Posted in Uncategorized

અક્ષય તૃતીયા


http://gujarati.webdunia.com/article/akshaya-tritiya/akshaya-tritiya-vrat-katha-in-gujarati-108050600027_1.html

વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને ‘અક્ષય તૃતીયા’ અથવા અખાતત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો માનવામાં આવે છે. જો ત્રીજ મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કરવામાં આવે તેનું ખૂબ જ સારુ ફળ મળે છે.

આ વ્રત દાનપ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ છે. આ દિવસથે સતયુગ શરૂ થાય છે તેથી આને યુગાદિ ત્રીજ પણ કહે છે.

કેવી રીતે કરશો ?
-વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં સૂઈને ઉઠો
– ઘરની સફાઈ અને નિત્ય કાર્યથી પરવારીને પવિત્ર કે શુધ્ધ જળથી સ્નાન કરો.
– ઘરમાં જ કોઈ પવિત્ર સ્થળ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.
– નીચેના મંત્રથી સંકલ્પ કરો –
ममाखिलपापक्षयपूर्वक सकल शुभ फल प्राप्तये
भगवत्प्रीतिकामनया देवत्रयपूजनमहं करिष्ये।
– સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુનુ પંચામૃતથી સ્નાન કરાવો.
– ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને સુગંધિત પુષ્પમાળા પહેરાવો.
– નૈવેધમાં ઘઉંનો સત્તુ કાકડી અને ચણાની દાળ ધરાવો.
– છેવટે તુલસીનુ પાણી ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી જોઈએ.
– ત્યારબાદ ઉપવાસ કરો.

અક્ષય તૃતીયાની વ્રત કથા

દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારુ પૂરતો.

ઘરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા – હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે.

અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ.

ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી.

સર્વસ્વનુ દાન કરી ઘરમચંદ પૂર્ણ શ્રધ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી.

આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસ વતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી.

જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે,
તેના ભંડાર સદા ભર્યા રહેશે.

અક્ષય તૃતીયા સાથે જોડાયેલ 4 રોચક વાતો, જાણો કેમ છે વિશેષ અખાત્રીજ ?

શનિવાર, 7 મે 2016 (16:19 IST)

akshaya-tritiya
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થાનો પર તેને પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ તિથિનુ વિશેષ મહત્વ છે. કારણ કે આ વર્ષમાં આવતા 4 વણજોયા મુહુર્તમાંથી એક છે.  (અક્ષય તૃતીયા ઉપરાંત દેવઉઠની અગિયારસ, વસંત પંચમી અને ભડલી નવમીને અબૂઝ મુહુર્ત માનવામાં આવે છે.) આ વખતે આ તહેવાર 9 મે સોમવારના રોજ છે. આજે અમે તમને અક્ષય તૃતીય સાથે જોડયેલ કેટલીક વાતો બતાવી રહ્યા છે. જે આ પ્રકારની છે.
અક્ષય તૃતીયા કેમ છે વિશેષ ?
હિન્દુ પંચાગ મુજબ વર્ષના બીજા મહિનાની વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિના રોજ કરવામાં આવેલ દાન-ધર્મનો અક્ષય મતલબ નાશ ન થનારુ ફળ અને પુણ્ય મળે છે. તેથી આ સનાતન ધર્મમાં દાન ધર્મનો અચૂક કાળ માનવામાં આવે છે. તેને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. કારણ કે આ તિથિ 8 ચિરંજીવીયોમાં એક ભગવાન પરશુરામની જન્મ તિથિ પણ છે. હિન્દુ ધર્મ માન્યતાઓમાં કોઈપણ શુભ કામ માટે વર્ષના સ્વયં સિદ્ધ મુહુર્તોમાં અખા ત્રીજ પણ એક છે.
શાસ્ત્રો મુજબ વૈશાખ મહિનો વિષ્ણુ ભક્તિનો શુભ કાળ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ મહિનાની અક્ષય તૃતીયને જ ભગવાન વિષ્ણુના નર નારાયણ,  હયગ્રીવ અને પરશુરામ અવતાર થયા હતા. તેથી આ દિવસે પરશુરામ જયંતી નર-નારાયણ જયંતી પણ ઉજવાય છે.  ત્રેતાયુગની શરૂઆત પણ આ શુભ તિથિના રોજથી માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ પુણ્યદાયી અને મહામંગળકારી માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા પર કંઈ વસ્તુઓના દાનનુ છે ખાસ મહત્વ ? 
આ શુભ તિથિ પર કરવામાં આવેલ દાન અને તેના ફળનો નાશ થતો નથી. આ દિવસે ખાસ કરીને જવ, ઘઉં, ચણા, સત્તુ, દહી-ભાત, શેરડીનો રસ, દૂધથી બનેલ વસ્તુઓ જેવી કે માવા, મીઠાઈ વગેરે, સોનુ અને પાણીથી ભરેલ કળશ, અનાજ બધા પ્રકારના રસ અને ગરમીની ઋતુમાં ઉપયોગી બધી વસ્તુઓના દાનનું મહત્વ છે. પિતરોનુ શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાનુ પણ અનંત ફળ મળે છે.
અખા ત્રીજ પર કયુ કામ કરવુ હોય છે શુભ ? 
હિન્દુ ધર્મગ્રંથોમાં અક્ષય તૃતીયા અબૂઝ મુહૂર્ત બતાવ્યુ છે.  જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તિથિ પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. તેથી આ દિવસે લગ્ન, વેપારની શરૂઆત અને ગૃહ પ્રવેશ કરવો જેવા માંગલિક કામ ખૂબ શુભ સાબિત થાય છે. લગ્ન માટે જે લોકોના ગ્રહ-નક્ષત્રોનુ મિલાન નથી થતુ કે મુહૂર્ત નથી નીકળી શકતુ.  તેમને આ શુભ તિથિ પર દોષ નથી લાગતો અને નિર્વિધ્ન વિવાહ કરી શકે છે.
================================

અક્ષય તૃતીયા

વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથીને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ ૨૦૧૨માં અક્ષય તૃતીયા ૨૪ એપ્રિલ, મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે.

અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ

નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચન્દ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચન્દ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચન્દ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે શુક્ર વૃષભ રાશિમાં ઉચ્ચના ચન્દ્ર સાથે યુતિમાં છે અને ગુરુ મેષ રાશિમાં ઉચ્ચના સૂર્ય સાથે યુતિમાં છે. આ સંભવતઃ દર બાર વર્ષે એક જ વાર ઘટી શકે છે. કેતુ પણ ઉચ્ચના ચન્દ્રની સાથે યુતિમાં છે.

અક્ષય તૃતીયાનું સ્વયં સિદ્ધ કે વણજોયા મુહુર્ત તરીકે વિશેષ મહત્વ છે. આ દિવસે પંચાંગ અને મુહુર્ત શુદ્ધિ જોયા વગર કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થઇ શકે છે. વિવાહ, ગૃહ પ્રવેશ, વસ્ત્ર કે આભૂષણોની ખરીદદારી, જમીન કે વાહન આદિની ખરીદદારી તેમજ નવા સાહસ કે રોકાણો કરવા માટે આ દિવસ શુભ છે. અક્ષય તૃતીયા અનંત કાળ સુધી સમૃદ્ધિ અને સફળતા અપાવનારો દિવસ ગણાય છે. આ દિવસે પિતૃઓને કરાયેલું તર્પણ કે પિંડદાન અથવા કોઈ પણ પ્રકારનું દાન અક્ષય ફળ પ્રદાન કરે છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના સર્વે પાપોનો નાશ થાય છે. જો આ તિથી સોમવાર અને રોહિણી નક્ષત્રનાં દિવસે આવે તો તે દિવસે કરાયેલા જપ, તપ, દાન ઇત્યાદિનું ફળ ઘણું વધી જાય છે. અક્ષય તૃતીયા મધ્યાહ્ન પહેલાં શરૂ થાય અને પ્રદોષ કાળ સુધી રહે તો તેને શ્રેષ્ઠ માનવામાં આવી છે.

અક્ષય તૃતીયા સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ આ તિથીથી થયો હતો. ભગવાન વિષ્ણુના અવતાર શ્રી નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામજીનું અવતરણ પણ આ જ તિથીએ થયું હતું. આ દિવસે મહાભારત યુદ્ધનું સમાપન થયું હતું અને આ જ દિવસે દ્વાપર યુગનું પણ સમાપન થયું હતું. અક્ષય તૃતીયાના દિવસે પાંડવોને શ્રી કૃષ્ણ પાસેથી અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. એવું મનાય છે કે આ જ દિવસે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરવાની શરૂઆત કરી હતી. અક્ષય તૃતીયાના દિવસે જ સુદામા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. આ જ દિવસે શ્રી બલરામ જયંતિ પણ ઉજવાય છે. પવિત્ર નદી ગંગા અક્ષય તૃતીયાના દિવસે જ સ્વર્ગમાંથી પૄથ્વી પર નીચે ઉતરી હતી. દેવી વિજયા ચામુંડેશ્વરીએ આ જ દિવસે અસુરનો સંહાર કર્યો હતો. પુરાણો અનુસાર દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેર સ્વયં આ દિવસે શ્રી લક્ષ્મીજીની આરાધના કરે છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથના દ્વાર પણ પુનઃ આ તિથીએ જ ખુલે છે. જૈન ધર્મમાં પણ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. આ દિવસે જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને એક વર્ષની તપસ્યા પૂર્ણ કર્યા બાદ ઈક્ષુ એટલે કે શેરડીના રસથી પારાયણ કર્યુ હતું.

અક્ષય તૃતીયાને દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી લક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી છે. આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતના પાઠ કરવા શ્રેષ્ઠ છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રી લક્ષ્મી નારાયણની પૂજા સફેદ કમળ અથવા સફેદ ગુલાબ કે પીળા ગુલાબથી કરવી જોઈએ. આ દિવસ અભ્યાસ કે લેખનકાર્ય શરૂ કરવા માટે શુભ છે. આ દિવસની આધ્યાત્મિક ઉર્જા ઉચ્ચ પ્રકારના વિચારો સર્જવામાં મદદરૂપ બને છે. અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું કલ્યાણકારી છે. આ દિવસે કરાયેલું દાન પુણ્યકારી છે. એવું મનાય છે કે આ દિવસે જે-જે વસ્તુઓનું દાન કરવામાં આવે તે સ્વર્ગમાં અથવા આવતાં જન્મમાં પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે પોતાના સારા આચરણ અને સદગુણો દ્વારા બીજાના આશીર્વાદની પ્રાપ્તિ અક્ષય રહે છે. અક્ષય તૃતીયાના દિવસે પ્રારંભ કરાયેલાં કાર્યો કે આ દિવસે અપાયેલાં દાનનો ક્યારેય ક્ષય થતો નથી. આથી જે કોઈ કાર્યનું ફળ અનંતકાળ સુધી ઈચ્છતા હો તે કાર્યનો પ્રારંભ અક્ષય તૃતીયાના દિવસે કરી શકાય.

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s