એક વખત એક કેડી ઉપર બે મહાન નેતાઓ એકઠા થઈ ગયા. પહેલાએ કહ્યું :
‘હે બંધુ ! આપણા આ મહાન દેશની બરબાદી કયા કારણથી થઈ તેનાં કારણો પૂછવા હું પહાડના સંત પાસે જાઉં છું. ગરીબ લોકો વધારે ગરીબ અને ધનિક લોકો વધારે ધનિક શાથી થાય છે તથા જરાય આવડત ન હોય તેવા મનુષ્યો ઊંચી જગાઓ પર ગોઠવાય છે અને શક્તિશાળી માનવીઓને સાધારણ જીવન કેમ ગુજારવું પડે છે તે જાણવા માટે જાઉં છું.’
બીજાએ કહ્યું : ‘અને એક જ રાજ્યના એક જ પક્ષના માણસો એકબીજા સાથે ક્યા કારણથી લડે છે તે મારે જાણવું છે તેથી હું પણ પહાડના સંત પાસે જ જાઉં છું.’
આ રીતે એક જ પંથના પ્રવાસીઓ તે પહાડના સંત પાસે ગયા તથા તેમની પાસે પોતાની મૂંઝવણો રજૂ કરી. પહાડના તે સંતે કહ્યું :
‘હે મહાપુરુષો ! આવાં કારણો પૂછવા માટે તમે મારી પાસે ન આવ્યા હોત અને તમારા આત્માને પૂછી લીધું હોત તો પણ તમને જવાબ મળી ગયો હોત.’
તે બન્ને નેતાઓએ હાથ જોડીને નમ્ર સ્વરે કહ્યું :
‘ઓ પવિત્ર સંત ! અમારી પાસે જો આત્મા હોત તો અમે નેતા જ કેવી રીતે બની શક્યા હોત !’