Posted in मंत्र और स्तोत्र

રુદ્રી


*રુદ્રી*

રુદ્રીના આઠ અઘ્યાય હોવાથી અષ્ટાઘ્યાયી કહેવાય છે તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અઘ્યાયોમાં પ્રથમ અઘ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’ના નામે ઓળખવામાં આવે છે. આ અઘ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીના મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરની રચના કરી છે.

*પ્રથમ અઘ્યાય*
પ્રથમ અઘ્યાયમાં ઋષિઓ શિવને પ્રાર્થના કરે છે. હે શિવ! અમારું આ ચંચળ મન અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને વિચારો કરે છે. તમારી પૂજામાં સ્થિર બનતું નથી. આપ અમારા આ મર્કટ જેવા મનને સ્થિર કરો, પવિત્ર વિચારોવાળું બનાવો. દરેક મંત્રના અંતમાં આવે છે ‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ હે શિવ! અમારું મન ઉદાર અને પવિત્ર બનો.

*દ્વિતીય અઘ્યાય*
અષ્ટાઘ્યાયી રુદ્રીના બીજા અઘ્યાયને આપણે ‘પુરુષસૂકત’ના નામે જાણીએ છીએ. આ પુરુષસૂકત ભારત વર્ષના દરેક પંડિતો બોલે છે. તેના દિવ્ય મંત્રોથી દેવોની ષોડશોપચાર પૂજા થાય છે. આ પુરુષસૂકતના ૧૬ મંત્રોમાં પરમાત્માના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં જેમ ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન આવે છે તે જ રીતે આ બીજા અઘ્યાયમાં ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન છે. હે પ્રભુ! આપ ચૌદ બ્રહ્માંડને માપી લીધા પછી પણ આપ એક મુઠ્ઠી જેટલા વધો છો.

*તૃતીય અઘ્યાય*
રુદ્રીના ત્રીજા અઘ્યાયને ‘અપ્રતિરથસૂકત’ કહેવામાં આવે છે. અપ્રતિરથનો અર્થ છે, જેના રથને કોઇ અટકાવી શકતું નથી. સૂર્યના રથને કોણ અટકાવી શકે? આ અઘ્યાયમાં દેવોના રાજા ઇન્દ્રને લગતા મંત્રો છે. હે ઇન્દ્ર! અમે આપના જેવા બળવાન તથા ચપળ બનીએ. અમારામાં નીડરતા અને ચપળતા આવે.

*ચતુર્થ અઘ્યાય*
અષ્ટાઘ્યાયી રુદ્રીના ચોથા અઘ્યાયને ‘મૈત્રસૂકત’ કહેવામાં આવે છે. સૂર્યનું એક નામ મિત્ર છે. સૂર્યની કૃપાથી જ ભૌતિક ક્રિયાઓ થાય છે. વરસાદ, ધન, ધાન્ય, વનસ્પતિ આ બધું સૂર્યકૃપાથી જ આપણને મળે છે. નવ ગ્રહો તથા આપણી પૃથ્વીને પણ સૂર્યમાંથી બળ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણની ઉપાસનાથી આત્મબળ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે.

*પંચમ અઘ્યાય*
અષ્ટાઘ્યાયી રુદ્રીના પાંચમા અઘ્યાયને ‘રુદ્ર’ કહેવામાં આવે છે કારણ કે આ અઘ્યાયમાં કેવળ શિવજીનું વર્ણન આવે છે. આ અઘ્યાયને ‘શતરુદ્રીયમ્’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ અઘ્યાયમાં શિવજીનાં સો સ્વરૂપોનું વર્ણન આવે છે. ‘નમ:સભાભ્ય:’ દેવોની સભામાં સભાપતિ બનીને બેઠેલા, પાર્વતી સાથે બેઠેલા, સ્મશાનમાં બેઠેલા, જટાવાળા, જટા વગરના, ઉપદેશ આપતા, કવચ ધારણ કરીને બેઠેલા, આનંદમાં આવીને દુંદુભી વગાડી રહેલા, પારધીના રૂપમાં, ભીલના રૂપમાં, હિંસક પ્રાણીઓના રૂપમાં ભ્રમણ કરતા શિવ. આવાં સો સ્વરૂપોનું વર્ણન આવે છે, માટે પાંચમા અઘ્યાયને ‘શતરુદ્રીયમ્’ કહેવામાં આવે છે. આ અઘ્યાયમાં ૬૬ મંત્રો આવે છે. શિવજીના યજ્ઞમાં બીજા અઘ્યાય માત્ર એક વાર બોલવામાં આવે છે, જયારે પાંચમો અઘ્યાય વારંવાર બોલવામાં આવે છે. આ અઘ્યાય ૧૧ વખત બોલવાથી ૧ રુદ્રી ગણાય છે. ૧૨૧ વાર બોલવાથી ૧ લઘુરુદ્ર થયો કહેવાય તથા ૧૩૩૧ વાર બોલવાથી ૧ મહારુદ્ર ગણાય છે. શિવજીને સંહારના દેવ માનવામાં આવે છે. માણસના મરણ સમયે કફ-તાવ-પિત્તનો હુમલો થાય છે, જીવ ગભરાય છે ત્યારે શિવજી તેને આ પીડામાંથી મુકત કરે છે. હે પ્રભુ! અમને તમારા સંહારરૂપ બાણોથી બચાવો. અમને મૃત્યુના મૂળમાંથી મુકત કરીને અમૃતના માર્ગે, મોક્ષના માર્ગે લઇ જાઓ.

