણતર’ની વાત માંડવી છે. એક કાળે આપણા વિદ્વાનો જેની ગમાર ગામડિયાના ગાણાં તરીકે ઉપેક્ષા કરતા, નાકનું ટીચકું ચડાવતા કે મોં મરડતા એ ‘ગણતર’ દ્વારા લોકસમાજનું ઘડતર થતું, જીવનને વ્યવહારજ્ઞાનથી તરબતર કરતું, એને સંસ્કાર સમૃદ્ધ બનાવતું. આ ઉખાણાં, કહેવતો, ઉક્તિઓ એ શબ્દાળુ સસ્તી રમત જ નહોતી પણ આપણી સાંસ્કૃતિક વિરાસત પણ હતી.
જીવનભર ગુજરાતની ભવાઈને જીવાડવા સંઘર્ષ કરી ૯૨ વર્ષની જૈફ વયે અમદાવાદમાં જીવનનો થાક ઉતારનારા કવિ, કલાકાર અને સંગીતકાર પાંચોટના શ્રી વિઠ્ઠલદાસ પાંચોટિયાએ એકવાર જૂની ભવાઈના વેશોની વાત કરતાં કઈ ‘ત્રણ’ વસ્તુ અલેખે જાય છે તેની રસપ્રદ માંડણી કરી હતી. આજે તેઓ હયાત નથી પણ મારા ચોપડાનું ટાંચણ બોલે છે ઃ
રોતલ રખવાળાં કરે, ભેંસ માંદળે નહાય;
નકટી આભૂષણ ધરે, એ ત્રણે અલેખે જાય.
*
દંભીજન ટીલાં કરે, હલક હામી થાય;
મેલો મંતર ભણે, એ ત્રણે એલેખે જાય.
*
માનુનિ મહિયર વસે, પરનારીનો પ્રેમ;
વેશ્યા વિઠ્ઠલને ભજે, એ ત્રણે અલેખે જાય.
*
રખડેલ રખવાળી કરે, વ્યંઢળ કરે વિવાહ;
ભોગી જોગી વેશ ધરે, એ ત્રણે અલેખે જાય.
*
સમુદ્રમાં વર્ષા પડે, રણમાં રોપે રોપ;
સ્વપ્નમાં સોનું મળે, એ ત્રણે અલેખે જાય.
*
અંધ ખરીદે આરસી, બહેરો વખાણે બોધ;
લલના લૂલી નાચ કરે, એ ત્રણે અલેખે જાય.
*
ભાવ વગર ભોજન કરે, પાત્ર વિનાનું દાન;
શ્રદ્ધાહીણ જે શ્રાદ્ધ કરે, એ ત્રણે અલેખે જાય.
*
તકરારીને વખત મળે, ઢાઢી કરે વખાણ;
ગરજવાન ગુસ્સો કરે, એ ત્રણે અલેખે જાય.
*
મુરખથી મસલત કરે, બીકણનો સંગાથ;
શત્રુ સાથે સરળતા, એ ત્રણે અલેખે જાય.
*
લોકવાણીમાંથી ફાંટુની ફાંટું બંધાય એટલી ઉક્તિઓ મળે છે. તેમાંથી ‘ત્રણ’ વાળી ઉક્તિઓની અહીં થોડી વાત કરીએ. સાચુકલું ભણતર- જ્ઞાન ‘અભણ’ માનવીઓ ‘લોક’ પાસેથી આપણને સાંપડે છે.
દેવ દરિયો ને દરબાર એ ત્રણ વિના પૈસો નહીં.
આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ વિના દુખ નહીં.
જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય એ ત્રણ વિના શાંતિ નહીં.
ઉત્ત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણ વિના જગતના ખેલ નહીં.
*
સેગ, સરિયો ને પોપટો એ ત્રણ વિના ધાન્ય નહીં.
વા, ઘા ને ગહરકો એ ત્રણ વિના વાજું નહીં.
અણી, ધાર ને ધબાકો એ ત્રણ વિના હથિયાર નહીં.
