મુજ સે બુરા ના કોઈ ! ….( હાસ્ય-બોધ-કથા ) ….વિનોદ પટેલ
મોહનને એના મગજમાં કોણ જાણે કેમ એવો વહેમ ઘુસી ગયો હતો કે એની પત્ની લીલા પહેલાંની માફક હવે બરાબર સાંભળતી હોય એમ લાગતું નથી . હું એને કઈ પણ પૂછું એનો કોઈ જવાબ કેમ નથી આપતી, એવું એને હમ્મેશાં લાગ્યા કરતું. લીલા બરાબર સાંભળે એટલા માટે એને કાને લગાડવાનું નાનું મશીન બજારમાંથી ખરીદી લાવવું પડશે એમ એ વિચારવા લાગ્યો.
આ માટે એ સીધા એની પત્નીને કંઇક વાત કરે એ પહેલાં એની પત્નીની આ બહેરાશના પ્રશ્ન અંગે શું કરવું જોઈએ એની ચર્ચા કરવા લીલાના પ્રાઈમરી ફેમીલી ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લઈને મોહન એ ડોક્ટરને મળ્યો .
“તમારાં પત્નીની બહેરાશનો ખ્યાલ આવે એટલા માટે એક સીધો સાદો ટેસ્ટ તમારે હું તમને જેમ કહું એ પ્રમાણે કરવો પડશે .”
ડોક્ટરે મોહનને આ ટેસ્ટ કેવી રીતે કરવો એ સમજાવતાં કહ્યું :
“જુઓ, તમારાં પત્ની જ્યાં હોય ત્યાંથી ૪૦ ફીટ દુરથી તમે રોજ વાતો કરો છો એવા જ અવાજથી એની સાથે વાત કરજો અને જુઓ કે એ સાંભળે છે કે કેમ . જો આ પ્રમાણે કરતાં એ ન સાંભળે તો ૩૦ ફીટ દુરથી અને ફરી ન સાંભળે તો ૨૦ ફીટ એ પ્રમાણે તમારા પત્ની તમારી વાતનો જવાબ આપે ત્યાં સુધી કરતા જજો “
ડોક્ટરની આ સલાહ પછી એક સાંજે મોહન જોબ ઉપરથી ઘેર આવ્યો ત્યારે એની પત્ની લીલા રસોડામાં રસોઈ કરતી હતી .
મોહન લીલાથી લગભગ ૪૦ ફીટ દુર એના દીવાનખંડમાંથી રોજ વાતચીત કરતો હતો એવા અવાજથી લીલાને પૂછ્યું :
” લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”
મોહનના આ પ્રશ્નનો લીલાએ કોઈ જવાબ ન આપ્યો એટલે એ રસોડા તરફ થોડા વધુ નજીક જઈને લગભગ ૩૦ ફીટના અંતરથી એજ પ્રશ્નને દોહરાવતાં પૂછ્યું :
“લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”
ફરી લીલાએ કોઈ જવાબ આપ્યો નહી એમ મોહનને લાગતાં એણે ૨૦ અને ૧૦ ફીટથી આ પ્રમાણે લીલાને કુલ પાંચ વાર પૂછ્યું પણ એનો કોઈ જવાબ ન મળ્યો .
મોહનને હવે મનમાં ઠસી ગયું કે એના ડોકટરે કહ્યું હતું એમ નક્કી લીલાને સાંભળવાનો પ્રોબ્લેમ છે જ .
છેવટે મોહન રસોડામાં જઈને લીલાની બિલકુલ નજીક લીલાની પીઠ પાછળ જઈને એ જ પ્રશ્ન ફરી કર્યો ”
“લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”
લીલા પૂંઠ ફેરવીને મોહનને તતડાવતી હોય એમ ગુસ્સાથી મોટા અવાજે બોલી :
” મોહન, મેં તને પાંચ વાર કહ્યું કે ડીનરમાં રોટલી, શાક અને કઢી ભાત છે. સંભળાતું નથી ?બહેરો થઇ ગયો છે કે શું ?”
હકીકતમાં મોહનને જ સાંભળવાનો પ્રોબ્લેમ હતો ,એની પત્ની લીલાને નહિ !
આ હાસ્ય કથાનો બોધ એ છે કે માણસને હંમેશાં પોતાનો દોષ હોય એ દેખાતો નથી અને એ બીજાના દોષ શોધવા નીકળે છે. જાણે એ એમ ના માનતો હોય કે “સમરથ કો ન હોય દોષ ગુસાઈ”. અને એમ માનીને બીજાના જ દોષ જુએ છે .
આપણે જ્યારે બીજાની તરફ એક આંગળી કરીએ છીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણી તરફ રહેતી હોય છે .આપણી પણ ભૂલ થતી હોય કે આપણામાં પણ દોષ હોઈ શકે છે એ ભૂલી જવાય છે.