*ષષ્ઠો અઘ્યાય*
છઠ્ઠા અઘ્યાયમાં ઉગ્ર અને મૃત્યુના પાશમાંથી છોડાવનારા, મુકત કરનારા શિવજીનું વર્ણન છે. આ અઘ્યાયમાં ભગવાન શિવને ઉત્તમ વૈધ કહેવામાં આવ્યા છે. આ અઘ્યાયનું વારંવાર પઠન કરવાથી, શ્રવણ કરવાથી મનુષ્યને અસાઘ્ય રોગમાંથી પણ મુકિત મળે છે, મનોકામના પરિપૂર્ણ થાય છે. શિવજી તેના માટે કોમળ બને છે.

*સપ્તમ અઘ્યાય*
રુદ્રીના સાતમા અઘ્યાયને પંડિતો નમક-ચમક કહે છે. પંડિતો પરસ્પર વાતો કરે, ચાલો ભાઈ નમક ભણો નમક એટલે મીઠું ન સમજતા અને ચમક એટલે ચમક ચૂનો ન સમજતા. નમક ચમક એટલે જે અઘ્યાયમાં વારંવાર ચમે ચમે આવે છે તથા નમ: નમ: આવે છે માટે નમક ચમક કહેવાય છે. આ અઘ્યાયના મંત્રોમાં ભકત શિવજી પાસે અનેક પ્રકારની વસ્તુઓની માગણી કરે છે. જેમ કે વ્રીહયશ્ચમે જવાશ્ચમે હે શિવ! અમને ઘઉં, ડાંગર, મગ, ચણા જેવા દરેક પ્રકારનાં ધાન્ય મળો, શ્યામંશ્ચમે અમને સોનું, પિત્તળ, લોઢું, પથ્થર પ્રાપ્ત થાઓ. અમને અભયની પ્રાપ્તિ થાય, સુંદર મિત્રો તથા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય, પરંતુ આ બધું અમને તારી કૃપાથી તથા યજ્ઞથી પ્રાપ્ત થાય. મિત્રો કેવી ઉત્તમ ભાવના. ભકત પહેલાં યજ્ઞ કરે છે ત્યાર બાદ પ્રભુ પાસે માગણી કરે છે.

*અષ્ટમ અઘ્યાય*
આઠમા અઘ્યાયને શાંતિ અઘ્યાય કહેવામાં આવે છે. આ અઘ્યાયમાં ઇન્દ્ર, વરુણ, વાયુ, બૃહસ્પતિ, નારાયણ, અગ્નિ આવા અનેક દેવોની પ્રાર્થના છે. શંનો મિત્ર: હે સૂર્ય અમારું કલ્યાણ કરો, શં વરુણ: હે વરુણ અમારું કલ્યાણ કરો, શંનો બૃહસ્પતિ: હે દેવગુરુ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો, શંનો વિષ્ણુરુરુ ક્રમ: હે ત્રણ ડગલાં ભરનાર નારાયણ અમારું કલ્યાણ કરો. આવો આપણે પણ આ બધા દેવોને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ તથા કલ્યાણની, શાંતિની માગણી કરીએ.

*ઉપસંહાર*
આ અઘ્યાયમાં શિવનાં નામોનો ઉલ્લેખ છે. પંચમુખ શિવને અલગ અલગ મંત્રો બોલીને નમસ્કાર કરવામાં આવ્યા છે. શિવની મહાપૂજામાં શિવના પંચમુખની પૂજા થાય છે ત્યારે આ દિવ્ય મંત્રોનું પઠન કર્યા બાદ આરતી થાય છે.
શાસ્ત્રી સંદીપ પંડયા ગોઝારીયાવાળા

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s