પ્રભુને આપ્યું તે સોનું થાય

એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, ‘રથ આગળ જઈ ઊભો રહીશ, તો રાજા કોઈ કીમતી ચીજ આપી માલામાલ કરી દેશે…..’
તેવામાં રથ તેની સામે આવીને જ ઊભો રહી ગયો. ભિખારી કાંઈક વિચારે તે પહેલાં જ, રાજા રથ પરથી ઊતરી ભિખારી તરફ આવવા લાગ્યા. ભિખારી મનોમન ખુશ થયો. તેને લાગ્યું, ‘મારાં તો ભાગ્ય ખૂલી ગયાં ! રાજા ખરેખર મને ધનવાન કરી દેશે !’ પણ આ શું…? રાજા તો પોતે જ ભિખારી સમે હાથ ફેલાવી ઊભો રહી ગયો.
ભિખારીને અત્યંત આશ્ચર્ય થયું, ‘અરેરે ! આ રાજા તો કાંઈક આપવાને બદલે પોતે જ માગી રહ્યો છે. હું તેને શું આપું ?’ તે ગમે ખાઈ ગયો. પરંતુ તેણે પોતાની ઝોળીમાંથી અનાજના બે દાણા લઈ રાજાના હાથમાં મૂક્યા. રાજા અન્નના બે દાણા લઈ ત્યાંથી વિદાય થયા.
ભિખારી રાત્રે હતાશ થઈને ઘરે પાછો ફર્યો. તે મનોમન બળાપો કરવા લાગ્યો, ‘અરેરે ! આ દુનિયાના લોકો કેટલા કંજૂસ અને લોભી થઈ ગયા છે. દયા અને ઉદારતા તો જાણે મરી જ પરવાર્યાં છે.’ એમ કહી તેણે ભીખમાં મળેલા પાશેર જેટલા અનાજની ઢગલી જમીન પર ફેંકી. પણ આ શું… ? અન્નની ઢગલીમાંથી ચમકતા બે સોનાના સિક્કા ખણ-ખણ કરતા ઊછળી પડ્યા. ભિખારીને તરત જ ખ્યાલ આવી ગયો. તેને થયું, ‘મારી ઉદારતાની કસોટી કરાવા ભગવાન જ રાજારૂપે મારી પાસે આવ્યા હતા. અરેરે ! હું કેવો મૂરખ ! આખી ઝોળી જ તેમને આપી દીધી હોત તો ! જેટલા દાણા તેટલી સોનામહોર મળત.’ આમ તે ખૂબ જ પસ્તાવા લાગ્યો.
બોધ : ભગવાન અને સંત કોઈનું લેવા આવ્યા નથી. તેમને ધર્માદામાં જે આપીએ, તે અનંતગણું થઈને ભક્તને એક કે બીજી રીતે પાછું જ મળે છે. જે ભગવાન અને સંતને ઓળખતા નથી, તેને પસ્તાવાનો વારો આવે છે.
પાણીના પૈસા પાણીમાં
એક હતો દૂધવાળો. દરરોજ ગાયો દોહે. ગામમાં દૂધ વેચે. અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવે. તેનું દૂધ આજુબાજુના ગામમાં પણ વખણાતું હતું પરંતુ એકવાર તેને લોભ જાગ્યો. તેણે વિચાર્યું, ‘આમ ને આમ ગરીબ ક્યાં સુધી રહીશ ? લાવને દૂધમાં અડધો-અડધ પાણી નાંખી બમણા પૈસા કમાઉં.’
આયોજન મુજબ તેણે દૂધમાં અડધો-અડધ પાણી નાંખ્યું. અરે ! ગામમાં વેચ્યું ને બમણા પૈસા મેળવ્યા પણ ખરા. પછી બમણા પૈસાની પોટલી જોઈ આનંદ પામતો તે ઘર તરફ રવાના થયો.
તે સમયે ઉનાળાની ઋતુ હતી. ગરમી ખૂબ હતી. તેથી તે એક તળાવ કાંઠે વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. પરંતુ થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. તે ઝાડ પર એક વાંદરો રહેતો હતો. તે ભૂખ્યો થયો હતો. તેણે દૂધવાળની કમર પર પોટલી ખોસેલી જોઈ. ‘ પોટલીમાં ખાવાનું હશે.’ તેમ વિચારી તેણે પોટલી ઉઠાવી. ખોલીને જોયું તો ચમકતા સિક્કા.
વાંદરો પોટલી લઈ ઝાડ ઉપર ચઢી ગયો. પૈસાની વાંદરાને શી કિંમત ? તેણે તો એક પછી એક સિક્કાઓ તળાવમાં તથા જમીન પર ચારેબાજુ ફેંકવા માંડ્યા. આ રમતમાં તેને ખૂબ મજા પડી. છેલ્લો એક સિક્કો દૂધવાળા પર પડ્યો. તે ફડકીને જાગી ગયો. તેણે જોયું તો વાંદરાના હાથમાં ખાલી પોટલી હતી. ને આજુબાજુ થોડા સિક્કાઓ પડ્યા હતા.
વાંદરો તો રમત પૂરી કરી હૂપ-હૂપ કરતો ચાલ્યો ગયો. પણ દૂધવાળો રડતો-રડતો પૈસા ભેગા કરવા લાગ્યો. ગણતરી કરી તો ખબર પડી કે દૂધમાં ઉમેરેલા પાણીના પૈસા (તળાવના)પાણીમાં ગયા હતા ને દૂધના પૈસાજ હાથમાં આવ્યા હતા.
બોધ : આજે નહિ તો કાલે દરેક વ્યક્તિને પોતે કરેલી અપ્રમાણિક્તાનું ફળ ભોગવવું જ પડે છે.
(વાર્તાસ્રોત – સૌજન્ય : kids.baps.org, બાળપ્રકાશ સામયિક)