ચાવવું, ચૂસવું નેસબડકો એ ત્રણ વિના ખાવાનું નહીં.
*
તાવ, તામસ ને તલાટી એ ત્રણ ગયા વિના સારા નહીં
વા’ણ, વિવાહ ને વરસાદ એ ત્રણ આવ્યા વિના સારા નહીં
ખંત, મહેનત ને બુદ્ધિ એ ત્રણ વિના વિધા નહીં.
જૂઠ, કરજ ને કપટ એ ત્રણ વિના દુઃખ નહીં.
*
બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ વિના દેવ નહીં
વાત, પિત્ત ને કફ એ ત્રણ વિના રોગ નહીં
આદિ મધ્ય ને અંત એ ત્રણ વિના નાડી નહીં
જય, સમાધાની ને નાશ એ ત્રણ વિના અવધિ નહીં.
*
ગીધ, ગધેડો ને ઘૂવડ એ ત્રણ વિના અપશુકન નહીં
સ્વપ્ન, ચિત્ર ને સાક્ષાત્‌ એ ત્રણ વિના દર્શન નહીં
રજો, તમો અને સતો એ ત્રણ વિના ગુણ નહીં.
રાગ નાચ ને પૈસો એ ત્રણ વિના ગરજ નહીં.
*
ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ વિના કાળ નહીં
કુંવારી, સધવા ને વિધવા એ ત્રણ વિના સ્ત્રી નહીં.
સંતતિ, ક્રિયમાણ ને પ્રારબ્ધ એ ત્રણ વિના ક્રિયા નહીં
શ્વાસ, જ્ઞાન કે કામ એ ત્રણ જીવના આધાર વિના નહીં.
*
સુખ, જિંદગી ને માન એ ત્રણ વિના સંતોષ નહીં.
જર, જોરૂ ને જમીન એ ત્રણ વિના વઢવાડ નહીં.
અક્કલ, અમલ અને ડોળદમામ એ ત્રણ વિના કારભારુ નહીં.
વાચવું, લખવું ને શીખવું એ ત્રણ વિના બુદ્ધિના હથિયાર નહીં.
*
આળસ, રોગ ને સ્ત્રીની સેવા એ ત્રણ વિના મોટાઈ જાય નહીં.
કરજ, અગ્નિ ને રોગ એ ત્રણ વિના ખરાબી નહીં.
પૂછવું, જોવું ને દવા દેવી એ ત્રણ વિના વૈધું નહીં.
ક્રૂરતા, કૃપણતા ને કૃતજ્ઞતા એ ત્રણ વિના મોટું કષ્ટ નહીં.
*
માલ, ખજાનો ને જિંદગી એ ત્રણે રહેવાના નહીં.
અક્કલ, યકીન અને પ્રભુતા એ ત્રણ પૂરતા હોય નહીં.
વિધા, કળા ને ધન એ ત્રણ સ્વેદ વિના મળવાના નહીં
દુઃખ, દરિદ્રતા ને પરઘેર રહેવું એ ત્રણ વિના મોટું દુઃખ નહીં.
*
પાન, પટેલ ને પ્રધાન ત્રણ કાચા સારા નહીં.
નાર, ચાર ને ચાકરૂ એ ત્રણ પાકા સારા નહીં.
ડોશી, જોષી ને વટેમાર્ગુ એ ત્રણ વિના ફોગટિયા નહીં.
વૈધ, વેશ્યા ને વકીલ એ ત્રણ વિના રોકડિયા નહીં.
*
ઘંટી, ઘાણી ને ઉઘરાણી એ ત્રણ ફેરા ખાધા વિના પાકે નહીં.
દુર્ગુણ, સદગુણ ને વખત એ ત્રણ સ્થિર રહેવાના નહીં.
વિધા, હોશિયારી ને અક્કલ એ ત્રણ આળસુ પાસે જાય નહીં.
દેવનું વચન, વિધા ને ધરમ એ ત્રણ દરિદ્રી પાસે રહે નહીં.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s