દેવભૂમિ દ્વારકા: બાર જ્યોર્તિલિંગ પૈકી સૌરાષ્ટ્રમાં 2 જ્યોર્તિલિંગ આવેલા છે. જેમાં દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવ પૌરાણિક મહત્વ ધરાવે છે.
નાગેશ્વર મહાદેવના મંદિરના ગર્ભગૃહ સભામંડપથી નીચલા સ્તર પર આવેલું છે. અહીં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ મધ્યમ મોટા આકારનું છે, તેની ઉપર એક ચાંદીનું આવરણ ચડાવાયું છે. જ્યોતિર્લિંગ પર જ એક ચાંદીના નાગની આકૃતિ બનાવેલી છે. જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત છે.
પૌરાણિક માન્યતા અનુસાર, સુપ્રિય નામનો એક ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો, તે ભગવાન શિવનો ભક્ત હતો. એકવાર તે પોતાના દળની સાથે નાવમાં બેસીને ક્યાંક જઈ રહ્યો હતો પરંતુ ભૂલથી નાવ દારુકા રાક્ષસના વનની તરફ ચાલી ગઈ. અહીં દારુકા રાક્ષસના અનુયાયીએ તેને પકડીને બંધક બનાવી લીધો. વિપત્તિને સામે જોઈને તેણે ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યો. તેના સાથીઓ પણ ऊं नम: शिवाय મંત્ર જાપ કરવા લાગ્યા. જ્યારે આ વાત દારુકાને ખબર પડી તો તે સુપ્રિયનો વધ કરવા માટે આવ્યો.
તેને જોઈને સુપ્રિય ભગવાન શિવને રક્ષા માટે વિંનતી કરવા લાગ્યો, ત્યારે ત્યાં એક મંદિર પ્રગટ થયું. આ મંદિરમાં એક શિવલિંગ સ્થાપિત હતું, સાથે જ શિવ પરિવાર પણ હતો. જોતજોતાંમાંજ ભગવાન શિવે બધા રાક્ષસોનો વધ કરી દીધો. મહાદેવે સુપ્રિયને કહ્યું કે આજથી આ વનમાં શ્રેષ્ઠ મુનિ અને ચારેય વર્ણના લોકો રહેશે. રાક્ષસ આ વનમાં ક્યારેય નિવાસ નહીં કરે. આ જોઈને દારુકા રાક્ષસની પત્ની દારુકા, માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી.
પ્રસન્ન થઈને માતા પાર્વતીએ દારુકાની પત્નીને વરદાન માંગવા કહ્યું. દારુકાની પત્નીએ કહ્યું કે મારા વંશની રક્ષા કરો, ત્યારે પાર્વતીએ મહાદેવને કહ્યું કે રાક્ષસ પત્નીઓ જે પુત્રોને જન્મ આપે, તે બધા આ વનમાં નિવાસ કરે એવી મારી ઈચ્છા છે. ત્યારે મહાદેવે કહ્યું કે હું ભક્તોનું પાલન કરવા માટે આ વનમાં રહીશ. આ રીતે જ્યોતિર્લિંગ સ્વરૂપ મહાદેવ ત્યાં નાગેશ્વર કહેવાયા અને પાર્વતી નાગેશ્વરીના નામે જાણિતા થયાં.
નોંધનીય છે કે, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક વિશાળ મનમોહક પ્રતિમા આવેલી છે. આ મૂર્તિ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી છે. આ પ્રતિમાને બે કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
Charmi Katira
