બોલે એ બે ખાય !
શિવપુરા ગામ ખૂબ જ સમૃધ્ધ અને તેની સુંદરતા માટે ખૂબ
જાણીતું. આ ગામમાં દરેક વ્યક્તિ એકબીજાની મદદે ગમે તે
સંજોગોમાં અને ગમે તે સમયે પહોંચવા તત્પર રહેતી.
આ ગામની મધ્યમાં લાભશંકર અને લાડુશંકર નામના બ્રાહ્મણ
પિતાપુત્ર રહેતા હતા. લાડુશંકરને નાનપણથી જ લાડુ ખૂબ જ
ભાવે તેથી લાભશંકરે તેનું નામ લાડુશંકર પાડયું હતું. લાભશંકર
પણ લાડુ પાછળ ખૂબ ઘેલા. એક વખત ગામમાં કોઇના ઘરે
પ્રસંગ હશે તે પાંચ લાડવા મૂકી ગયા. લાભશંકર અને
લાડુશંકર આ જોઇને ઘણી મોટી મૂંઝવણમાં પડી ગયા. તેમને
સમજાતું નહોતું કે કોણ ત્રણ લાડવા ખાય અને કોણ બે
લાડવા ખાય.
બ્રાહ્મણના પુત્ર લાડુશંકરને એક યુક્તિ સુઝી. તેથી તેણે કહ્યું
કે ”તેમણે બંનેએ મૌન ધારણ કરવું અને જે
સૌથી પહેલા નિયમ તોડી બોલે તે બે લાડુ ખાય અને જીતે તે
ત્રણ લાડુ ખાય.” આમ, શરત પ્રમાણે બંનેએ મૌન ધારણ
કર્યું. ધીમે ધીમે સૂરજ માથે આવ્યો ને બપોરના સમય
સુધી બન્નેમાંથી કોઇ કશું બોલ્યું નહીં અને બપોર થતાં તેમને
ઊંઘ ચઢી તેથી બંને આડા પડયાને થોડા જ સમયમાં સૂઇ ગયા.
બ્રાહ્મણની પડોશમાં રહેતા સોમભાઇ અને
તેમની પત્ની લાડકીબેન બ્રાહ્મણના ઘરમાં શાંતિ જોઇ
શંકા કરવા લાગ્યા કે શું બન્યું હશે
તો બ્રાહ્મણના ઘરમાંથી કોઇ કશું બોલતું- ચાલતું નથી ?
કોઇ દેખાતું નથી, કોઇ અવાજ નથી ! તેથી સોમભાઇ
લાભશંકરના ઘરે ગયા. તેમણે બંને પિતા-પુત્રને આંખો બંધ
કરી પડેલા જોયા તેથી તેઓને થયું કે તે બંને મૃત્યુ પામ્યા લાગે
છે. તેમણે ઘણી બૂમ પાડી પણ કોઇ કશું ન બોલ્યું
તેથી સોમભાઇએ તેમના બે પુત્ર અને બાજુવાળા રમણભાઇને આ
વાત કરી. રમણભાઇએ પણ પોતાના પુત્રને
બોલાવી લીધો તેઓએ તો બંને પિતા-પુત્રની ઠાઠડી તૈયાર
કરી છતાં બંને પિતા-પુત્રમાંથી કોઇ કશું જ બોલે નહીં. એ
પણ ફક્ત ત્રણ લાડુ ખાવાના લોભમાં ! આ પાંચ તો આ બંનેને
લઇ સ્મશાને ગયા અને ‘રામ બોલો ભઇ રામ’
બોલવા લાગ્યા.
ત્યાર બાદ જ્યારે સોમભાઇ દુઃખી મને લાભશંકરની ચિતા પર
આગ ચાંપવા ગયા તો ડરના માર્યા લાભશંકર ઊભા થઇ
રોતા રોતા બોલવા લાગ્યા, ‘બસ, તું ત્રણ ખાજે, હું બે
ખાઇશ ! આમ, ઓચિંતા લાભશંકર ઊભા થઇ ગયા તેથી પાંચે જણ
‘ભૂત-ભૂત’ની બૂમો પાડતા ઘર તરફ નાઠા અને
ડરના માર્યા ઘરમાં ભરાઇ ગયા.
પછી જ્યારે આ પાંચે જણને લાભશંકરે ઘરે જઇ માંડીને વાત
કરી ત્યારે હકીકત સાંભળી બધા ખૂબ હસ્યા કે લાભશંકર
અને લાડુશંકર તો લાડવા ખાવાની વાત કરતા હતા, તે પાંચને
ખાવાની નહીં અને પાંચ લાડવા હવે સાતેય જણે વહેંચીને
ખાધા અને પાછા બધા હસવા માંડયા. ત્યારથી કહેવત પડી કે
‘બોલે એ બે ખાય !’
– શ્રદ્ધા સોની